મહારાજ - વાણી
[રવિશંકર મહારાજે કથેલા કેટલાક પ્રસંગો અન્ય પ્રકાશનોમાંથી આ પુસ્તિકામાં ઉમેરેલ છે. - સંપાદક]
માધીનો છોકરો
અમારા આશ્રમમાં એક ઠાકરડાનો છોકરો આવેલો. બહુ નાનો હતો. અમે તેને કાંતતાં શીખવ્યું અને દોઢ વરસે તેના સૂતરમાંથી એક તાકોતૈયાર થયો. તાકો જોઇને છોકરો નાચતો નાચતો કહે, “મારી માધીને આપીશ ! મારી માધીને આપીશ !”
એના મુખ ઉપરનો મલકાટ નિહાળી મને થયું, આ છોકરાને માધી ઉપર કેટલો સ્નેહ છે ! હું જાણતો હતો કે માધી તે બાળકની મા નથી. એછોકરાની મા મરી ગઇ તેથી માધીએ તેને ઉછેરીને મોટો કર્યો હતો. બાળકનો માધી પરનો સ્નેહ દેખાતો હતો., પણ માધીને બાળક માટેકેટલો સ્નેહ છે તે જોવા જવાનો મને વિચાર આવ્યો. એક વાર બાળકોને લઇને અમારે પ્રવાસે જવાનું થયું. માધીને ગામ અમે તો ઊપડ્યાં. માધીને ઘેર હું ગયો. તેણે મને પ્રેમથી આવકાર્યો. ફાટીતૂટી એક ગોદડી પાથરી આપીને હસતે મુખે સામે બેસી તે વાતો કરવા લાગી. ત્યાંછ-સાત વરસનો એક છોકરો આવીને ધબ દઇને તેના ખોળામાં પડ્યો. બાઇ તેને ખસેડવા ઘણું ય કરે, પણ પેલો તો વધારે ને વધારે
વળગેલો રહે !
મેં પૂછ્યું : “આ કોણ છે ?”
માધી કહે, “વાણિયાનો છોકરો છે. મેં ઉછેરેલો.”
મેં પૂછ્યું, “કેમ, તારે ઉછેરવો પડ્યો ?”
બાઇ કહે, “તેની મા સુવાવડમાં મરી ગઇ, ને બાળકને આપણાથી રેઢું છોડાય?” (માધી સુયાણી હતી.)
“શેઠે શું આવ્યું?”
“આલે શું ?—મેં કંઇ લીધું જ નથી, મા'રાજ ! વખતે મફત આપે તેથી ભૂલેચૂકેય તેની દુકાનના ઉંબરે ચડી નથી.” બાઇએ ખુમારીથીજવાબ વાળ્યો
“ત્યારે આ બાળક સાજુંમાંદું થાય ત્યારે દવાદારૂ અંગે શું કર્યું?” મારા
મનમાં તો હજી આ બધું કોયડારૂપ જ હતું.
થોડી વાર અટકીને બાઇ કહે :“એ શું બોલ્યા, મા’રાજ ! એવાં કેવાં છોકરાં ઉછેરીએ કે માંદાં થાય ? માંદાં થાય તો કાંડું ન કાપી કાઢીએ? મારું તો એકેય છોકરું કોઇ દી માંદું પડ્યું નથી ! માંદું પડે તેવાં છોકરાં ઉછેરીએ જ શીદને ?”