(૧૨)
બ્રહ્મદીક્ષા
એ જ માર્ગ, બન્ધુ ! એ જ માર્ગ:
નેત્રકમળ મીંચી વિચરો છો,
પણ એ જ પ્રભુનો રાજમાર્ગ.
ગંભીર કોલાહલ ભર્યું એ બજાર
અત્ય્હારે શૂન્ય-સ્તબ્ધ-મૂર્છિત જેવું છે,
શ્રીપુરના નાગરિકો નિદ્રામાં છે:
ત્હમે પણ અખંડ નિદ્રા લીધી, બન્ધુ !
સદન્તરની સ્હોડ વાળી સૂતા.
પ્રવૃત્તિસંસારને વીંધી જતો
એ જ માર્ગ, બન્ધુ ! એ જ માર્ગ.
આગળ ઇસ્પિતાલ છે, ખરું ?
કાળનાં અવિરત મહાપૂર વહે છે,
માનવી ત્હેને ખાળવા શે મથતા હશે ?
વિધિના હાથ ઠેલ્યા ઠેલાય એમ છે ?
પણ બન્ધુ ! માર્ગ તો એ જ.
મન્દવાડ ન હોય તો, વીરજી !
સ્નેહ અણમૂલવ્યાં રહે.
એ તો ભવ્ય પરમાર્થનાં ભુવનો,
બન્ધુસેવાર્થે રચેલાં માનવીનાં મન્દિરો.
સ્નેહીઓના સ્નેહની યુનિવ્હર્સિટિ :
સ્નેહનાં દુઃખ ધૈર્ય શક્તિપ્રભાવ
પ્રગટવાં, પ્રફુલ્લવાં,-અને રડવવાં,
સઉ આ ભૂતદયાનાં ઉદ્યાનોમાં થાય છે.
સુખની નહીં, પણ સ્નેહની આ વેદી.
ત્હમારા જીવનયજ્ઞમાં પણ
સ્નેહે અહીં જ સુખનો બલિ દીધો.
સ્નેહવ્રત તપતાં અનેક તપસી
આ પ્રાસાદોમાં પ્રવર્તે છે.
ભ્રાતૃભાવનો આ બાગ છે, વીરા !
-ત્હમે તો તે જાણો છો જ.
એ જ-એ જ શ્રેયસ્કર માર્ગ :
બન્ધુતામાં થઈ પ્રભુતામાં.
નગરના દરવાજામાં થઈ—
હા ! વિશ્વનગરીનો દરવાજો પણ
ત્હમે નિરન્તરનો ઓળંગ્યો.
પણ ભાઈ ! એ જ માર્ગ :
અવનિ મૂકી આત્મભૂમિમાં,
બ્રહ્માંડ ઓળંગી બ્રહ્મમાં.
પિતા એ જ માર્ગે ગયા છે,
સંસાર તજી સ્વર્ગમાં.
પૂર્વાકાશની પાછળ સૂર્ય હતો,
અને પશ્ચિમાકાશની પાછળ
વસન્ત પાલવ સંકોરતી :
પૃથ્વી ઉતારી પ્રાણપ્રદેશમાં,
પરાગવતી સુમનસેજમાંથી
નિર્મળા સાત્ત્વિક સૌન્દર્યમાં.
પિતા મ્હને માર્ગનો પરિચિત કરતા,
વંજુશય્યા આગળ મ્હને ચલાવતા.
જગત ન જોતી ત્હેમની આંખલડી
આ પન્થ નિરન્તર નિહાળતી.
પ્રપંચમાં આપણે એમને દોરતા,
પણ પ્રભુ પન્થે આપણા એ નિયન્તા હતા:
સદ્ભાવ પાડતાં એમનાં તો પગલાં
આ માર્ગે જ વળેલાં હતાં.
વીરા ! મ્હારૂં સ્મરણ સતેજ છે-
હજી તો ત્રણેક વર્ષ માંડ થયાં છે-
એ જ માર્ગ, એ જ સત્ય માર્ગ,
ત્હમે ડગલાં ભરો છો એ જ મહામાર્ગ.
નગર છોડી વનાઅંગણે,
વિશ્વ ત્યાગી વિશાળા વ્યોમમાં :
પિતાને જ ડગલે ડગલે, બન્ધુ !
આમલીઓની ઘટામાં થઈને જ
વીર ! પાછળ સરિતાના તટમાં.
ભૂતપ્રેત જેવી, માયા સમી,
શંકા શી ડોલતી છાયાઓમાં થઈ,
કુમળા જ્ઞાન સમાન અખંડ પ્રકાશમાં :
અન્ધકારનાં વન વટાવી
પ્રભાતનાં જ્યોતિર્જલમાં.
એ જ પરમ માર્ગ, બન્ધુ !
વિદાય લેશો, વીર !
દુનિયાનો અન્ત વિદાય જ છે,
આદિ ભલે અન્યથા હો.
પણ એક વેળા તો આંખ ઉઘાડો,
એક છેલ્લી મીટથી તો જગતને જોઈ લ્યો.
શું જગત બહુ જોયું ?
ભલે, ત્હમને ગમ્યું તે અમને ગમશે જ.
ક્ષર મૂકી અક્ષરધામમાં.
મૃત મૂકી અમૃતત્વમાં,
મનુકુલ મૂકી ચિરંજીવ દેવોમાં :
એ જ કલ્યાણપન્થ, ભાઈજી !
છેલ્લુંવેલ્લું સ્નાન કરી લ્યો,
સંસારના મળ ધોઈ નાખો,
અશુદ્ધિ વર્જી વિશુદ્ધિ ઓઢો.
કુન્દનને અગ્નિની જ્વાલા તાવે છે,
પુણ્યપ્રફુલ્લ પુરાણ સમયથી
આત્મકુન્દન પણ અગ્નિદેવ પરીક્ષે છે :
વીરા ! વિરાજો અગ્નિરાજના ઉછંગે.
ત્હમારી કુન્દન સમી કાયાની
થવા દ્યો બળીને ખાખ :
ત્હમારા આત્મતત્ત્વનાં કુન્દન પ્રકાશવા દ્યો.
માટીમાંથી મણિ મળશે,
અને ભસ્મમાંથી કુન્દન જડશે.
એ જ માર્ગ, એ જ માર્ગ :
શુદ્ધિઉન્નતિનાં વ્ર્ત સ્વીકારો.
શતશિખ અગ્નિદેવની પાંખ્ય ઉપર
વિહરો અનન્તતાની કુંજોમાં.
તેજ ત્હમે તેજભૂમિમાં પધારો,
કિરણની અમોલખ કણિકા ત્હમે
સૂર્યોના સૂર્યરાજમાં વિરામો.
વહ્નિરાજ વાદળમાં ભભૂકે છે,
ભભૂકો પ્રભુવિહારી ત્હમે પણ
વાદળ ફોડી વિભુ વિરાટપદમાં.
એ જ પુનિત શ્રેયસ પન્થ, વીર !
ત્ય્હાં જ મળશે વિશ્વરાજ મહારાજ :
ભસ્મમાં સ્મશાનની ભૂતપતિ,
અને ચિતા પાછળ સચ્ચિદાનન્દ.
જય જગન્નાથનો, બન્ધુ !
ઘન ભેદી પ્રભારાશિ પ્રગટ્યો છે,
જગત્ મુખડે પ્રકાશ પ્રફુલ્લ્યો છે :
પૃથ્વી અને પ્રભુને
તેજની મણિસાંકળે સાંકળતો
સૂર્યરાજ આંખડીમાં આવી ઉભો છે :
વીરરાજ ! અમારાં અશ્રુ એ સૂકવશે.
દેવનાં દુન્દુભી ગાજે છે-
ત્હમે પાછું વાળી મા જોશો-
અમારો સંસાર અને ત્હેનાં સુખદુઃખ,
ત્હ૩ના વિલાસ તથા ત્હેના વિલાપોઇ,
હવે ત્હમને બાધા કરતા નથી :
અમારે વાસ્તે જ તે રહેવા દ્યો.
દેવો ત્હમારાં પગલાં વધાવે છે,
દેવાંગનાઓ ઓવારણાં લે છે :
સ્વીકારો તે દેવોનું આતિથ્ય.
વીરરાજ ! રમો ત્યે દેવભાવમાં
એ જ મંગલકારી માર્ગ, ભાઈ !
જય, જગન્નાથનો જય !
ધરો ભડકાનો ભેખ,
અને લઈ લ્યો બ્રહ્મદીક્ષા, બન્ધુ !