બીક છે બન્ને તરફ, બન્ને તરફ નુકશાન છે,
દોસ્ત છે દાના બધા, દુશ્મન બધા નાદાન છે…
એ ભલે જોતાં નથી, પણ સાંભળે તો છે મને,
એટલે તો મારા પ્રત્યે આંખ આડા કાન છે…
શી ગરજ સાકીની મારે શી મદિરાની જરૂર?
આમ પણ મારા જીવનનું ક્યાં મને કંઇ ભાન છે?
જે ગુલામી માથું ઊંચકવા નથી દેતી કદી,
નામ એનું સભ્ય ભાષામાં કહું? અહેસાન છે…
જુલ્મ કરનારા મળ્યા છે એટલા નાસ્તિક મને,
કહી નથી શકતો કે મારો પણ અહીં ભગવાન છે…
સર્વમાં ઇન્સાનિયતની શોધ ના કરશો કોઇ,
આ જમાનામાં ફક્ત એકાદ-બે ઇન્સાન છે…
માફ કરજો ઓ મનુષ્યો, હું નહીં માગું મદદ,
એ મહીં તો મારા પાલનહારનું અપમાન છે…
હોય સાગર કે કોઇ રણ, છે બધે સરી હવા,
નીર હો કે રાત, અહિંયા તો બધે તૂફાન છે…
કંઇ બધાં રડતાં નથી બેફામ મારા મોત પર,
કંઇક છે એવાય જેના હોઠ પર મુસ્કાન છે…