કૃષ્ણ કહ્યું અને `હું હમણાં ફ્રેશ થઈને આવું અંકલ.’ કહી પોતાના રૂમમાં ચાલી ગઈ.
રાધિકાએ રૂમમાં દાખલ થતાં જ લેપટોપ અને પર્સને બેડ પર મૂકી દીધું અને અરીસાની સામે ઊભી રહી ગઈ. આ જ રાધિકાનો નિત્ય ક્રમ હતો. અરીસાની સામે ઊભી રહી પોતાના અસ્તિત્વને શોધતી રહેતી. પોતાના સુંદર સિલ્કી વાળ ક્યારેય કાનથી નીચે લંબાયા જ નહિ. ચહેરા પર ક્યારેય બિંદીએ જગ્યા લીધી જ નહિ. કાજલ વગરની સૂની આંખો જાણે કે કોઈ વૈરાગ્યનો પરિચય આપતી હતી. યુવાન શરીર પર ક્યારેય લજ્જાના ઘરેણા સમી ચૂંદડી ઓઢી જ નહોતી. રાધિકાનો વોર્ડરોબ ફોર્મલ શર્ટ અને પેન્ટ, જીન્સ-ટીશર્ટથી ખચોખચ હતો. સ્ત્રીશણગાર સમી એક બંગડી પણ તેના વોર્ડરોબમાં શોધે ન જડે. આજે મહેશભાઈની આશ્ચર્યભરી નજર તેણે ઓળખી લીધી હતી. આવી જ કૂતુહૂલભરી નજરોનો એ બાળપણથી જ સામનો કરતી આવતી હતી. કંઈ કેટલાય બહેનપણીઓ, પડોશીઓ, સગાવહાલાઓ દ્વારા પૂછાયેલો સવાલ, `તું આવી રીતે કેમ રહે છે ? રાધિકા...’ આ સવાલના જવાબમાં રાધિકાનો એક જ જવાબ, `મારા પપ્પાને ગમે છે એટલે.’
વાસ્તવમાં જનકરાયની પત્ની વસુંધરાબેન જ્યારે ગર્ભવતી હતાં, ત્યારે જનકરાયની દીકરાની ઈચ્છા જોર પકડી રહી હતી. ઘણીબધી બાધા માનતાઓ માની હોવા છતાં ઈશ્વરે જનકરાયને પુત્રીધન જ આપ્યું. જનકરાયે પણ હજુ હથિયાર મૂક્યા નહોતા. બીજા સંતાન સ્વરૂપે ઈશ્વર જરૂર કૃપા કરશે એમ મનને મજબૂત કર્યુ પણ આ ઈચ્છા અધૂરી જ રહી ગઈ. વસુંધરાબેન બે વર્ષની રાધિકાને મૂકી સ્વર્ગ સીધાવી ગયા. જનકરાયને પત્નીના અવસાનથી આઘાત લાગ્યો. સગાવહાલા, મિત્રોએ તેમને એકલવાયા જીવન માટે જીવનસાથી અને રાધિકા માટે માતાની અનિવાર્યતા સમજાવી બીજા લગ્ન કરી લેવા માટે સલાહ આપી પણ જનકરાય વહાલસોયી પત્નીની જગ્યા કોઈને આપવા ઈચ્છતા નહોતા. હા, એમની દીકરાની ઘેલછા પૂરી કરવા માટે એક ઈલાજ એમણે શોધી લીધો હતો. રાધિકાને જ દીકરાની જેમ ઉછેરવી. તેની રહેણીકરણી, પહેરઓઢ બધુ જ એક દીકરા જેવું. રાધિકા જેમ જેમ મોટી થતી ગઈ, તેમ તેમ તેની અંદરની સ્ત્રી તેને જંજોડવા લાગી. અન્ય છોકરીઓ કરતાં તે અલગ કેમ ? પપ્પા તેને દીકરો કેમ કહે છે ? દીકરી કેમ નહિ ? કરાટે શીખવું જરૂરી છે પણ નૃત્ય કેમ નથી કરવા દેતા ? એકવાર રાધિકાના ફોઈ તેના ઘરે રહેવા આવ્યા. બાર વર્ષની રાધિકાને ત્યારે ફોઈ દ્વારા જાણવા મળ્યું કે, પપ્પાને દીકરાની કેટલી ઘેલછા હતી ! બસ એ દિવસથી રાધિકાના મનના બધા સવાલોને પૂર્ણવિરામ લાગી ગયું. `પપ્પાને ગમે એટલે.’ એ તેના મનના ઉદ્વેગને શાંત કરતો જવાબ બની ગયો. રાધિકાનું જીવન તેના પપ્પાની આસપાસ જ સીમિત હતું. ચોવીસ વર્ષની રાધિકાને કોઈ જ અન્ય પુરુષનું આકર્ષણ નહોતું કે રાધિકાની આસપાસ રહેતા પુરુષની નજર તેના તરફ આકર્ષાઈ નહોતી.
આજે જનકરાયની પત્નીનું શ્રાદ્ધ હતું. ઘરમાં પૂજા તથા બ્રહ્મભોજ રાખવામાં આવ્યો હતો. રાધિકાએ પણ ઓફિસમાં રજા લીધી હતી. સવારથી તૈયારીઓમાં લાગી હતી. પૂજાવિધિ પૂર્ણ થઈ ગઈ. સાંજે નવરી પડી રાધિકા સ્વર્ગવાસી મમ્મીનું ફોટો આલ્બમ જોઈ રહી હતી. જનકરાયે પાછળથી આવી એ જોયું. તેમની આંખો પણ ભીની બની. એવામાં અચાનક જનકરાય પીડાથી બેભાન થઈ ગયા. રાધિકાએ એમ્બ્યુલન્સ બોલાવી. થોડા સમય પછી જનકરાય ભાનમાં આવ્યા તો તેઓ હોસ્પિટલમાં હતાં. સામે રાધિકા અને ડો. માધવ શાહને ઊભેલા જોયા. ડો.માધવે સ્માઈલ સાથે જનકરાયની સામે જોઈ પૂછ્યું, `હવે કેવું લાગે છે અન્કલ ? બેટર ?’ જનકરાયે જવાબમાં માથુ ધુણાવ્યું. ડોક્ટરે નર્સને બોલાવી કેટલીક સૂચના આપી અને જતાં જતાં રાધિકાને કહ્યું કે, `તમે મારી કેબિનમાં આવો.’ રાધિકા પપ્પા સામે રાહતજનક સ્મિત આપી ડોક્ટરની કેબિન તરફ ગઈ.
કેબિનમાં પ્રવેશતા જ રાધિકાએ ડોક્ટરને અધિરાઈથી પૂછ્યું, `એનીથીંગ સિરિયસ ?’
`પ્લીઝ બેસો બેસો ! સીરીયસ તો છે. તમારા પપ્પાની બંને કીડની ખરાબ થઈ ગઈ છે. કીડની ડોનરની જરૂર પડશે. આપણી પાસે વધુ સમય નથી.’ ડોક્ટરે રાધિકાની સામે જોઈ કહ્યું.
`વોટ..?’ રાધિકાને આઘાત લાગ્યો હતો.
`મિસ. રાધિકા.. ચિંતા કરવાની જરૂર નથી. તમારા પપ્પાની હેલ્થ ડિટેઈલ્સ છે. એના પરથી કોઈ ડોનર મળી જાય તો ઓપરેશન થઈ જશે. બસ થોડી ઉતાવળ કરવી પડશે.’ ડોક્ટરે રાધિકાને શાંત પાડતા કહ્યું.
`ઓકે ડોક્ટર ! એના માટે જે પણ પ્રોસિજર કરવી પડે તે કરો. હું મારા પપ્પાને ખોવા નથી માંગતી.’ રાધિકા બોલતા બોલતા લગભગ રડી જ પડી હતી.
`રીલેક્ષ મિસ રાધિકા ! પાણી પીવો. આપણે બનતો ટ્રાય કરીશું.’ ડોક્ટરે સાંત્વના આપતા કહ્યું.
સમય વીતવા લાગ્યો હતો પણ કોઈ રીતે ડોનરનો મેળ પડતો નહોતો. રાધિકા બનતી કોશિષ કરી રહી હતી. ડો. માધવ પણ ઘણો સપોર્ટ કરી રહ્યા હતાં. રાધિકાની બેચેની તેને સૂવા-ખાવા દેતી નહોતી. આખરે પડખા ફેરવતી રાધિકાએ કંઈક નક્કી કરી લીધું અને સવાર પડતા તે ડો.માધવને મળી પોતાનો નિર્ણય જણાવ્યો.
આર યુ સ્યોર ? આઈ મીન હજુ તમારી સામે પૂરી જિંદગી પડી છે.’ ડો.માધવે ચેતવતા કહ્યું.
`યેસ ડોક્ટર ! તમે પ્રોસિજર સ્ટાર્ટ કરો પ્લીઝ. હવે વધુ રાહ નથી જોવી.’ રાધિકાએ કહ્યું.
રાધિકાના રિપોર્ટ્સ કરાવવામાં આવ્યા. તમામ રિપોર્ટ્સ પરથી રાધિકાની કીડની તેના પપ્પા સાથે મેચ થઈ ગઈ. રાધિકાએ સ્ટ્રીકલી કહ્યું હતું કે, ઓપરેશન સુધી આ વાતની ખબર પપ્પાને ન પડવી જોઈએ.
ઓપરેશનનો દિવસ નક્કી થયો. રાધિકાની એક કિડની કાઢી લેવામાં આવી અને જનકરાયમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી. રાધિકા સ્વસ્થ થવા લાગી હતી અને જનકરાયને નવુ જીવન મળ્યું હતું. જનકરાય સાજા થયા એટલે તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો. ઘરે આવીને જનકરાયે કીડની ડોનર વિશે પૂછપરછ કરી પણ રાધિકાએ ગોળગોળ ઉત્તર વાળ્યો. ડોનર વિશે જાણવાની કૂતુહલતા જનકરાયને પજવી રહી હતી. અચાનક ડો. માધવ યાદ આવતા તેમણે તેમને કોન્ટેક્ટ કર્યો.
રાધિકા ઓફિસથી આવી તો પપ્પા હોલમાં નહોતા. કામવાળીને પૂછ્યું તો તેણે જણાવ્યું કે, તેઓ રૂમમાં છે. રાધિકા અધીરાઈથી પપ્પાના રૂમમાં ગઈ. જનકરાય પત્નીના ફોટાને છાતીસરસો ચાંપી રડી રહ્યા હતાં. `પપ્પા ! શું થયું પપ્પા ?’ રાધિકા જનકરાયને છાના રાખવાના પ્રયત્ન કરી રહી હતી.
આજે તારી મમ્મીની બહુ યાદ આવે છે. એક સમય હતો જ્યારે અમે તને જન્મ દીધો આજે તે મને જન્મ દીધો બેટા ! મારા દીકરા ! મને કિડની ડોનર વિશે બધી માહિતી મળી ગઈ છે. રાધિકા સમજી ગઈ કે પપ્પાને બધી જ ખબર પડી ગઈ છે.
`મારો દીકરો ! મારા માટે પોતાના જીવનની પરવાહ ન કરી ?’ આજે પણ જનકરાયે રાધિકાને દીકરી નહિ પણ દીકરો જ કહ્યું. રાધિકાની પપ્પાના મુખે દીકરી સાંભળવાની ઝંખના મનમાં જ રહી ગઈ. હવે રાધિકાએ કોઈ જ આશા વગર પપ્પાની સેવામાં પોતાને ઓતપ્રોત કરી દીધી.
આજે જનકરાયનો જન્મદિવસ હતો. ઘણા દિવસો પછી ઘરમાં આનંદનું વાતાવરણ હતું. રાધિકાએ પણ આ આનંદની પળોને યાદગાર બનાવવા ઘરમાં નાની પાર્ટી રાખી હતી. પાર્ટીમાં જનકરાયના મિત્રો અને રાધિકાના મિત્રોએ હાજરી આપી હતી. આ મિત્રોમાં આજે ડો.માધવનો ઉમેરો થયો હતો. હંમેશા ચિંતાતુર રહેતા ચહેરા પાછળનું ખિલખિલાટ હાસ્ય રાધિકાને કોઈપણ આભૂષણ વગર આકર્ષક બનાવી રહ્યું હતું. ડોક્ટર માધવની નજર ચૂપકેથી રાધિકાને નિહાળી રહી હતી.
બીજે દિવસે રાધિકાના ફોનની રીંગ વાગી. કોલર આઈડી પર ડો. માધવનું નામ હતું. રાધિકાને લાગ્યું કે પપ્પાની કોઈ દવા માટે વાત કરવી હશે. તેણે ફોન ઉપાડ્યો.
`હલો ! મિસ રાધિકા..’
`યસ સર ! પપ્પાની તબિયત સારી છે. કંઈ મેડિસિન્સમાં ચેન્જીસ કરવાના છે ? હું કાલે મળી જઈશ.’
`ના ના ! રાધિકા તમારા પપ્પા વિશે નહિ, મારે આપણા વિશે કંઈક કહેવું હતું. તમે મારી સાથે કોફી પીવા આવશો ?’
રાધિકાને ડોક્ટરની વાત સાંભળી ખૂબ નવાઈ લાગી પણ પપ્પાના ઓપરેશન ટાઈમે મળેલા તેમના સપોર્ટને કારણે તે ડોક્ટરની વાતને નકારી ન શકી.
રાધિકા કોફીશોપ પર પહોંચી. ડો. માધવ પહેલા જ ત્યાં રાહ જોઈ રહ્યા હતાં. રાધિકાને જોઈ તેમણે સ્માઈલ આપી. થોડી ફોર્મલ વાત થઈ એ પછી ડો.માધવે રાધિકા તરફ જોઈ કહ્યું, `રાધિકા ! આઈ લાઈક યુ. આઈ મીન આઈ લવ યુ. હું હું તારી સાથે...
`સોરી ! મને કંઈક કામ યાદ આવી ગયું. મારે જવુ જોશે.’ રાધિકા ડો.માધવની વાત કાપી નાંખતા ઊભી થઈ ગઈ.
ડો.માધવને સમજાઈ ગયું કે, રાધિકા આ માટે તૈયાર નહોતી. તેમણે કંઈ જ કહ્યા વગર રાધિકાને જવા દીધી.
રાધિકાએ આજે બરાબર ડિનર પણ ન કર્યું. પપ્પાને દવા આપી તેણે રૂમમાં જઈ બેડ પર લંબાવ્યું. વિચારોમાં પડખા ઘસતી રહી. ત્યાં મોબાઈલમાં રીગ વાગી. ડો.માધવનો કોલ હતો.
`હેલો, રાધિકા ! સોરી, મારી કોઈ વાતથી જો તમને ખરાબ લાગ્યું હોય તો. મારે આમ અચાનક તમને કહેવું જોઈતું નહોતું. તમારા મનમાં કોઈ...’
`મારા મનમાં કોઈ જ નથી અને કોઈ આવશે પણ નહિ. હું મારા પપ્પાનો દીકરો છું, દીકરી નહિ. મારા પપ્પા માટે હું એક ટેકો, એક લાકડી છું. પાનેતર અને મહેંદી મારા ભાગ્યમાં નથી. એટલે મારા માટે તમારા મનમાં જે લાગણીઓ છે તેને અહીં જ તિલાંજલિ આપી દો ડો. માધવ.’ કહી રાધિકાએ ફોન કટ કરી નાખ્યો.
મોડી રાત સુધી ઊંઘ ન આવવાને કારણે રાધિકાની સવાર આજ મોડી પડી હતી. આંખો ખૂલતા જ સામે પપ્પાને જોતા રાધિકાને આશ્ચર્ય થયું.
ચાલ બેટા ! જલદી તૈયાર થઈ જા..’ આજે મારા મિત્ર આવવાના છે. જનકરાયે રાધિકાને ચપટી વગાડતા કહ્યું.
`ઓકે પપ્પા ! હું હમણા રેડી થઈને આવું છું.’ કહી રાધિકા બાથરૂમમાં ઘૂસી ગઈ. બહાર નીકળી તો બેડ પર એક સુંદર વ્હાઈટ એન્ડ પિન્ક કલરના સલવાર કમીઝ અને બિંદીનું પેકેટ હતાં. બાજુમાં ચિઠ્ઠી હતી, જેમાં લખ્યું હતું, `મારી દીકરીને તેના પપ્પા તરફથી.’ રાધિકાની આંખો`દીકરી’ શબ્દ પર જ અટકી ગઈ હતી. આંખમાંથી આંસુ સરી પડ્યા હતાં.
`કેટલી વાર બેટા..?’ પપ્પાનો અવાજ સાંભળતા જ રાધિકા જાણે ભાનમાં આવી. તેણે હોંશે હોંશે સલવાર કમીઝ પહેરી લીધા અને ઝડપથી ડ્રોઈંગ રૂમમાં આવી પપ્પાને વળગી પડી. `પપ્પા ! તમે મને દીકરી..’.
`હા ! તું મારી દીકરી.. મારી લાડકી.. મને માફ કરી દે બેટા ! દીકરા માટેનું મારુ ગાંડપણ તારુ અસ્તિત્વ જ છીનવી ગયું. મારા માટે તે જે કર્યું, એ કદાચ દીકરો હોત તો એ પણ ન કરત. આજે ભગવાનનું પાડ માનું છું કે, તેમણે મને દીકરી આપી. ઈશ્વરના આ અમૂલ્ય પ્રસાદની કિંમત હું સમજી ન શક્યો.’
રાધિકાએ પોતાની અને પપ્પાની અશ્રુભરી આંખો લૂછી ત્યાં પાછળથી અવાજ સંભળાયો. `હેલો મિ. જનકરાય ! હાઉ આર યુ.. નાઉ ?’ જોયુ તો ડો. માધવ હતાં.