જીવતો જાગતો માણસ ફૂટ્યો,
શ્વાસ છૂટ્યો વિશ્વાસ જ્યાં ખૂટ્યો.
ફૂટ્યા એ સૌ બોમ્બ હતા, બસ ?
મર્યા જે એ સૌ શું માત્ર માણસ ?
પાંપણમાં જે ધ્વસ્ત થયાં તે
ખાલી સપનાંઓ, આઠ-નવ-દસ?
માણસની અંદરથી કોઈએ આખેઆખો માણસ લૂંટ્યો.
કેટલાં સપનાં, ઈચ્છા કંઈ કંઈ
ઢળતો સૂરજ આવતો’તો લઈ;
નાના કલરવ, છાનાં પગરવ,
રાહ જુએ સૌ દરવાજા થઈ
એક ધડાકે એક જીવનમાં કેટલાનો ગુલદસ્તો તૂટ્યો !
થશે પૂરી શું માંગ તમારી,
નિર્દોષોને જાનથી મારી ?
મોત છે શું ઈલાજ જીવનનો?
છે નાદાની કે બિમારી ?
ઈચ્છા બર ના આવે તો પણ સદીઓથી ચાલે આ કૃત્યો.
આતતાયીને ફાંસી આપો,
પણ પહેલાં ભીતર તો ઝાંકો;
છે શરીર તો એક જ સૌના,
અલગ-અલગ શાને પડછાયો?
એક જ માના પેટની પાટી, કોણે આવો એકડો ઘૂંટ્યો ?
જીવતો જાગતો માણસ ફૂટ્યો.