જખ્મ ભીતર થાય તો લખવું બને,
માણસો પરખાય તો લખવું બને.
સ્મિત કાજે એટલાં તરસો અને,
આંસુ જો રેલાય તો લખવું બને.
ફૂલ માફક સાચવ્યું જેને હતું,
સ્વપ્ન એ રોળાય તો લખવું બને.
લો, કિનારો સાવ તો પાસે હતો,
નાવ ડૂબી જાય તો લખવું બને.
સાદ કીધો જઈ શિખરની ટોચ પર,
લાગણી પડઘાય તો લખવું બને.
– હરીશ પંડ્યા