ધારું તો હું શ્વાસ ઉપર ‘હે રામ’ લખી દઉં,
પરપોટાનું ચપટીમાં અંજામ લખી દઉં.
ને બંધ બેસતા શબ્દ વિષે જો કોઈ પૂછે,
કાતિલના ખાનામાં ખુદનું નામ લખી દઉં.
કલમ મહીં મેં કેફ ભર્યો છે ઘૂંટી ઘૂંટી,
બેપરવા થૈ જાત પરે બેફામ લખી દઉં.
નામ થવાની આખી ઘટના મોઘમ રાખું,
બદનામીની વાતો બે મુદ્દામ લખી દઉં.
જ્યારે ત્યારે કહેવાના કે ઘર મારું છે,
સોનાની આ લંકા લો અભરામ લખી દઉં.
કાગળ પર તો આજ સુધી મેં ખૂબ લખ્યું,
ઊભે મારગ પગલાંનો પયગામ લખી દઉં.
ખોવાયેલી ખૂશ્બુથી મેળાપ કરાવો,
રાજીપામાં આખેઆખું ગામ લખી દઉં.
– કિશોર જીકાદરા (ગાંધીનગર)