સાચકલું સબ તરે, કેટલી મજા !
ખોટાડું ખબ ખરે, કેટલી મજા !
બાવળિયના ઝુંડે ના જન્મારો ખોવો,
પથ્થરમાંથી કોક ફુવારો ફૂટતો જોવો;
સૂક્કી ડાળે ફરફર જ્યારે થાય ફૂલની ધજા,
કેટલી મજા !
વાડો આડે ભોમ ભીતરી બદ્ધ ન કરવી,
મધરાતેયે નભગંગાથી ગાગર ભરવી ;
ઉજ્જડ વાટે હોય વરસવા વીજવાદળને રજા !
કેટલી મજા !
પડઘાઓથી નથી કાનને કરવા બ્હેરા,
પડછાયાના હોય નહીં સૂરજને પ્હેરા ;
કાદવનાં કમળોએ ખીલી સરવર મારાં સજ્યાં !
કેટલી મજા !