27 ફેબ્રુઆરી, 2002 એ તારીખ છે, જેણે ભારતીય ઈતિહાસને બદલી નાખ્યો. આ એ દિવસ હતો, જ્યારે ગુજરાતના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 ડબ્બામાં આગ લગાવી દીધી હતી. આગ લાગવાથી 59 લોકો માર્યા ગયા હતા. આ તમામ કારસેવક હતા, જેઓ અયોધ્યાથી પરત આવી રહ્યા હતા.
તેના પછી ગુજરાતમાં સાંપ્રદાયિક તંગદિલી ફેલાઈ. ગોધરાની તમામ સ્કૂલ-દુકાનો બંધ કરી દેવાઈ. કર્ફ્યૂ લગાવી દેવાયો. પોલીસને તોફાનીઓને દેખો ત્યાં ઠારના આદેશ આપ્યા. જે સમયે આ બધુ બન્યું હતું, એ સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.
ગોધરા કાંડ પછી સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા. આ રમખાણોમાં 1044 લોકો માર્યા ગયા, જેમાં 790 મુસ્લિમ અને 254 હિન્દુ હતા. ગોધરા કાંડના બીજા દિવસે, એટલે કે 28 ફેબ્રુઆરીએ અમદાવાદની ગુલબર્ગ હાઉસિંગ સોસાયટીમાં નિરંકુશ ટોળાએ 69 લોકોની હત્યા કરી નાખી. મૃતકોમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી પણ હતા, જેઓ આ જ સોસાયટીમાં રહેતા હતા.આ રમખાણોથી રાજ્યની હાલત એટલી બગડી ગઈ કે ત્રીજા દિવસે સેના ઉતારવી પડી હતી.
મોદી પર આરોપ લાગ્યા, પરંતુ દરેક વખતે ક્લીનચિટ મળી
એ સમયે નરેન્દ્ર મોદી પર આરોપ લાગ્યા હતા કે તેમણે રમખાણો રોકવા માટે કોઈ કદમ ન ઉઠાવ્યા. કહેવાય તો એવું પણ છે કે એ સમયના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા કહ્યું હતું.
ગોધરા કાંડની તપાસ માટે 6 માર્ચ 2002ના રોજ મોદીએ નાણાવટી-શાહ પંચની રચના કરી. હાઈકોર્ટના રિટાયર્ડ જજ કે જી શાહ અને સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ જી ટી નાણાવટી તેના સભ્ય બન્યા. પંચે પોતાના રિપોર્ટનો પ્રથમ હિસ્સો સપ્ટેમ્બર 2008ના રોજ રજૂ કર્યો. તેમાં ગોધરા કાંડને જાણીજોઈને રચેલું ષડયંત્ર ગણાવાયું. આ સાથે જ નરેન્દ્ર મોદી, તેમના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને ક્લીન ચિટ અપાઈ.
2009માં જસ્ટિસ કે જી શાહનું નિધન થઈ ગયું. જેના કારણે ગુજરાત હાઈકોર્ટના રિટાયર્ડ જજ જસ્ટિસ અક્ષય મહેતા તેના સભ્ય બન્યા અને તેનું નામ નાણાવટી-મહેતા પંચ થઈ ગયું. તેણે ડિસેમ્બર 2019માં પોતાના રિપોર્ટનો બીજો ભાગ રજૂ કર્યો. તેમાં પણ એ જ વાત જણાવાઈ, જે રિપોર્ટના પ્રથમ હિસ્સામાં કહેવામાં આવી હતી.
ગોધરાકાંડ માટે 31 લોકોને દોષિત ગણાવાયા
ગોધરાકાંડ માટે 31 મુસ્લિમોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 2011માં SIT કોર્ટે 11 દોષિતોને ફાંસી અને 20ને આજીવન કેદની સજા સંભળાવી હતી. તેના પછી ઓક્ટોબર 2017માં ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને પણ આજીવન કેદમાં બદલી નાખી હતી.