અહિં જે તેજ દીવામાં રહે છે,
તિમિર એનું ધુમાડામાં રહે છે.
મહાલય જેના નકશામાં રહે છે,
ઘણા એવા ય રસ્તામાં રહે છે.
છે કાંટા આખરે તો માત્ર કાંટા,
ભલેને એ બગીચામાં રહે છે.
જગા મળતી નથી જેને ચમનમાં
તો એવા ફૂલ વગડામાં રહે છે.
ગયાં સંતાઈ મોતી એ વિચારે,
કે પરપોટા ય દરિયામાં રહે છે.
હું એની છાંયડીમાં કેમ બેસું?
બિચારું વ્રુક્ષ તડકામાં રહે છે.
ઉઘડતા આંખ દેખાતાં નથી એ,
હવે સપનાં ય સપનામાં રહે છે.
ગગનમાં ઘર કરી લીધું છે એણે,
દુઆ મારી સિતારામાં રહે છે.
ખુદાને બીજે શું કામ શોધું?
કે એ તો મારી શ્રધ્ધામાં રહે છે.
મરણ ‘બેફામ’નું ઝંખો છો શા માટે?
એ જીવતાં પણ ક્યાં દુનિયામાં રહે છે?
-બેફામ