જળ-માટી, આકાશ- પવન-અગ્નિને ભળતાં અર્ધું-પર્ધું જોયા કરવું !
પંચમહાભૂત હરતાં-ફરતાં રૂપ બદલતાં, અર્ધું-પર્ધું જોયા કરવું !
કાચી-પાકી ડાળ વિચારે, અગન તિખારે પ્રગટી જઈને પૂરણ થાવું,
પૂરણ ધ્યાને અર્ધું બળતાં – અર્ધું ઠરતાં, અર્ધું-પર્ધું જોયા કરવું !
હોય અખંડે ખંડિત સૂરજ ઝાકળના કણ કણ માંહે ક્ષણ ક્ષણ વેરાતો,
જેમ તૂટેલા દર્પણમાં બીંબો તરફડતા, અર્ધું-પર્ધું જોયા કરવું !
જીર્ણ – જળેલું, ફસકીને ફાટેલું વસ્તર, ક્યાં લગ ટાંકા ટેભા કરવા ?
આ સાંધ્યું, આ ચરડ ચરડ ચિરાડા પડતા, અર્ધું-પર્ધું જોયા કરવું !
ભીનેરા દિવસોના કીડા પાન કતરતાં, તીણાં નહોરો ખચ ખચ ખૂંપે,
લીલી ડાળો, થડ – વૃક્ષોના મૂળ થથરતાં, અર્ધું-પર્ધું જોયા કરવું !
– દક્ષા બી. સંઘવી