કોરી વાતો…નકલી પીડા…એમાં તારી દુનિયા ક્યાં છે ?
જેનામાં હો સાચાં આંસુ, એવી અસલી ઘટના ક્યાં છે ?
મંજિલ મંજિલ કરતાં કરતાં વન વન ભટકે આખું જીવન,
પગલે પગલે રસ્તા બદલે તારી પાસે રસ્તા ક્યાં છે ?
સપનાં સપનાં… મીઠાં સપનાં તું માગે છે સઘળાં સપનાં,
ભીતરમાં છે ખાલી ખાલી…તારી ભીતર ઈચ્છા ક્યાં છે ?
ઈશ્વર અલ્લા કરતાં કરતાં મંદિર-મસ્જિદ ખૂંદી વળતાં,
વાતે વાતે ઈશ્વર બદલે તારી પાસે શ્રદ્ધા ક્યાં છે ?
‘હું’, ‘મારું’ની આ પીડામાં આખે આખી હસ્તી સળગી,
આંખો ખોલી જો તું માણસ ! તારી જગમાં ગણના ક્યાં છે ?
– પ્રમોદ અહિરે