કર્મના છોતરાં ના ઉખાડો,
ધર્મનાં છોતરાં ના ઉખાડો.
એજ પોષે દેહ આપણો પણ,
ગર્મનાં છોતરાં ના ઉખાડો.
નીકળી એ છે અભિસાર માટે,
શર્મનાં છોતરાં ના ઉખાડો.
શબ્દ ખુદ અર્થ પોતાનો શોધે,
મર્મનાં છોતરાં ના ઉખાડો.
એ ગમે ત્યાં સમાઇ શકે છે,
નર્મનાં છોતરાં ના ઉખાડો.
‘કીર્તિ’ છે, એનું સ્ખલન મળે તો,
ચર્મનાં છોતરાં ના ઉખાડો.
– કીર્તિકાન્ત પુરોહિત