કટારી કાળજે વાગી તમારી યાદ આવે છે,
રહું છું રાતભર જાગી તમારી યાદ આવે છે.
દિવસ તસ્વીર જોઊં રાતભર આવો તમે સ્વપ્ને,
મને લગની જ છે લાગી તમારી યાદ આવે છે.
કદી શું ફૂલ ને ફોરમ જુદા હો એક બીજાથી,
ચકોરે ચાંદની માગી તમારી યાદ આવે છે.
કદી સરખામણી થાયે તમારા સમ કહી દઊછું,
કિશન રાધા જ અનુરાગી તમારી યાદ આવે છે.
ઉખાડી ચાંચ ને રાખી પીવા વરસાદને ‘ચાતક’
મિટાવો પ્યાસ છે લાગી તમારી યાદ આવે છે.