પૃથ્વી અને સ્વર્ગ
જ્યાં સતલજનાં ઉતાવળાં વેગભર્યાં પાણી હિમાલયની તળેટીનો ભાગ છોડીને પંજાબના મેદાનમાં પ્રવેશ કરે છે, ત્યાં ગગનચુંબી ડુંગરાઓના પરંપરા અને નાંખી નજર ન પહોંચે તેવાં લાંબા લાંબા મેદાનો, એકબીજાં સાથે હાથમાં હાથ મિલાવી આજે સૈકાઓ થયાં ઘાડી મૈત્રી સાધી રહ્યાં છે. જ્યારે જગત બાલ્યાવસ્થામાં હતું ત્યારે એ મેદાનો પર નિર્ભય અને નિરંકુશ હરણાંઓ લીલોતરી ચરતાં ફર્યા કરતાં; સોનેરી રૂપેરી વાદળીઓના પડછાયા નીચે ઋષિમુનિની ગાયો ત્યાં ચર્યાં કરતી; તેનાં વાછરું રૂપાળી નાની ડોકો આમથી તેમ ફેરવીને ચારે તરફ દોડ્યાં કરતાં; સમિધ લઈને આવતાં ઋષિમુનિનાં સંતાનો જલધિજલના તરંગ જેવા મેઘને ડુંગરાઓ પર ઘૂમતાં જોઈ રહેતાં. ચારે તરફ નવો પ્રાણ, અમૃતભર્યું જીવન ને સંતોષભરી જિંદગી ભરચક છલકાતાં.
ન ગણી શકાય તેટલાં વર્ષો પહેલાં સતલજના કિનારા પર બે સુખી કુટુંબ રહેતાં હતાં. તેમની સાદી ઝૂંપડીમાં વેદ અને ઉપનિષદનું તત્વજ્ઞાન, લખ્યા વિનાનું કે બોલ્યા વિનાનું છાનું છાનું ફેલાયા કરતું હતું. એક કુટુંબનો ગુરુ અને વડીલ ગૌતમ હતો. તેની પત્નીનું નામ સુનંદા અને પુત્રીનું નામ સુકેશી. ગૌતમ પાસે ગાયો હતી, એક દિવસમાં ખેડી શકાય તેવું નાનું ફળદ્રુપ ખેતર હતું અને એક દિવસમાં ફરી શકાય તેટલી ગોચરની જમીન હતી. તેના ખેતરમાં ઝરણાં હતાં, ને ગોચરની જમીનને સતલજ – શતદ્રુ પોતે બારે માસ છંટકાવ કરતી. બીજું કુટુંબ ગુરુ શતપર્ણના વડીલપણા નીચે હતું. તે કુટુંબમાં ચાર માણસો હતાં. શતપર્ણ પોતે, તેની પત્ની વિશાખા, પુત્ર આરણ્યક અને એક પાળેલો ધર્મપુત્ર સુમેરુ. શતપર્ણની પાસે નવ્વાણુ ગાયો હતી, ચાર માણસને બાર માસ ચાલે તેટલી કમોદ જેમાંથી પાકે તેટલી જમીન હતી, ને તેની ગાયો ચરાવવા માટે છૂટું મેદાન હતું. જંગલનાં ફળફૂલ લાવવા માટે શક્તિ હતી; ફરવા માટે ડુંગરા ને મેદાનો હતાં, ગાવા માટે ખુલ્લું આકાશ અને અખૂટ ધરતી હતાં. હવા, પાણી ને તેજ શરીરને પ્રસન્ન રાખતાં, સત્ય અને અહિંસા આત્માને ઉજાળતાં. બન્ને કુટુંબ સુખી હતાં.
મન અવિકારી હોય ત્યારે કુદરતનું ભર્યું સૌન્દર્ય જીવનનો મર્મ કહી બતાવે છે. ડુંગરાઓ પર આરામ લેવા માટે બેઠેલા સમુદ્રના તરંગ જેવા મેઘને નિહાળતાં આરણ્યક, સુકેશી અને સુમેરુ વારંવાર મેદાન પર ફરતાં, તેની ગાયો છૂટી ચર્યા કરતી. ઘણી વાર તેઓ શતદ્રુના નિરંતર વહેતા પ્રવાહને અનિમિષ નયને જોયા કરતાં. ઘાટી વનરાજિમાં બેસીને ઝાડની ડાળીઓમાં સંતાકૂકડી રમતાં તેઓ થાકતાં નહીં, આનંદભર્યા તેમના જીવનમાં લોભ કે ક્રોધ, સ્પૃહા કે ઈર્ષ્યા હજી પ્રવેશ કરી શક્યાં ન હતાં. માત્ર કમલપત્રથી ઢંકાયેલી સુકેશીની દેહલતા આરણ્યક સુમેરુના દિલમાં ઉષાના નવરંગી આકાશ જેવા કોમળ ભાવો ઉત્પન્ન કરતી. સૌંદર્ય – પછી તે ગમે તેનું હોય – મેઘાચ્છાદિત હિમાદ્રિનાં સોનેરી શિખરોનું કે પાનથી ઘેરાયેલા ચંપાના ફૂલનું, કે ગુલાબકળી પર પડેલા મોતી જેવા જલબિંદુનું કે નવકુસુમ જેવી જુવાનીનું – પણ સૌંદર્ય એ ભાવના છે, કલ્પના છે, વસ્તુ નથી, માટે અસ્પૃશ્ય અને અત્યંત પવિત્ર છે. એવા વિચારના પ્રવાહ નીચે સતલજના મેદાન પર ત્રણે જણાં ફર્યાં કરતાં.
આસપાસ જે ગામડાંઓ વસ્યાં હતાં તેમાં બધે આવી વ્યવસ્થા હતી. જે કુટુંબમાં કમોદ વધારે પાકતી તે કુટુંબ બીજા કુટુંબમાં જ્યાં જવ વધારે પાકતા ત્યાંથી કમોદના બદલામાં જવ લાવતું. પાણીના બદલામાં ગાયનું દૂધ મળી શકતું ને દર્ભના બદલામાં નવનીત મળતું. જેને ઘેર માટી વધારે હોય તે બીજાને ઘેર માટીનું પાત્ર મૂકીને દૂધનું પાત્ર લઈ આવતું. છોકરાં રમતાં રમતાં જ્યાં થાકી જાય ત્યાં જમી લેતાં. જુવાનો જ્યાં ચાંદની ખીલી હોય ત્યાં બેસતા ને વાતો કરતા સૂઈ રહેતા. ત્યાં આંસુ આનંદનાં પડતાં. નિત્ય ખીલેલા ફૂલ ઉપર ભમરાઓ ગુંજારવ કરતા. કોઈ ઘરને બારણું ન હતું, કોઈના ઘરને મર્યાદા ન હતી. નીતિની લીટી ઘરની ચારે તરફ બરફના જેવી પ્રકાશ્યા કરતી. આવી રીતે તે આખો પ્રદેશ સુખી ને શાંત હતો.
હરીફાઈને કનિષ્ઠ પ્રકારનું અનુકરણ માનવાની ત્યાં પ્રથા ન હતી. એ પ્રદેશમાં વિવાહને કોઈ જાણતું નહીં. પ્રેમને સૌ પિછાનતાં અને પ્રેમથી બંધાયેલાં યુગલ મૃત્યુથી છૂટાં પડતાં નહીં. ત્યાં વિધવાવિવાહનો પ્રશ્ન કોઈ રાજસી પ્રકૃતિના માણસે હજી રજૂ કર્યો ન હતો, કારણ કે ત્યાં કોઈ બાલવિધવા થતી નહીં, અને મોટી વિધવાઓ બધી પવિત્ર રહેતી. ત્યાં કોઈ વિધુર ન હતો, કારણ કે પ્રેમનું બંધન પુરુષ-સ્ત્રી સૌને માન્ય હતું. ત્યાં માણસને મારનાર ડૉક્ટર ન હતા, વ્યવહાર જિવાડનાર કુદરત હતી. ત્યાં ખોટી મોટાઈ, દંભભર્યો વિવેક કે અકારણ ધમાલ ન હતી, વસ્તુના ભાવો ન હતા: વ્યાપાર ન હતો, વ્યવહાર ન હતો : મંદિરો ન હતાં, કથા ન હતી : રાજ ન હતું, રાજા ન હતો: કાયદો ન હતો: યંત્ર ન હતાં: હતો માત્ર પ્રેમ. પ્રેમથી વસ્તુ મળતી ને આપતી. ધર્મ ખુલ્લા મેદાનમાં ઈશ્વરની પૂજા કરતો. કથા માત્ર અંતરમાં જ ચાલતી, સૌ પોતે પોતાના રાજા હતા. નીતિ એ કાયદો હતો. સત્ય એ મર્યાદા હતી. સદગુણને સૌ ધર્મ માનતા, શૌર્યને મંત્ર સમજતા એવો એ અદ્દભુત પ્રદેશ પૃથ્વી ઉપર સ્વર્ગ જેવો પ્રકાશતો.
ઘનશ્યામ વાદળાંઓ હિમાલયને ઘેરી ઊભાં હતાં. જ્યાં જુઓ ત્યાં અદ્દભુત રંગોની અદ્દભુત મિલાવટ જામી હતી.
એ વખતે સતલજ પાસેના એક સૌથી ઊંચા ડુંગર ઉપર આરણ્યક અને સુકેશી બેઠાં હતાં.
બધાં મેદાનોમાં ઘાસ ઉપર ફૂલની જાજમ પથરાઈ ગઈ હતી. ડુંગરાઓ ધોવાઈ ધોવાઈને પશ્ચાતાપ પછી બનેલા હૃદય જેવા નિર્મળ થયા હતા. ઝાડ ઉપર નીલો રંગ પથરાયો હતો. પક્ષીઓ દોડતાં હતાં, મેઘ ઊડતા હતા, કુદરત ખીલી હતી; પ્રેમના વિકાસની જે ઋતુ કહી છે તે એ ઋતુ હતી.
સુકેશીના શરીર ઉપર તેના છૂટા વાળ ઊડી રહ્યા હતા. તેણે કમલપત્રથી શરીરનો નીચેનો ભાગ ઢાંક્યો હતો અને ફૂલની ચાદર માથા ઉપર ઓઢી હતી. તેના કાનમાં આરણ્યક ફૂલ પરોવી રહ્યો હતો.
અચાનક શરીરમાં જેમ વીજળીનો સંચાર થાય તેમ બન્નેએ અકથ્ય રોમાંચ અનુભવ્યો.
પ્રેમની મૂંગી ભાષા તેમની આંખોમાંથી બોલાતી હોય તેમ ઘડીભર બન્ને અનિમિષ નેને સામસામે જોઈ રહ્યાં. આરણ્યક ફરી તેનું ઉત્તરીય ગોઠવવામાં ગૂંથાયો. આ વખતે નીલાં મેઘ પૃથ્વીને ચૂમતા હતા, શિખરો મેઘને સ્પર્શતાં હતાં. વેલીઓ વૃક્ષને વળગતી હતી, અને વનના મોરલા પાસે ઢળકતી ઢેલો ફરતી હતી.
એટલામાં સુકેશીની દષ્ટિ આરણ્યકના હાથ પર પડી. આરણ્યકે પોતાની મુઠ્ઠીમાં કાંઈક સાચવી રાખ્યું હતું, મંદ હાસ્ય કરીને સુકેશીએ પોતાના કોમળ હાથ થી આરણ્યકની મુઠ્ઠી ઉઘાડી.
જેમ વાદળાંથી ઢંકાયેલી ચંદ્રની કાન્તિ વાદળું દૂર થતાં શોભી રહે, તેમ મુઠ્ઠી ખૂલતાં જ ઈન્દ્રનીલમણિની હરિયાળી કાન્તિથી આસપાસની જમીન પ્રકાશી રહી.
“આ શું છે આરણ્યક?” બોલીને સુકેશીએ ઈન્દ્રનીલમણિ પોતાના હાથમાં લીધો.
“આ પથ્થર મને શતદ્રુની ખીણમાંથી મળ્યો છે. નીલાકાશ જેવો એનો ઘેરો શ્યામ રંગ અત્યંત મોહક છે.”
સુકેશી ઈન્દ્રનીલમણિ તરફ જોઈ રહી. મણિ વધારે ને વધારે સુંદર લાગતો હતો.
સ્ત્રીસહજ પ્રેમભર્યા ઉમળકાથી તેણે મણિને પોતાની છાતી ઉપર લગાવ્યો. શ્રીકંઠના લાંછન જેવો તે સુકેશીના સુંદર વક્ષ:સ્થળને શોભાવી રહ્યો.
આરણ્યક આ મોહક સૌંદર્ય જોઈ રહ્યો. પોતાની કમલપત્રથી ઢંકાયેલી છાતી પરથી હળવે રહીને સુકેશીએ ફૂલની ચાદર દૂર કરી. પ્રભાતમાં જેમ કમળસંપુટ અર્ધ ખીલ્યું અર્ધ વણખીલ્યું શોભી રહે તેમ સુકેશીનું રસયૌવન શોભી રહ્યું. જેમ ભીના શ્વેત બરફના કટકામાં ઘનશ્યામ મેઘનો રંગ સોંસરવો નીકળીને હિમશકલ અવર્ણ્ય જાંબુડા રંગથી રંગી રહે તેમ એ રસપ્રદેશને ઈન્દ્રનીલમણિએ રંગી દીધો.
કિંચિંત હાસ્ય કરીને સુકેશી આરણ્યક તરફ ફરીને બોલી, “આરણ્યક, આ મણિ તો મને શોભે એવો છે.”
આરણ્યકે અત્યંત પ્રેમથી એ મણિને સુકેશીની ફૂલની ચાદરમાં છુપાવી દીધો.
“એ મણિ તારો જ છે, સુકેશી!”
એ વખતે નીલા મેદાન પર થઈને સુમેરુ ડુંગર ઉપર ચડતો હતો. તે ચડતાં ચડતાં થંભી ગયો. સુકેશીના જમણા હાથને ખેંચીને આરણ્યક તેનાં સ્નેહથી નીચે નમતાં નેણ ચૂમી રહ્યો હતો.
સુમેરુ આ જોઈને થંભી ગયો. તે વખતે એ મેદાન પર પહેલ વહેલી ઈર્ષ્યા ઉદ્દભવી.
પાસેનો એ ડુંગર મોટા અવાજ સાથે નીચે દડી પડ્યો!
તેના અવાજથી વન ધ્રૂજ્યાં, પક્ષીઓ નાઠાં, પશુઓ છેડ્યાં અને પર્વતોએ પડઘા આપ્યા. એ અવાજથી સુકેશી અને આરણ્યક જાગી ઊઠ્યાં, અને તેમની નજરે ડુંગર પરથી પડતો મોટો પથ્થર અને ડુંગર પર ધીમે ધીમે ચડતો સુમેરુ બન્ને દેખાયાં.
સુમેરુને ત્યારથી ઈર્ષ્યા થઈ છે. તેણે ઘણી ઘણી ખીણો ખૂંદીને બીજા અનેક લાલ પીળા ચળકતા પથ્થર ભેગા કર્યા છે. પોતાની ગાયોની ડોકે તેણે રૂપાળા પત્થરોની માળા લટકાવી છે, પણ તેમાં ક્યાંયે પેલો ઈન્દ્રનીલ મણિ જેવો પથ્થર નથી.
એક દિવસ ગુરુ શતપર્ણની પાસે જઈને સુમેરુએ કહ્યું કે, “મારે હવે અરણ્યવાસ કરવો છે.”
અત્યંત મધુર અવાજથી ગુરુ બોલ્યા : “કેમ બેટા! તને શાથી એકાંતવાસ પ્રિય બન્યો છે?” સુમેરુએ કચવાતાં ઉત્તર આપ્યો : “સુંદર પ્રભાત જેવી સુકેશી આરણ્યક સાથે ફરે છે.”
ગુરુએ કિંચિત હસીને ઉત્તર આપ્યો : “જે પ્રદેશમાં મનુષ્યો પ્રેમની ઈર્ષ્યા કરે છે, યોગ્ય યુગલને ઈર્ષ્યાથી જુએ છે, ત્યાં નરકની ગંધ પ્રગટ થાય છે; ત્યાં યૌવનના રસને બદલે વિકાર પ્રગટે છે. ત્યાં પવિત્ર પ્રેમની સૃષ્ટિને બદલે વિલાસની બદબો છૂટે છે. હે પુત્ર! તું પણ તારી કોઈ યોગ્ય સહધર્મચારિણી શોધીને સુખી થા.”
“ગુરુદેવ! હું સુકેશીને જ મેળવીશ. આરણ્યકે તેને એક ઈન્દ્રનીલમણિ આપ્યો છે, હું તેને દસ આપીશ.”
ગુરુદેવ નિ:શ્વાસ નાખીને બોલ્યા : “ત્યારે આ પ્રદેશની સ્વર્ગીય અવસ્થા હવે ભૂંસાઈ જશે.”
વેરના પડધા જેવું નિષ્ઠુર હસીને સુમેરુ ચાલ્યો ગયો અને એકલો જુદો વાસ કરીને રહ્યો.
સુમેરુના એકાંતવાસ પાસે પણ અનેક સ્ત્રીઓ રંગીન પથ્થર લેવા જાય છે, કમલપત્ર જેવા કિંચિત લાલ પથ્થર, વિષ્ણુના ઉત્તરીય જેવા મીઠા પીળા રંગના પથ્થર અને ઘેરા ગંભીર જળ જેવા નીલા પથ્થર – સુમેરુ પાસેથી જ મળે છે. તેના બદલામાં ગાયો, જવ, કમોદ, નવનીત અને દૂધ તેને ત્યાં ચાલ્યાં આવે છે. ત્યાંની સુંદરીઓ હવે કમલપત્રના દાંડાથી કાન પૂરવાને બદલે લાલ પથ્થરને લટકાવવાનો શોખ ધરાવે છે. સૌ એ શોખને પૂરવા પરાધીન બન્યાં છે. સુમેરુએ ત્યાં નવો કાયદો ચલાવ્યો અને જાણ્યે-અજાણ્યે સૌ તેની સત્તા તળે આવ્યાં. આજ દિવસ સુધી સૌ સૌની જરૂરિયાત પ્રમાણે વસ્તુઓ આપલે કરતાં. દરેક વસ્તુ સરખી કિંમતની હતી, ને બધી સરખી ઉપયોગી હતી, પણ સુમેરુએ પથ્થરના રંગ અને સૌંદર્ય પરથી દરેક પથ્થરની જુદી જુદી કિંમત આંકી. સુમેરુ પાસે ઘણી વસ્તુઓ આવી પડી, ને જેમને જરૂર હતી તેઓ વસ્તુ વિના રખડવા લાગ્યાં.
એક દિવસ એક જુવાન માણસ સુમેરુ પાસે આવ્યો. તેણે સુમેરુને જવ આપ્યા અને નવનીત માગ્યું. સુમેરુએ જવાબ આપ્યો કે, “જવને બદલે નવનીત નહીં આપું. મારે બેમાંથી એક્કેની જરૂર નથી.” પેલા જુવાને કહ્યું કે, “ત્યારે મારે જરૂર છે આપવું જોઈએ.”
“પણ એ તો મારું છે તે કેમ અપાય?” સુમેરુ આ શબ્દો બોલ્યો ત્યારે સુસવાટ કરતો પવન દેવદારનાં વન સોંસરો નીકળી ગયો.
આ પ્રદેશમાં આ શબ્દ અને આ વિચાર નવા હતા.
“ત્યારે એ ચીજનો ઉપયોગ શો?” પેલા જુવાને પૂછ્યું.
ખડખડ હસીને સુમેરુએ જવાબ આપ્યો: “સત્તા મેળવવી તે.”
ફરી વન ધ્રૂજ્યાં. આ નવા વિચાર પૃથ્વીને અપવિત્ર કરતા હતા.
“સત્તા એટલે શું?” ભોળા જુવાને પ્રશ્ન કર્યો. તે વખતે બીજી દિશામાંથી અનેક સ્ત્રીઓ અને પુરુષો સુમેરુના એકાંતવાસ તરફ આવતાં દેખાયાં. કેટલાંક ગાયો લઈને, કોઈ જવ લઈને, કોઈ કમળ અને કંદ લઈને અને ઘણાં તો નવનીત, દૂધ અને માટી લઈને આવતાં દેખાયાં. સુમેરુ તેમના તરફ જોઈ રહ્યો અને પછી પેલા ભોળા જુવાન તરફ ફરીને ગર્વથી બોલ્યો : “જો આનું નામ સત્તા : કેટલાં માણસો આ તરફ આવે છે!”
આખું ટોળું સુમેરુ તરફ દોડી આવ્યું. કેટલાંક બૂમ પાડતાં હતાં કે અમને લાલ પથ્થર આપો. કેટલાંકે આસમાની પથ્થર પર નજર ઠેરવી હતી. કોઈકને પીળા પથ્થરનો મોહ હતો. સત્તાધીશની ઢબથી સુમેરુએ બધાને કહ્યું :
“સૌ શાંત રહો!”
ટોળામાં એકદમ શાંતિ ફેલાઈ ગઈ.
સુમેરુએ કેટલાક ધોળા અને પીળા કટકા કાઢ્યા. સૂર્યનાં કિરણ નીચે તેઓ પ્રકાશવા લાગ્યા.
“એ શું છે? એ શું છે? અમને એવા કટકા આપો.”
આખા ટોળામાંથી સૌ બોલવા લાગ્યાં. એક કટકાને ઉપાડીને સુમેરુ બોલ્યો : “આનું નામ સુવર્ણ. અને આ ધોળો કટકો તે રજત.”
“અમને સુવર્ણ આપો.”
“અમને રજત આપો.”
“અમને બન્ને આપો.”
“શાંતિ રાખો!” ફરી સુમેરુ બોલ્યો, અને આખું ટોળું શાંત થઈ ગયું.
“સુવર્ણ કોને કોને જોઈએ છે?”
“મને” અને “અમને”ના અવાજથી વાતાવરણ ભરાઈ ગયું. સુમેરુ સંતોષથી હસવા લાગ્યો. “ત્યારે જુઓ આ પાત્ર. આવાં સો પાત્ર જવથી ભરી આપશે તેને આટલું સુવર્ણ મળશે!” સુમેરુએ એક માટીનું પાત્ર લઈને ક્રિયા બતાવી.
સૌ બાઘામંડળ માફક ઊભાં રહ્યાં, અને પછી જેની પાસે દૂધ હતું. તેણે દૂધ આગળ ધર્યું : “પણ આ દૂધ છે તેનું?”
સુમેરુએ માટીના નવા પાત્રથી દૂધ ભરવા માંડ્યું. રજત અને સુવર્ણના કટકા સૌ લેવા લાગ્યાં; અંદર અંદર જોવા લાગ્યાં, અરસપરસ દેખાડવા લાગ્યાં.
છેટેથી આરણ્યક અને સુકેશી આવતાં હતાં. આખા ટોળામાં સુમેરુ સ્વામી જેવો શોભી રહ્યો હતો. તે પેલા ભોળા જુવાન તરફ ફર્યો :
“જુવાન માણસ! તારે મારા દાસ થવું છે?”
“દાસ શું?”
“સત્તા એટલે શું એ તેં જોયું?”
“હા.”
“ત્યારે દાસ એટલે શું તે હવે જો; આ બધું એક તરફ મૂક; ત્યાં પથ્થર બધા સરખા ગોઠવ, પણે કમલપત્ર ગોઠવી દે, પેલી જગ્યાએ દર્ભાસન નાખી દે.”
ભોળો જુવાન તે પ્રમાણે કરવા ગયો.
સુમેરુ ટોળા તરફ ફર્યો : “તમને યાદ રહી જાય માટે બોલો : “સો પાત્ર જવનાં બરાબર ત્રણ સુવર્ણના કટકા.” આખું ટોળું એક સાદે બોલી ઊઠ્યું : “સો પાત્ર જવનાં બરાબર ત્રણ સુવર્ણના કટકા!”
“દોઢસો ઘડા દૂધના બરાબર દસ રજતના કટકા!” અને એવા ઘોંઘાટથી હિમાલયનાં વન ગાજવા લાગ્યાં.
“પાંચસો ગાયનો એક ઈન્દ્રનીલમણિ” એના પડઘાથી પહાડ પણ છવાયા.
“દસ ઈન્દ્રનીલમણિની એક સ્ત્રી” એ વખતે સુકેશી ને આરણ્યક ત્યાંથી પસાર થતાં જરા થોભ્યાં. ટોળાએ સુમેરુને પ્રત્યુત્તર વાળ્યો “દસ ઈન્દ્રનીલમણિની એક સ્ત્રી”
અત્યંત ખિન્ન હૃદયથી એ યુગલ ત્યાંથી ચાલ્યું ગયું.
સુમેરુને આખી રાત્રિ નિદ્રા આવી નહીં, તેની પાસે અખૂટ સમૃદ્ધિ હતી, એક દાસ પણ હતો અને બીજા અનેક થવાની તૈયારીમાં હતા, છતાં તે આજે સુખે સૂતો નહીં. નીલોત્પલ જેવાં સુકેશીનાં નયન તેને વારંવાર યાદ આવતાં હતાં.
તે પોતાના અતિમૂલ્યવાન પથરાઓ લઈને સવારે આરણ્યકને ત્યાં ગયો. પ્રભાતનો સૂર્ય કમલપત્ર પર પડેલાં જળબિંદુનો સોનાનો મુગટ રચી રહ્યો હતો. ખુલતા ફૂલગુલાબી રંગનાં કમળો જરાક પોપચાં ઉઘાડીને પ્રભાતને નીરખતાં હતાં. ને સુકેશી ત્યાં જળપાત્ર લઈને ઊભી હતી, છેટેના મેદાનમાં સારસ ફરતાં હતાં.
પોતાના મહામૂલ્યવાન પથરાઓ સુમેરુએ સુકેશીને ચરણે ધર્યા. સરોવરથી પાણી ભરીને પાછી ફરતી સુકેશી ઘડીભર ત્યાં થંભી. વન એને જોવા થંભ્યાં હતાં, ને સુમેરુ અત્યંત તૃષ્ણાથી એને નિહાળી રહ્યો હતો.
“સુંદરી!” તે બોલ્યો. તેના શબ્દમાં વિહ્વળતા હતી અને નસેનસમાં ઘેન હતું.
“સુંદરી! હું તારી પાછળ આવ્યો છું. ઈન્દ્રનીલમણિ કરતાં પણ વધારે મૂલ્યવાન અસંખ્ય પથરાઓ હું તારે માટે લાવ્યો છું. હું તને એમનો હાર કરી આપીશ.”
“સુમેરુ” સુકેશીએ જવાબ વાળ્યો, “પ્રેમને તેં કદી જોયો છે?” અવાક બનીને તે ઊભો રહ્યો. સુકેશીના પ્રલય જેવા હોઠ પર સ્મિત ફરક્યું. તેણે ફરી પૂછ્યું “પ્રેમને તેં જોયો છે?”
“ના.”
“ત્યારે જો આનું નામ પ્રેમ; જેને તું સંખ્યાથી કે માપથી માપી શકે નહીં; સત્તા અને વૈભવથી ખરીદી શકે નહીં; જે અપ્રમેય છે ને અજેય છે.”
પોતે પેલા ભોળા માણસને સમજાવ્યું કે જો આનું નામ સત્તા, એનો જ પ્રતિધ્વનિ સાંભળતો હોય તેમ સુમેરુના કાનમાં શબ્દો ગુંજી રહ્યા.
“જો આનું નામ પ્રેમ.”
“અને જો એ ક્યાંથી જન્મે છે તે…” સુકેશીએ સામેના દશ્ય તરફ આંગળી કરી. સુમેરુ એ તરફ જોઈ રહ્યો.
ખીલતા કમળના રંગથી પાણી છવાયું હતું; મેદાનોમાં મયૂરની કળા હતી; સારસબેલડી ધીમી હલકતી ચાલે ફરી રહી હતી; વૃક્ષો, પશુઓ ને વેલીઓ બધાંના ઉપર સૌમ્ય તેજ ફેલાઈ રહ્યું હતું.
“જો આ પ્રેમની સૃષ્ટિ!” એટલું બોલી સુકેશી ત્યાંથી ચાલી ગઈ.
સંધ્યાના સૂર્યે રંગો પૂર્યા હતા. આરણ્યક ને સુકેશી નીલાં હરિયાળાં મેદાનો વટાવી દૂરદૂરના ડુંગરાઓ પર નજર નાંખી ચાલ્યાં જતાં હતાં. તેમનું આ ગામમાંથી છેલ્લું પ્રયાણ હતું. સુમેરુએ સુકેશીની આશા છોડી હતી. પણ વિષય જાય ને વિષયનો રસ રહી જાય તેમ તેની તૃષ્ણા ગઈ હતી ને તૃષ્ણાના કાંટા રહ્યા હતા. સુકેશીને આરણ્યકને જતાં જોઈ તે તેમની પાસે આવ્યો.
“તમે ક્યાં જાઓ છો?” તેણે પૂછ્યું.
“જ્યાં પ્રેમની સૃષ્ટિ છે ત્યાં. જો પેલાં દૂર દૂર સોનેરી રસે રસેલાં હિમાદ્રીનાં શિખરોની પેલી મેર.”
“અને અહીં – ?”
“અને અહીં શું! અહીં હવે પૃથ્વી રસ નહીં મૂકે, મનુષ્યો નિર્ભય નહીં રહે, કુદરત કળા નહીં ખીલવે.”
ધ્રુજતાં ધ્રુજતાં સુમેરુએ પૂછ્યું : “એમ કેમ?”
“જ્યાં કામ મપાય ત્યાંથી કલા જાય, વસ્તુ મપાય ત્યાંથી વૈભવ જાય, મનુષ્ય મપાય ત્યાંથી સ્વર્ગ જાય. તેં પૈસા ઉત્પન્ન કર્યા, હવે મનુષ્યોમાંથી પ્રેમ જશે – સાચા પ્રેમને મનુષ્યો ખરીદીની વસ્તુ માનશે. હવે આ જમીનમાં એવું વાતાવરણ આવશે કે મનુષ્યો પ્રેમ નહીં પણ વૈભવને, વિલાસને, વગને, મોટાઈને, સામાજિક મહત્તાને પ્રધાનપદ આપશે. હવે કોઈ પ્રેમ ખાતર નહીં પરણે. આ જમીનમાંથી પ્રેમની ઋતુ જશે. અષાઢી મેઘ પ્રેમ નહીં પ્રગટાવે; વિરહ અને વિરહનાં આંસુ નહીં હોય; સાચું શૌર્ય નહીં હોય. કામિની અને પિયુ નહીં હોય, ઋતુ નહીં હોય, ઋતુનો રસ નહીં હોય; ઉત્સવ, ઉલ્લાસ, શૃંગાર, તેજ કાંઈ નહીં હોય. જીવન નીરસ બનશે; કામના રસને બદલે યંત્રની નિયમિતતા હશે; ઉદારતા બેવફાઈ મનાશે; આતિથ્ય ગાંડપણ ગણાશે; પ્રેમ સગવડતા લેખાશે; પ્રજા બોજો મનાશે; શૃંગાર વિલાસ મનાશે; છાની વિકારવૃત્તિ ચતુરાઈમાં ખપશે; અને પ્રેમની સૃષ્ટિ પર જ જગતનું પુનર્વિધાન છે એમ છેકથી રૂપાંતર કરવાને બદલે માણસો ચારે તરફ થીગડાં મારવાનું શરૂ કરશે.”
સુમેરુને ચક્કર આવવા માંડ્યાં.
“આ ક્યારે બનશે? ત્યારે મનુષ્યો કેવાં હશે?”
“ઓ સુમેરુ! તેં જે શરૂ કર્યું છે તે હવે બન્યા જ કરશે. જ્યારે આ સ્થિતિ પક્વ થશે ત્યારે એ મનુષ્યો સર્પ જેવાં હશે. બોલ્યા વિના બીજાને હણશે અને હણ્યા વિના શાંતિ નહીં પામે.”
સોનેરી રંગથી ઢંકાતાં હિમાદ્રિનાં અનેક શિખરો પર ગુલાબી રંગની કલગી ફૂટતી હતી. આરણ્યક ને સુકેશી તે તરફ, દૂર-દૂર-દૂર ચાલ્યાં ગયાં. આછા અંધકારનો પછેડો પૃથ્વીને વીંટાવા લાગ્યો. સુમેરુ ધબ દઈને નીચે બેસી ગયો. તેણે પોતાનું મોં બે હાથથી છુપાવી દીધું.
“ઓ મહાન પિતા!” તેનાથી છેવટે આર્તસ્વરે બોલાઈ જવાયું : “સ્વર્ગ જેવી આ પૃથ્વી આટલી બધી જડ બની જશે, અને તે માત્ર મારા દોષથી? તો હવે આ નવા વિચારો શી રીતે નાશ પામે?”
અને ચારે તરફનાં અંધારાં બોલતાં હોય તેમ લાગ્યું :
“ફેલાયેલા ખોટા વિચારોના ડાઘ પૃથ્વી પરથી નાબૂદ કરવા માટે સ્વાર્પણનાં ઊનાં ઊનાં લોહીનું ખમીર જોઈશે.”