સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં,
આવી જજો ન આપ ફરી દરમિયાનમાં…
એને જીવન-સમજ ન બુઢાપામાં દે ખુદા,
જેણે વિતાવી હોય જવાની ગુમાનમાં…
કોઈ સહાય દેશે એ શ્રધ્ધા નથી મને,
શંકાનું હો ભલું કે રહું છું સ્વમાનમાં…
એમાંથી જો ઉખડે આભાર ઓ હરીફ,
સંતોષ ખુદ મનેય નથી મારા સ્થાનમાં…
એનો હિસાબ થશે કયામતના દિવસે,
ચાલે છે એવું ખાતું સુરાની દુકાનમાં…
હો ગુર્જરીની ઓથ કે ઉર્દુની ઓ મરીઝ,
ગઝલો ફક્ત લખાય છે દિલની જબાનમાં…
– ‘મરીઝ’