‘શૂન્ય’ તો એક જોગી સમો જીવ છે,
એને લૌકિક પ્રલોભન તો ક્યાંથી નડે?
પ્રેમ નિષ્પક્ષ છે, રૂપ નિર્લેપ છે,
કર્મ નિ:સ્વાર્થ છે, ભકિત નિષ્કામ છે.
પોતાનો પરિચય પોતાના જ શબ્દોમાં આપનાર, ગઝલમાં ક્યારેક કબીરનું તત્ત્વચિંતન તો ક્યારેક પર ખય્યામની ગહન ફિલસૂફીથી ‘શૂન્ય’ સૌ શાયરોમાં આગવા રહ્યા છે અને લાખો ગઝલરસિકોના અંતરમાં આજે પણ હયાત છે.
વેર લેવું છે
જીવન-પ્રદાનના આશયનું વેર લેવું છે!
મનસ્વી ઈશ્વરી નિર્ણયનું વેર લેવું છે!
કરીને ભસ્મ સકળ ભાગ્યની ઈમારતને,
અબુધ શ્રમના પરાજયનું વેર લેવું છે!
ઊઠો શરાબી શહાદતના જામ ટકરાવો,
યુગોથી બંધ સુરાલયનું વેર લેવું છે!
કહો પ્રભુને અસ્તિત્વનો બચાવ કરે,
હઠે ભરાયલા સંશયનું વેર લેવું છે!
તરસના સાગરે મૃગજળને લઈ ડુબાડી દો,
પ્રપંચીઓના અભિનયનું વેર લેવું છે!
મરણનું એક નિવારણ ને એમાં સો નખરાં
અમારી ભકિતના દુર્ વ્યયનું વેર લેવું છે!
ભરી દો આજ બહારોની જીભ કાંટાથી,
ચમનના જૂઠા પરિચયનું વેર લેવું છે!
રચીને ‘શૂન્ય’ જીવનના કણે કણે કાબા,
હ્ર્દયના ભગ્ન શિવાલયનું વેર લેવું છે!