રોજ પરપોટો નિહાળું જળ સપાટીની ઉપર,
રોજ પાછો થાય છે આ શ્વાસ અધ્ધરનો મને.
જાત સામે એકલા હાથે જ લડવાનું રહ્યું,
છે અનુભવ ઈન્દ્રિયોનાં લાવ-લશ્કરનો મને
તો જ નભની જેમ વિસ્તરશો તમે,
હા, ઉઘાડે છોગ છાનું લખો
જે સહજ છે એ સહજભાવે જ આવશે,
એ મંત્ર શું કામનો જે ગોખવો પડે!
હર ઘંટમાં ગુપ્ત વેશે નાદ છે,
હા, મૌન પણ સૂક્ષ્મતમ સંવાદ છે.
તો જ મળશે ભીતરેથી એક સાચો શેર,
જાત સોંસરવું નિરંતર ચાલવાનું શીખ.
માનવું કે મોક્ષ પામી ગયા તમે,
ખીલવા જેવી મજા ખરવામાં મળે
ઉઝરડો ના પડે બસ એ રીતે,
સ્મરણના છૂંદણા થઈ ત્રોફાવું છે.
પછી એકેક શબ્દ પ્રાર્થના હશે,
બીડેલા હોઠ હો ને ગાવું છે.
રોશની ભૂલી પડે ત્યારે,
રાહ અંધારું બતાવે છે.
એમ ના ઊગે છોડ આતમનો,
તેં કદી તારી, માટી તપાસી છે
આટલો છે સાર જીવનનો ભલા સમજ,
અંત વેળા પ્રેમથી સઘળું સમેટવું.
ધૂની માંડલિયા ( વેદનાની વચ્ચે ઊભો છું હું…)