ચૂપ રહી ને, તો કદી બોલીને પણ, ફાવ્યાં અમે
જિંદગી તલવાર ની ધારે સદા જીવ્યાં અમે.
આ દુકાનો માં ઊભેલા પૂતળાં ને શું ખબર
કે અભાવો ને છુપાવી પાછા લઇ આવ્યાં અમે.
પોપડા ભેગાં ખરે છે પાંદડાઓ પણ હવે,
જ્યારથી દીવાલો ઉપર વૃક્ષ ચિતરાવ્યા અમેં.
જ્યાં જરૂરી હોય ત્યાં ઝળહળ થયાં છે,તો કદી
કોઈ નો ભ્રમ રાખવાં પડછાયાં ટૂંકાવ્યા અમે.
આ હવસ છે કે ઉદાસી કંઈ સમજ પડતી નથી,
આયનો જયારે નિહાળ્યો,હાથ લંબાવ્યા અમે.
એજ કારણ થી સદા સંકોચ ઘર ને પણ થયો,
સાવ ખાલી હાથે જયારે દ્વાર ખખડાવ્યાં અમે.
– દેવાંગ નાયક