મળી આજ રસ્તે તમારી સહેલી;
મને યાદ આવી પછી એ હવેલી.
નજરથી નજર જ્યાં તમારી મળેલી;
મને યાદ આવ્યા એ ચંપો ચમેલી.
તમારા જીવનનો પુછ્યો હાલ જ્યારે;
તમારી સહેલી જરા બસ હસેલી
ઉકેલી શકો તો ઉકેલો તમે પણ-
પૂછી જિંદગીએ નવી આ પહેલી.
હતું દ્રશ્ય કેવું મનોહર મનોહર;
નજર સહેજ તિર્યક ને પાંપણ નમેલી.
અદા ઓઢણીની હૃદયમાં વસી તો;
હવા થઈને વાતો નગરમાં ફરેલી.
ઘણી વેદનાઓ દબાવીને ભીતર;
જુઓ એક ચંપાની ડાળી ઢળેલી.
ક્ષણોના હિસાબો ના કરતા ‘અદિશ’જી;
પરત આવશે ના ક્ષણો એ ગયેલી.
– ભરત પ્રજાપતિ ‘અદિશ’