વાહવાહી આજ તો મ્હેફિલ ભરી લૂંટી હતી.
એ તરફથી જે મળી તે ચાહના જૂઠી હતી.
કે નજર આવ્યાં હશે કાજળ ભરેલાં કામણો,
એટલે ઢાળી ગઝલને ત્યાં જ તો ખૂબી હતી.
એ કરાવી ગયાં મને જો પ્રેમ કરવાની ફરજ,
રેડતાં'તાં લાગણી પીવા જરાં ભૂખી હતી.
અર્થનાં પણ ભાર ખમવાં એ હવે તૈયાર છે,
એમનાં શબ્દે રહીને ડાળખી ઝૂકી હતી.
આગ પણ આ ના શમી ને ખૂબ જો જલતી રહી,
'ને બુઝાવા જિંદગી આખી તમે ફૂંકી હતી.
મેં કર્યો સ્વીકાર આ સંબંધનો'ને જે પછી,
બાતમી એની જમાનાને ઘણી ખૂંચી હતી.
છે "ખુશી" એવી ખબર કે જીત તો મારી જ છે,
જાતને મેં હોડમાં જાતે કરી મૂકી હતી.