અશોક વાટિકામાં જ્યારે રાવણ ક્રોધમાં આવીને સીતા માતાને તલવાર લઈ મારવા દોડ્યો, ત્યારે હનુમાનજીને લાગ્યું કે રાવણ પાસેથી તલવાર છીનવી લઈને, તેનું ગળું કાપી નાખવું જોઈએ. પરંતુ, એ જ સમયે મંદોદરીએ રાવણ નો હાથ પકડી લીધો. આ દ્રશ્ય જોઈને હનુમાનજી ગદગદ થઈ ગયા. પરંતુ હનુમાનજી વિચારવા લાગ્યા કે, “જો હું સીતાજીને બચાવવા આગળ ગયો હોત, તો મને એ વાતનો ભ્રમ થઈ જાત કે, હું ન હોત તો આજે સીતા માતાનું શું થાત ? તેમને બચાવવા માટે કોણ આગળ આવે ?” તો આવી જ રીતે ઘણીવાર આપણને પણ એવો ભ્રમ થતો હોય છે કે હુ ન હોત તો શું થાત?
પરંતુ ત્યારે બન્યું એવું કે સીતાજીને બચાવવાનું કામ પ્રભુએ રાવણની પત્ની મંદોદરીને સોપ્યું. ત્યારે હનુમાનજી સમજી ગયા કે, “ પ્રભુ જે કાર્ય જેમની પાસે કરવાવવા માંગે છે, તેઓ તેમની પાસે જ કરાવે છે.” ઈશ્વરની ઈચ્છા વગર કોઈ પણ કાર્ય થતું નથી.
આગળ જતા જ્યારે ત્રીજટાએ રાવણને કહ્યું કે, “ લંકામાં કોઈ વાનર ઘુસી આવ્યો છે અને તે લંકાને સળગાવવાનો છે. ” ત્યારે હનુમાનજી ચિંતામાં પડી ગયા અને વિચારવા લાગ્યા કે, “ પ્રભુ એ મને લંકા સળગાવવાનું તો કીધું નથી. તો પછી આ ત્રીજટા કેમ આવું કહે છે કે, મેં સપનું જોયું છે અને તેમાં એક વાનર લંકા ને સળગાવી રહ્યો છે. તો હવે મારે શું કરવું ? હનુમાનજી એ ત્યારે કહે છે જેવી પ્રભુ ની ઈચ્છા.
જ્યારે રાવણ નાં સૈનિકો તલવાર લઈ હનુમાનજીને મારવા દોડ્યા, ત્યારે હનુમાનજીએ પોતાના બચાવમાં થોડો પણ પ્રયત્ન ન કર્યો. પરંતુ એ સમય જ ત્યાં વિભીષણ આવ્યા અને કહ્યું કે, કોઈ દૂતને મારવા એ અનીતિ છે. ત્યારે પણ હનુમાનજી સમજી ગયા કે પ્રભુએ મને બચાવવા માટે આ ઉપાય કર્યો છે.
હનુમાનજી ને ખુબ જ આશ્ચર્ય થયું કે જ્યારે રાવણે કીધું કે, આ વાનર ને મારવો નથી,પરંતુ તેની પૂછડી પર કપડું બાંધી, ઘી નાખી અને આગ લગાવી દો. ત્યારે હનુમાનજી વિચારવા લાગ્યા કે ત્રીજટાના સપનાની વાત સાચી હતી. કેમ કે લંકા સળગાવવા હું કપડું અને ઘી ક્યાંથી લાવું ? અને આગ પણ કંઈ રીતે પ્રગટાવેત ? પણ આ બધી તૈયારીઓ પ્રભુએ રાવણ પાસે જ કરાવી લીધી. ત્યારે હનુમાનજી કહે છે, જ્યારે તમે રાવણ પાસે પણ આવું કામ કરાવી લ્યો છો, તો મારે આમાં આશ્વર્ય કર્યા જેવું કંઈ નથી. ત્યારે હનુમાનજી ને પણ સમજાય જાય છે કે આપણા વગર પણ બધું શક્ય હોય છે. આપણે બસ નિમિત હોઈએ.
એટલા માટે હંમેશા યાદ રાખો કે આ સંસાર માં જે કંઈ પણ થાય છે, તે ક્રમબદ્ધ થાય છે. હું અને તમે, તેના માત્રને માત્ર નિમિત પાત્ર છીએ. એટલા માટે ક્યારે પણ મનુષ્ય જીવે એ ભ્રમ માં ન રહેવું જોઈએ કે, “ હું ન હોત તો શુ થાત ? અથવા હું નહી હોઉ તો શું થશે ? ” જો આપણે એ સ્થાન પર ન હોઈએ તો તેની જગ્યાએ ભગવાન કોઈ બીજા પાત્ર ને નિમ્મીત બનાવે ,
શીખ :- માણસ માત્ર એ કોઈ ભ્રમ માં ન રહેવુ કે હુ છુ તો જ આ શક્ય છે, અને હુ નહી હોઉ તો શુ થશે, માણસ ને પ્રભુ કાર્ય માટે નિમ્મીત જ બનાવે છે.