'હોલોકોસ્ટ સર્વાઈવર્સ' (હિટલરના નરસંહારથી બચેલા યહૂદીઓ) એવું કહેતા રહ્યા છે કે નાઝી જર્મનીએ માત્ર મોટી સંખ્યામાં યહૂદીઓની હત્યા કરી નથી એવું નથી, પરંતુ તેમની હજારો કલાકૃતિઓને પણ લૂંટી લીધી છે.
જર્મનીમાં આ નરસંહારને રોકવામાં નિષ્ફળતાથી યુરોપ પસ્તાવો અનુભવી રહ્યું હતું અને તે વખતે બીજા વિશ્વયુદ્ધના અંત પછી અમેરિકાએ યહૂદી કલાકૃતિઓને પાછી મેળવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી હતી.
યુએસ સેનાની દેખરેખમાં અંદાજે સાત લાખ કલાકૃતિઓને ઓળખી કાઢવામાં આવી અને જ્યાંથી તેને લૂંટી લેવાઈ હતી તે દેશોને પરત કરવામાં આવી. મોટાભાગની કલાકૃત્તિઓની માલિકી યહૂદી લોકોની હતી.
પ્રયાસ ત્યાં પૂરતો મર્યાદિત રહ્યો નહોતો. 1985માં, યુરોપિયન દેશોએ પણ યહૂદીઓની લૂંટાયેલી કલાકૃતિઓની ઓળખ કરવા અને પરત કરવાનું કાર્ય શરૂ કર્યું. 1998માં આ વિશે એક આંતરરાષ્ટ્રીય કરાર તૈયાર થયો, જેના પર 39 દેશોએ હસ્તાક્ષર કર્યા હતા.
બીજી બાજુ, મધ્યયુગમાં એશિયા અને આફ્રિકાના અનેક દેશોને ગુલામ બનાવીને યુરોપીયન દેશોએ સંપત્તિ લૂંટી હતી તેને પરત કરવા માટે આવો કોઈ ઉત્સાહ દાખવવામાં આવ્યો નથી.
હાલના દિવસોમાં, સમગ્ર યુરોપમાં એવી વિચારસરણી વધી રહી છે કે મધ્ય યુગથી હાલના સમય સુધીમાં, અન્ય દેશો પર કબજો કરાયો, તે દેશોના લોકોને ગુલામ બનાવાયા અને તેમની કિંમતી વસ્તુઓની લૂંટ ચલાવા તે ગંભીર ગુનાઓ હતા.
આ ગુનાનો સૌથી મોટો ભોગ ભારત બન્યું હતું. પ્રારંભમાં બ્રિટનની ઈસ્ટ ઇન્ડિયા કંપની અને 1857ની ક્રાંતિ પછી, બ્રિટિશ રાજે ભારતની કિંમતી કલાકૃતિઓ, ચિત્રો, કાપડ, શિલ્પો, હીરા અને ઝવેરાત લૂંટી લીધા અથવા બળજબરીથી હસ્તગત કર્યા હતા. કેટલીક વસ્તુઓને સોગાદ તરીકે આપવામાં આવી હતી અને કેટલાક કરાર હેઠળ હસ્તગત કરવામાં આવ્યા હતા.
બ્રિટિશ સામ્રાજ્યવાદના સમયને ભારતમાં 'કાળા યુગ' તરીકે યાદ કરવામાં આવે છે.
દિલ્હીના પ્રખર જમણેરી વિચારધારા ધરાવનારા ડૉ. સુવ્રોકમલ દત્તા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે જૂના ગુનાઓનું પ્રાયશ્ચિત કરવાનો સમય બ્રિટન માટે આવી ગયો છે.
તેઓ કહે છે, "લૂંટાયેલી ભારતીય કલાકૃતિઓ અને અમૂલ્ય વારસો બ્રિટન પરત ના કરે, તો તેણે વિશ્વને કહી દેવું જોઈએ કે તે ગુલામી, સામ્રાજ્યવાદ, લૂંટ, ગુલામી અને નરસંહારને ન્યાયી ગણે છે. પોતાના કાળા ઇતિહાસને ભૂંસી નાખવાની આનાથી વધુ સારી તક બ્રિટનને નહીં મળે. જો અત્યારે નહીં, તો ક્યારેય નહીં."
વિશ્વભરના જાહેર અને ખાનગી સંગ્રહાલયો પાસે રહેલી ભારતની ચોરાયેલી અને દાણચોરીથી લઈ જવાયેલી પ્રાચીન કલાકૃતિઓને ભારતમાં પરત લાવવા માટે નાગરિક ચળવળ તરીકે 'ઇન્ડિયા પ્રાઈડ પ્રોજેક્ટ' શરૂ કરાયો છે.
કોહિનૂરનો ઇતિહાસ અને પૃષ્ઠભૂમિ
પરિચય:
કોહિનૂર હીરો વિવાદોમાં ઘેરાયેલો રહ્યો છે. વિશ્વના સૌથી મૂલ્યવાન રત્નોમાં જેન ગણના થાય છે તે પ્રખ્યાત કોહિનૂર હીરાએ સદીઓથી લોકોના દિલ અને દિમાગને મોહિત કર્યા છે. આજે પણ આ હીરો વિસ્મય અને આકર્ષણ જગાવે છે. ભારત કહે છે કે કોહિનૂર મૂળ અમારો છે જ્યારે ઈંગ્લેન્ડના લોકો તેને પોતાની સંપત્તિ માને છે.
ઉત્પતિ અને પ્રારંભિક ઇતિહાસ:
કોહિનૂર હીરાનું ચોક્કસ મૂળ ક્યાં તે રહસ્યમાં ઘેરાયેલું છે. ભારતના ગોલકોંડા વિસ્તારની કોલૂર ખાણમાંથી તે ખોદકામ વખતે મળી આવ્યો હતો એવું માનવામાં આવે છે. આ હીરા વિશેના સૌથી જૂના દસ્તાવેજ કાકટિયા વંશના શાસનકાળ દરમિયાન 1306ના મળે છે.
રજવાડામાં ફરતો રહ્યો અને જતો રહ્યો સરહદપાર:
સદીઓ દરમિયાન કોહિનૂરની માલિકી બદલાતી રહી અને દક્ષિણ એશિયાના વિવિધ રજવાડામાં તે ફરતો રહ્યો. કાકટિયા શાસકોના હાથમાંથી તે દિલ્હી સલ્તનત અને પછી મુઘલ સામ્રાજ્યના હાથમાં આવ્યો. મુઘલ સમ્રાટ બાબરે પોતાના સંસ્મરણોમાં હીરાનો ઉલ્લેખ કર્યો છે. હીરાને નવેસરથી ઘડવામાં આવ્યો હતો અને તે પહેલાં તેનું વજન 186 કેરેટ હતું તેવો ઉલ્લેખ છે. હીરાને વધારે ઘાટ અપાતા ગયા અને તે રીતે તેનું કદ ઘટીને વર્તમાનમાં છે તેટલું 105.6 કેરેટ થઈ ગયું.
બ્રિટિશ હસ્તગત અને વિવાદ:
ભારતીય ઉપખંડમાં 18મી અને 19મી સદીમાં સત્તા માટે સંઘર્ષો અને યુદ્ધો ચાલ્યા. આ અશાંત સમયગાળા દરમિયાન કોહિનૂર હીરાએ બ્રિટિશ રાજનું ધ્યાન ખેંચ્યું. 1849માં અંગ્રેજ-શીખ વચ્ચે બીજું યુદ્ધ થયું તેમાં બ્રિટિશરોનો વિજય થયો. યુદ્ધની લૂંટના હિસ્સા તરીકે કોહિનૂર તેમના હાથમાં ગયો અને લાહોરની સંધિ હેઠળ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને તે સોંપવામાં આવ્યો.
રોયલ ખજાનો અને હીરાનું પ્રદર્શન:
બ્રિટિશ અધિકારીઓએ 1850માં રાણી વિક્ટોરિયાને કોહિનૂર હીરો ભેંટમાં આપ્યો. તે સાથે જ હીરો બ્રિટિશ ક્રાઉન ઝવેરાતનો હિસ્સો બની ગયો, જેનું પ્રદર્શન ટાવર ઑફ લંડનમાં થયેલું છે.
માલિકીના વિવાદો અને માંગણીઓ:
કોહિનૂર હીરાની માલિકી ખરેખર કોની ગણાય તે લાંબી ચર્ચા અને વિવાદનો વિષય રહ્યો છે. ભારતની સરકારોએ અને વિવિધ વ્યક્તિઓએ કોહિનૂર ભારતને પરત સોંપી દેવામાં આવે તેવી માંગણી કરી છે. તે માટે એવી દલીલ આપવામાં આવે છે કે સામ્રાજ્યવાદી યુગમાં દબાણ હેઠળ તેને પડાવી લેવામાં આવ્યો હતો.
હીરાનો વૈશ્વિક પ્રભાવ:
માલિકીના વિવાદોથી તે જાણીતો બન્યો છે, પરંતુ તે સિવાય કોહિનૂર હીરો તેની દુર્લભતા અને અજોડ તેજસ્વીતાને કારણે દુનિયાભરનું ધ્યાને ખેંચે છે. ફારસી ભાષામાં કોહિનૂરનો અર્થ થાય છે "પ્રકાશનો પર્વત".
વારસો અને સાંસ્કૃતિક પરંપરા:
કોહિનૂર હીરાનું શું કરવું તે બાબતમાં ભારત અને યુનાઈટેડ કિંગડમ વચ્ચે હાલના વર્ષોમાં ચર્ચાઓ થઈ છે. કેટલાક લોકો સંયુક્ત વ્યવસ્થાનું પણ સૂચન કરે છે, જેની હેઠળ બ્રિટિશ ક્રાઉન જ્વેલ્સનું પ્રદર્શન ભારતમાં પણ થાય અને તેમાં કોહિનૂર હીરો હોય. બંન દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન થયું ગણાશે અને હીરાનું ઐતિહાસિક મહત્ત્વ પણ સ્વીકારી લેવામાં આવે.
ભારતીય કલાકૃતિઓ કેવી રીતે પરત મેળવી શકાય?
અગાઉની ભારતીય સરકારોએ બ્રિટિશરો પાસે કોહિનૂર સહિતની કલાકૃતિઓ પરત આપવા માગણી કરી હતી, પરંતુ તેમાં સફળતા મળી નથી. ઈંગ્લૅન્ડના અખબાર 'ધ ટેલિગ્રાફ' અનુસાર, મોદી સરકાર કોહિનૂર હીરા અને અન્ય હજારો કલાકૃતિઓને પરત મેળવવાના માટે ડિપ્લોમેટિક ઝુંબેશની તૈયારી કરી રહી છે.
નિષ્ણાતો કહે છે કે કોહિનૂર જેવા વિવાદિત હીરાને પરત મેળવવો લગભગ અશક્ય છે.
હર્ષ ત્રિવેદી સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ છે. તેમનું કહેવું છે કે ભારત સામે બે મુખ્ય પડકારો રહેલા છે.
તેમના જણાવ્યા અનુસાર, "પ્રથમ પડકાર જટિલ કાનૂની પ્રક્રિયાઓ છે. ચોરાયેલી કૃતિઓ પરત મેળવવાની કાનૂની પ્રક્રિયા મુશ્કેલ હોય છે. જુદાં જુદાં કાર્યક્ષેત્ર અને કાનૂની પ્રણાલી પ્રમાણે કામ કરવું પડે. ભારતે વસ્તુઓની માલિકી સાબિત કરવી પડે અને તેને ગેરકાયદે રીતે હાંસલ કરી હતી તે દેખાડવું પડે."
"બીજો પડકાર રાજકીય અને રાજદ્વારી છે. રાષ્ટ્રો વચ્ચે રાજકીય અને રાજદ્વારી સંબંધો એ પ્રકારના હોય કે આવા કિસ્સાઓમાં પડકારરૂપ બની શકે છે. સામ્રાજ્યવાદ વખતે કલાકૃતિઓ હસ્તગત કરાઈ હતી તેમાં વધારે મુશ્કેલી નડી શકે છે. એક વખતના ગુલામ દેશ અને તેના પર કબજો કરનારા દેશ વચ્ચે હજીય ઐતિહાસિક તણાવ રહેલા છે અને વણઉકેલાયેલા પ્રશ્નો હોય છે."
કાયદાકીય રીતે કોહિનૂર પરત લાવવાનું શક્ય નથી એવું લગભગ ભારતે સ્વીકારી લીધું છે. 2016માં એક નાગરિકે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી કે ભારત સરકારને કોહિનૂરને પરત લાવવા જણાવવામાં આવે. અરજીના જવાબમાં ભારત સરકારે સ્વીકારી લીધું હતું કે કોહિનૂર હીરો બ્રિટનની સંપત્તિ છે.
કોહિનૂર હીરો ભારત અને બ્રિટનના ઈતિહાસમાં વણાઈ ગયો છે. કોહિનૂરની અજોડ સુંદરતાની કથા વિશ્વભરને મોહિત કરે છે. ભારતીયો માટે આ એક સંવેદનશીલ મુદ્દો છે. મોદી સરકારના નજીકના લોકોનું કહેવું છે કે સરકાર કોહિનૂર હીરો અને અન્ય ભારતીય ખજાનાને પરત લાવવા માટે ચોક્કસ પ્રયાસો કરશે.
ડૉ. દત્તા કહે છે, "અગાઉની ભારતીય સરકારોમાં આવી પહેલ કરવાની હિંમત નહોતી. હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે આપણી પાસે શક્તિશાળી રાષ્ટ્રવાદી સરકાર છે ત્યારે ભારતીયોને મોદી સરકાર પાસેથી વધુ અપેક્ષાઓ છે."
જોકે તે માટે ભારતે પુરાવા અને દસ્તાવેજો સાથે યુકેની કોર્ટમાં જવું પડશે. લંડન ખાતેના બ્રિટિશ કાયદાના નિષ્ણાત સરોષ જયવાલા કહે છે, "યુકેની કોર્ટમાં એવું સાબિત થાય કે બ્રિટિશ કાયદા હેઠળ ખજાના માટે પોતે હકદાર છે તો જ ભારત તેની કલાકૃતિઓ પાછી મેળવી શકે. ભારતે કોર્ટમાં માલિકી સાબિત કરવી પડે, જે બહુ મુશ્કેલ છે. તેના માટે સ્પષ્ટ પુરાવાની જરૂર પડશે."