શરીરની બહાર શરીર
સોશિયલ મીડિયાનો જમાનો છે, તસવીરો અને સેલ્ફીનો યુગ છે. વજનદાર, મોટા-મોટા કેમેરાનો જમાનો લુપ્ત થવાના આરે છે, એક-એકથી ચડિયાતા કૅમેરા મૉબાઇલમાં જ ઉપલબ્ધ છે. એક્સરે મશીન દ્વારાશરીર ની અંદરનાં શરીરની ફોટોગ્રાફી પણ શક્ય છે.
શરીરની બહારનાં શરીરની તસવીર લેવી હોય તો? જન્મથી મૃત્યુ સુધી હંમેશાં શરીરની આસપાસ, સાથે જ રહે, જેનો પ્રભાવ સમગ્ર જીવન પર રહે અને છતાં સામાન્ય રીતે અદૃશ્ય રહે તેવા તત્ત્વની તસવીર ખેંચવી હોય તો? ‘કિર્લિયન ફોટોગ્રાફી‘ દ્વારા તે સંભવ છે. આ એવો કૅમેરા છે જે વ્યક્તિનાં કે વસ્તુનાં આભામંડળની તસવીર પણ લઈ શકે. આભામંડળ એટલે કે ઑરા (Aura) એવી કોઈ વસ્તુ છે જેના પર સમગ્ર જિંદગી, જી હા, સમગ્ર જિંદગી આધારિત છે. તેની તસવીર વ્યક્તિએ છુપાવી રાખેલી વાતો તો જાહેર કરી દે, પરંતુ સાથે-સાથે એવી આંતરિક વાતો બહાર લાવી દે કે જે વિશે જે-તે મનુષ્ય ખુદ પણ અજાણ હોય.
ઑરા શબ્દથી ઘણાં લોકો અપરિચિત હોઈ શકે, કારણ કે અધ્યાત્મ સાથે જોડાયેલ શબ્દ છે. સમાજમાં પ્રચ લિત સામાન્ય માન્યતા એ છે કે અધ્યાત્મ અને વિજ્ઞાનને સ્નાન-સૂતકનો સંબંધ નથી, અથવા અધ્યાત્મ તે બૌદ્ધિક સ્તરથી નીચેની વાત છે. સાચું એ છે કે અધ્યાત્મ ત્યાંથી તો શરૂ થાય જ્યાં બુદ્ધિના સીમાડા પૂરાથાય.
પ્રાચીન ઋષિ-મુનિઓ અત્યંત ઉચ્ચ કક્ષાના વૈજ્ઞાનિકો હતા. એમની પાસે જે જ્ઞાન હતું, ત્યાં સુધી પહોંચવા માટે અર્વાચીન વિજ્ઞાન હજી તો પ્રયત્નો કરી રહ્યું છે. મોટાભાગના ખ્યાતનામ વૈજ્ઞાનિકો (મનોવૈજ્ઞાનિકો પણ ) આધ્યાત્મિક જ રહ્યા છે, ડૉ.આલબર્ટ આઇન્સ્ટાઇન હોય કે ‘Analytical Psychology’ના જન્મદાતા મહાન વિભૂતિ ડૉ.કાર્લ યુંગ કે પછી આપણા સૌના લાડીલા અને વંદનીય ડૉ.અબ્દુલ કલામ.
એક શરીર એવું છે જેને સૌ જાણે છે, જેને નરી આંખે જોઈ શકાય છે, જેને સ્પર્શી શકાય છે, જેનો સામાન્ય કૅમેરાથી ફૉટો લઈ શકાય છે, જેમાં આજનું મેડિકલ સાયન્સ વાઢકાપ કરી શકે છે, જેને નાનપણમાં શરીર વિજ્ઞાન તરીકે ભણી ચૂક્યા છીએ. આ છે આપણું સ્થૂળ શરીર.
સ્થૂળ શરીરની ફરતું એક બીજું શરીર હોય, જે બને શરીરમાંથી નીકળતા વિદ્યુત તરંગો (electromagnetic waves) દ્વારા. દેવ-દેવીઓના/ઋષિ-મુનિઓના ફૉટો પાછળ આભાનાં વલયો દર્શાવ્યાં હોય, એ વલયો તે જ ઑરા . જેમ પ્રત્યેક વ્યક્તિની હસ્તરેખા જુદી હોય, તેમ દરેક વ્યક્તિનો ઑરા જુદો હોય.
ઑરા ફૉટોગ્રાફી
અધ્યાત્મનાં એક સ્તર સુધી પહોંચ્યા પછી ઑરા નરી આંખે પણ જોઈ શકાય. તે સિવાય એક ખાસ પ્રકારના કિર્લિયન કૅમેરા નામક ગૅઝેટ દ્વારા આ શરીરનો ફોટો લઈ શકાય. આ શોધ રશિયન વૈજ્ઞાનિક ડૉ. કિર્લિઅન દ્વારા 1939માં થયેલી, ત્યાર બાદ હેરી ઓલ્ડફિલ્ડ દ્વારા 1989માં PIP(Polycontrast Interference Photography) સ્કેનર, 1995માં રશિયન વૈજ્ઞાનિક ડૉ. કોરોત્કોવ દ્વારા GDV (ગેસ ડિસ્ચાર્જ વિઝ્યુઅલાઇઝેશન) કૅમેરા, એ પછી જર્મનીના ડૉ. થ્રોન્ટન સ્ટ્રીટર દ્વારા બાયોફિલ્ડ વ્યૂઅર વિકસાવવામાં આવેલા છે, જે કિર્લિઅન કૅમેરાનાં આધુનિક સ્વરૂપ છે.
ઑરાના ફૉટોગ્રાફ દ્વારા ઘણું જાણી શકાય, જેમ કે:
1) વ્યક્તિને ભવિષ્યમાં થનાર રોગની સંભાવના અને પ્રકાર
2) વ્યક્તિનો સ્વભાવ
3) વ્યક્તિમાં શું ખૂબી છે
4) જગ્યા/મકાન/રૂમની એનર્જી
5) જે વ્યક્તિને ગુરુ/સંત તરીકે માનીએ તેમનું આધ્યાત્મિક સ્તર
6) મૉબાઇલ ફૉનનાં રૅડિયેશનની શરીર પર અસર
7) કોઈ ચોક્કસ સંજોગોમાં કે ચોક્કસ સમયે વ્યક્તિની ભાવનાત્મક સ્થિતિ
8) ઓર્ગેનિક અને વ્યવસાયિક રીતે ઉગાડાયેલ શાકભાજી/અનાજની ઊર્જા વચ્ચેનો ફરક
9) ક્રોધ કરતી વખતે અથવા ક્રોધ સહન કરતી વખતે ઑરામાં આવતો બદલાવ
10) જુદા-જુદા શબ્દો અને વિચારોથી ઑરામાં આવતો બદલાવ