પીએલએ નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીના ઍસોસિયેટ પ્રોફેસર અને શાંગરી-લા ડાયલૉગમાં ભાગ લેવા આવેલ વરિષ્ઠ કર્નલ ઝાંગ લી પણ આ વાતને માને છે.
તેમણે ‘સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટ’ને કહ્યું કે ભારત પોતાને સુપરપાવર બનાવવા માટે સેનાને મજબૂત કરવામાં કોઈ જ કસર છોડી નથી રહ્યું.
બીજી તરફ, આર્થિક રીતે સતત મજબૂત થવાની સાથે ચીનની વ્યૂહાત્મક મહત્ત્વકાંક્ષાઓ પણ વધી રહી છે.
હાલ તો ચીન અમેરિકાને ગંભીર પ્રતિદ્વંદ્વીના રૂપમાં જોઈ રહ્યું છે. સાથે જ ચીન માટે એશિયામાં ભારત અને જાપાન જેવી વિશાળ શક્તિઓ પણ છે.
ઇન્ડો-પેસિફિકથી લઈને દક્ષિણ ચીન સાગર સુધી ચીન અને એના પ્રતિસ્પર્ધીઓની વચ્ચે અનેક મોરચા ખુલ્લા છે. એટલે ચીન સતત પોતાની સૈન્યક્ષમતાઓ મજબૂત કરવામાં લાગેલું છે.
આ વર્ષે માર્ચમાં ચીનનું વાર્ષિક સત્ર શરૂ થયું એ પહેલાં જ ચીનના વડા પ્રધાન લી કેચિયાંગે ઘોષણા કરી હતી કે તેમનો દેશ વર્ષ 2023માં સેના પર 225 અબજ ડૉલર ખરચશે, જે પાછલા વર્ષની સરખામણીએ 7.2 ટકા વધુ છે.
ચીનનું રક્ષા બજેટ વર્ષ 2020માં 6.6, વર્ષ 2021માં 6.8 અને વર્ષ 2022માં 7.1 ટકા વધ્યું હતું. આવું ત્યારે છે જ્યારે ચીનની અર્થવ્યવસ્થાની ગતિ પહેલાંની સરખામણીએ ધીમી પડી છે.
ચીનનું 225 અરબ ડૉલરનું રક્ષા બજેટ અમેરિકાના રક્ષા બજેટનું એક તૃતીયાંશ છે. પણ આ ભારતના રક્ષા બજેટથી ત્રણ ગણું છે. વર્ષ 2023-24માં ભારતનું રક્ષા બજેટ 54.2 અરબ ડૉલરનું હશે.
ચીનની અર્થવ્યવસ્થાનો વિકાસદરનું લક્ષ્ય પાંચ ટકા છે અને તે પોતાની સેના ઉપર સાત ટકા વધુ ખરચી રહ્યું છે. બીજી બાજુ ભારતની અર્થવ્યવસ્થાના વિકાસદરનું લક્ષ્ય આવનારા નાણાકીય વર્ષમાં સાત ટકાથી ઓછું રહેવાની સંભાવના છે પરંતુ એનું રક્ષા બજેટ 13 ટકા વધ્યું છે.