ચીનના યુનાન પ્રાંતમાં હાલમાં બનેલી ઘટનાની જાણ સમગ્ર દુનિયાને છે. આ પહેલા ચીનના જ શિનજિયાંગ પ્રાંતમાં જ ચીન સરકારનું અભિયાન જોવા મળ્યું હતું.
ચીનના ઉઇગર મુસ્લિમો પર અત્યાચારના સમાચારો કાયમ ચમકતા રહે છે. તેમને બળજબરીથી સર્વૅલન્સ કેમ્પમાં મોકલવામાં આવે છે. ચીન આ શિબિરોને પુનઃશિક્ષણ શિબિર તરીકે ઓળખાવે છે.
આ તમામ મુદ્દાઓ પર વિશ્વના માનવાધિકાર સંગઠનોથી લઈને અમેરિકા, બ્રિટન અને યુરોપના ઘણા દેશોએ ખુલ્લેઆમ ચીનની નિંદા કરી છે અને કરી રહ્યા છે, પરંતુ મુસ્લિમ દેશો તરફથી ક્યારેય આ મુદ્દા પર કોઈ નિવેદન આવ્યું નથી.
સમગ્ર દુનિયામાં મુસલમાનો અને ઇસ્લામને લઈને કોઈ વિવાદ ઊભો થાય છે ત્યારે ઇસ્લામિક દેશોનું સંગઠન ઓઆઈસી હંમેશાં નિવેદન આપતું રહે છે. પયગંબર મહમદ પર ભાજપ નેતા નુપૂર શર્માએ કરેલી વિવાદિત ટિપ્પણી પછી મુસ્લિમ દેશોએ તેની નિંદા કરી હતી.
જ્યારે કાશ્મીરમાં હિંસાના સમાચારો પછી તુર્કી જેવા દેશોએ પણ ટિપ્પણી કરી હતી પરંતુ ચીનમાં મુસલમાનો પર સરકારની કાર્યવાહીઓ દરમિયાન આ દેશો ચૂપ રહે છે.
મુસ્લિમ દેશોની સંસ્થા ઑર્ગૅનાઈઝેશન ઓફ ઇસ્લામિક કૉઑપરેશન (OIC)એ પણ આ અંગે ક્યારેય ટિપ્પણી કરી નથી. ગયા વર્ષે માર્ચમાં પાકિસ્તાનમાં યોજાયેલી OICની બેઠકમાં પણ ચીનના તત્કાલીન વિદેશ મંત્રી વાંગ યી વિશેષ અતિથિ તરીકે પહોંચ્યા હતા.
આ દરમિયાન વાંગ યીએ જણાવ્યું કે ચીનમાં મુસ્લિમો કેટલી સારી રીતે રહે છે. તેમણે એ પણ ધ્યાન દોર્યું કે 'ચીન અને ઇસ્લામિક વિશ્વ બંનેનો ઊંડો ઇતિહાસ છે, આપણે બધા સમાન મૂલ્યોને શોધવા જોઈએ અને ઐતિહાસિક મિશનોમાં ભાગીદારી કરવી જોઈએ.'
વાંગે સંયુક્ત રાષ્ટ્રમાં ચીનને સમર્થન આપવા બદલ ઇસ્લામિક જગતનો પણ આભાર માન્યો હતો. ઘણીવાર એવું પણ બન્યું છે કે જ્યારે પણ સંયુક્ત રાષ્ટ્રમાં ચીનને લગતો કોઈ પ્રસ્તાવ આવે છે ત્યારે મુસ્લિમ દેશો ગેરહાજર રહે છે અને તેમનું આડકતરી રીતે સમર્થન કરે છે.
મુસ્લિમ દેશો પણ ચીનના વખાણ કરતા રહે છે
- ચીનના યૂનાન પ્રાંતમાં 13મી સદીની નાજિયિંગ મસ્જિદનો ગુંબજ પાડતી વખતે પોલીસ અને લોકો વચ્ચે અથડામણ થઈ છે
- દક્ષિણ-પશ્ચિમ ચીનના યૂનાન પ્રાંતમાં અનેક સમુદાયોના લોકો રહે છે જેમાં મુસ્લિમ સમુદાયની વસ્તી પણ મોટી સંખ્યામાં છે
- જે સમુદાય મસ્જિદ તોડી પાડવાનો વિરોધ કરી રહ્યો છે તેને ચીનમાં 'હુઈ' સમુદાય કહેવામાં આવે છે
- આ વિસ્તારમાં લગભગ સાત લાખ હુઈ મુસલમાન રહે છે. સમગ્ર ચીનમાં આ સમુદાયની વસતી અંદાજે એક કરોડ છે
- 2018માં જ યૂનાન પ્રાંતની ત્રણ મસ્જિદોને તાળાં મારી દેવામાં આવ્યા હતા. સરકારે કહ્યું હતું કે ત્યાં ગેરકાયદેસર રીતે ધાર્મિક શિક્ષા આપવામાં આવે છે
- ચીન તેના શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગર મુસલમાનોના માનવાધિકારોનું હનન કરી રહ્યું તેવા આરોપો લાગે છે
- ચીન અધિકૃત રીતે એક નાસ્તિક દેશ છે અને ત્યાંની સરકાર બધા ધર્મોને સ્વતંત્રતા આપવાનો દાવો કરે છે