ધારોકે એક ટાપુ છે. તેના પર એક હજાર લોકો રહે છે: પાંસો પુરુષ અને પાંસો મહિલા. હવે, એક વાર એક યુદ્ધ માં એ ટાપુના પાંસો માંથી ચારસો અઠ્ઠાણું પુરુષ માર્યા જાય છે. માત્ર બે બચે છે: એક છગન અને બીજો મગન. છગન સ્વભાવે રંગીલો અને મગન પત્ની ને એકદમ વફાદાર.
હવે, એક સિમ્પલ સવાલ પૂછું: હજાર વર્ષ પછી એ ટાપુ પર કોના વંશજો વધુ હશે, છગન ના કે મગન ના?
આનો જવાબ આપણે બેઉ જાણીએ છીએ. હવે, આ ટાપુને સમગ્ર પૃથ્વી ગણી લો તો એ નિષ્કર્ષ પર આવવાનું મુશ્કેલ નથી કે આજે જીવંત નેવું ટકા પુરુષો એ ભૂતકાળ માં રંગીનમિજાજ રહેલા પુરુષોના વંશજો છે. હા, બેવફાઇ કોઈ પ્યોરલી જીનેટિક લક્ષણ નથી પણ ઢીલા ધોતિયાના હોવું એ દરેક પુરુષની પ્રકૃતિ સાથે ખૂબ ચુસ્તપણે વણાયેલી બાબત છે, એ એક uncomfortable સત્ય છે.
અહીં સુધી વાંચીને એવું માની લેવાની ભૂલ કરશો નહિ કે આ લેખ બેવફાઈને જસ્ટીફાય કરવા લખ્યો છે. આગળ વાંચો:
અહીં સુધી જે લખ્યું એ થઈ પ્રકૃતિની વાત. પણ એનાથી આગળ આવે સંસ્કૃતિ ની વાત. સંસ્કૃતિ શબ્દ આવે સંસ્કાર માંથી અને સંસ્કાર નો સીધો તજુરમો થાય: impartation. ચાંદી પર સોનાનો ઢોળ ચઢાવીએ એ ચાંદીને સોનાના સંસ્કાર આપ્યા ગણાય. મતલબ સંસ્કાર આપવા એટલે કોઈ વ્યક્તિ કે વસ્તુના ગુણધર્મ માં એવો ફેરફાર કરવો જે એના મૂળમાં નથી, એની અંદરથી આવતું નથી.
સમાજ સમય અને સંજોગ પ્રમાણે જુદા જુદા સંસ્કારોનું લીસ્ટ મા-બાપને પકડાવતો રહે છે, અને એક ગુનારહિત, સુરક્ષિત અને સ્ટેબલ જીવન માટે આ સંસ્કારો નું સિંચન જે તે યુગમાં અનિવાર્ય પણ હોય છે. પ્રાચીન સમયમાં લગ્નસંસ્થા નું અસ્તિત્વ નહોતું તે ઋષિ શ્વેતકેતુ ને ખુંચતા એમણે લગ્નસંસ્થા અને marital loyalty/ વૈવાહિક વફાદારી નો ધારો કાયમ કર્યો. મર્યાદાપુરુષોત્તમ પ્રભુ શ્રીરામે એકપત્નીત્વને ચલણી કર્યુ અને વિષ્ણુના છેલ્લા અવતાર શ્રીકૃષ્ણએ ભીષણ યુદ્ધ પછી પુરુષોની અછતના વાતાવરણમાં સોળ હજાર સ્ત્રીઓને પત્નીનું સ્ટેટસ આપી રાજરાણી તરીકે સમાજમાં સન્માનથી જીવવાનો અધિકાર આપ્યો. શ્રીકૃષ્ણ એ જતા જતા કહ્યું કે "કળયુગ માં જ્યાં લોકો હશે ત્યાં હું હોઈશ" અને જુઓ કે ભારતમાં લોકશાહીની સ્થાપનાના થોડાજ વર્ષની અંદર હિન્દુ કોડ બિલ લાવીને પ્રજાએ પોતે બહુપત્નિત્વ ને જાકારો આપ્યો. આમ, સમાજે અલગ અલગ સમયે અલગ અલગ સંજોગો અનુસાર ધારાઓ/સંસ્કારો સ્થાપિત કર્યા. વર્તમાનમાં વૈવાહિક વફાદારીનો એ આપણી સંસ્કૃતિ છે.
દરેક પુરુષની અંદર સંસ્કૃતિ અને પ્રકૃતિ વચ્ચેની આ જંગ લગાતાર જારી રહે છે. પ્રકૃતિ એને બેવફાઈની દિશામાં ધક્કો મારે છે પણ માં-બાપે આપેલ સંસ્કારો એને રોકી પણ લે છે. જેમ પબ્લિક માં ખુબ જોરમાં એકી લાગી હોય તોય આપણે પ્રકૃતિ ને વશ થઈને પાટલૂન પલાળતા નથી એમ મોટે ભાગના સંસ્કારી પુરુષો માટે વૈવાહિક વફાદારી જાળવવી એ ખૂબ સહજ અને આસાન બાબત છે, એ જાળવતા જ હોય છે. અને તેથી જ, જેમ માત્ર એકી લાગવી એ શરમજનક બાબત નથી, પણ જાહેરમાં એકી થઇ જાય એ શરમજનક છે તેમ માત્ર કોઈ સુંદર મહિલાને જોઈને કોઇ અભદ્ર વિચાર આવે એટલા માત્ર થી કોઈ પણ પુરુષે અપરાધબોધ અનુભવવો જોઇએ નહી. એ એના પુરુષ-મગજનું કુદરતી રીએક્ષન માત્ર હોય છે.
અને ઘણીવાર અમુક પુરુષો પ્રકૃતિ સામેની આ જંગ હારી પણ જતા હોય છે. એનાં કાચા-પાકા કારણો પણ એની પાસે હોય છે (પત્નિ મને રિસ્પેક્ટ આપતી નથી વગેરે વગેરે.. ) પણ હકીકત તો એજ છે કે એના પર એના પૂર્વજ છગનભાઈ નાં જનીન હાવી થઇ ગયા હોય છે.
જોકે આનો મતલબ એવો બિલકુલ નથી કે પતિ દ્વારા કરવામાં આવતી બેવફાઇ પત્નિને સ્વીકાર્ય હોવી જોઇએ. આપણું બાળક જાહેરમાં પાટલુન પલાળે એ ભલે પ્રાકૃતિક હોય પણ આપણને સ્વીકાર્ય ન હોય, તેમ પતિની બેવફાઈ પણ આજના સંસ્કારો મુજબ અસ્વીકાર્ય જ છે. જોકે આ બદલ પતિને માફ કરવો કે સાવ છેડો ફાડી દેવો એ નક્કી કરવાનો સંપુર્ણ એકાધિકાર પત્નિનો જ હોવો જોઇએ.