૧૦-ખુદાની મઝા
ભલાઈને બુરાઈથી, દબાવવાનું લખ્યું જ્યારે -
ખુદાએ હાથમાં લીધી, કલમ શયતાનની ત્યારે!
બિચારાં ભીખ માગે તે, સદા એ ભીખ ન કૈં પામ્યાં;
બધા ઝાલિમ ઉપર પુષ્પો સદા આરામનાં નામ્યાં!
મઝાઓ 'આજ'ની લૂંટી ગયેલા છે ઝુલમગારો;
ભલાંઓને મળી જૂઠી બધી એ 'આવતી કાલો'!
ગુમાવી આજની મીઠી મઝા શી કાલના વ્યાજે!
ખુદાની શાહુકારી એ વળી દેવાળિયાની છે !
અહીં હૂરી રૂપાળીને નઝરને ચોરવા નાખી;
તહીંથી આંખ ઉઠાવા નહીં તાકાત પણ આપી!
છતાં એ દ્રાષ્ટિને માટે સજા દોઝખ તણી સ્થાપી;
અને તાબે હમોને તો થવાનું ચૂપકી રાખી!
ખુવારીમાં અહીં આવ્યા: હમે માંગ્યું હતું ક્યારે?
ઉપાડી જાય છે ત્યાં એ હમારી માગણી ક્યાં છે?
અરે! આ આવવું શું ? ને જવું શું ? ને સજા શી આ
ખુદાને આ હમોમાં તે મદદની આમ શી આશા!
ભલાઈ આ હમારી કૈં નહીં આકાશનો ટેકો,
બુરાઈથી ન યા ફીટે ખુદાઈ કારખાનું કો!
ભલાઈ ને બુરાઈ આ હમારી છેક છે ન્હાની,
બુરાઈને હમે સ્હેતાં, ખુદાને બીક છે શાની?
હમે આત્મા બગાડ્યો છે બુરાઈને સદા ઇચ્છી;
મગર છૂપી જીગર માંહી ભલાઈનો રહ્યો વીંછી!
બુરાઈ આવડી ના આ ! ભલાઈમાં સદા સાંખ્યું;
હવે એ શીખવું બાકી હમે તો મોતમાં રાખ્યું!
બુરાઈનું સદા ખંજર, ભલાઈની ઉપર દીઠું!
ન લેવાતું ! ન સ્હેવાતું ! ન પીવાતું કરી મીઠું !
ખુદા ! ત્હારી મજેદારી, બુરાઈ શીખવે આવી
ભલે તો એ હમારે યે શિખી શિખી સદા ગાવી !
૧૮૯૮