પ્રિયાને પ્રાર્થના - સન્નિપાત
લવાતું આવું કૈં : ધરીશ નવ તેનું દુઃખ, પ્રિયે !
પ્રિયે ! મૃત્યુવેળા લવન કરતાં દગ્ધ સઘળાં !
પછી મૃત્યુમાં તો નથી નથી કશું કાંઈ વદવું !
નથી છેટું તેને, હુકમ કર : હું તત્પર, પ્રિયે !
કહેવાનું મીઠું હજી સુધી, પ્રિયે ! છે બની શક્યું,
નથી ખૂંચાવ્યો મ્હેં તુજ ઉર મહીં કંટક કદી;
ત્હને ખૂંચ્યાં એ તો કુસુમ સહુ મ્હારા હૃદયનાં,
પ્રિયે ! કેવું ભાગ્ય ! પ્રસૂન તુજને કંટક દિસ્યાં !
મશાલો પ્રીતિની તુજ જિગરની ત્હેં પણ રચી,
રુચ્યું તેની પાસે મુજ જિગરને નૃત્ય કરવું;
પરન્તુ સાચો તો પ્રણયભડકો જે સળગતાં,
પતંગોની પાંખો ઘસડી કરતો ભસ્મ સઘળી.
પ્રિયે ! એ વહ્નિમાં મુજ દિલ તણી પાંખ સળગી,
હવે ત્હારી પાસે નવ થઈ શકે નૃત્ય કરવું;
હવે તો ત્યાં છેલ્લે મુજ જીવનના શ્વાસ વહતા,
વસન્તોમાં જેથી મુજ જીવિતને પાનખર આ !
ઘણાંઓને લાવે પ્રણય સુખની માળ સઘળી,
વિનોદો જૂઠા એ સુખથી મુખ છો એ હસવતા;
મ્હને તો હર્ષોની સરણી દુઃખમાંથી જ મળતી,
સખી માટે રોતાં કંઈક હતી શાન્તિ હજુ સુધી.
પ્રિયે ! એ ચ્હેરાનું કવન કર શ્લાઘા કરી કરી,
જરા ગાજે ગાજે હજુ પણ, પ્રિયે ! સૌમ્ય સખીનું;
અરે ! છેલ્લાં સ્વપ્નો અઘટિત કહી ભૂંસીશ નહીં,
બધું તું માને તે તુજ સહ રહ્યું છો, કહીશ ના.
બગાડી ના દેજે મુજ હૃદયની મૂર્તિ મધુરી,
બૂરાઈ ત્હારે જો કથન કરવી તો દૂર જજે;
પ્રિયે ! ભક્તોની આ ઘટિત નવ કૈં આળ કરવી,
નથી સહેવાતું તો મુજ હૃદયને દૂર કર તું.
ન ઇષ્ટોની ગિલ્લા કદિ પણ સહી ભક્ત શકતાં,
પ્રિયે ! શ્રદ્ધાળુ છો સુખથી નિજ શ્રદ્ધા સહ રહે;
પ્રભુને ચ્હાજે તું, મુજ પ્રભુ નહીં કો અવર છે,
ત્હને પાષાણો તે મુજ જિગરનું જીવન ઠર્યું.
સુણે તું ત્હોયે શું ? સુણીશ નહિ ત્હોયે નવ કશું,
ઠર્યું છે મ્હારે તો તુજ પદ કને રોઈ મરવું;
પ્રભુ આ હૈયાનો તુજ ઘર મહીં વાસ કરતો,
પ્રિયે ! ભીખું તેને ગણીશ કટુ ના આ ગરજીને.
રુચે તે રીતે તું મુજ પ્રભુ તણું દાન કરજે,
બતાવે શી રીતે ગરજી વળી જે યાચક ઠર્યો ?
હું તો ઘેલો એના અધરરસનો લોલુપ સદા,
અને ચાવીતાળું અમર રસનું એ તુજ કને.
ત્હને એ મુશ્કેલી કંઈ કંઈ હશે ત્હોય પણ શું ?
કદાપિ તે દાને તુજ કર ન લાંબો થઈ શકે ?
અરે ! દાતારોની સ્થિતિ ન નિરખે યાચક કદિ,
પ્રિયે ! બીજે ભૂખ્યાં હૃદય નવ ધોખો ધરી શકે.
નહીં તું દે તો હું મુજ શિર ધરી દાદર પરે,
મરી ખાકે થાતાં રડીશ પદની ધૂળ બનતાં;
ન આવો કોઈને હજુ સુધી હશે યાચક મળ્યો;
વળી તુંથી અન્યે પ્રભુ તણી હશે લૂંટ ન કરી.
પ્રિયે ! હું જાણું છું મુજ હૃદયઇચ્છયું નહિ મળે,
છતાં ત્હારી પાસે રુદન કરવા ટેવ જ પડી;
અરે ! કિન્તુ ત્હારો કર ઉપડશે દાન કરવા,
પછી તો જાણું છું મુજ ઉર નહીં યાચક રહે.
પ્રિયે ! હું જાણું છું રુદન મુજ તુંને દુઃખ કરે,
છતાં એ રોવાનું કમનસીબ છૂપું નવ રહે;
ઘણાં સન્નિપાતે જખમી દિલ જેવા બડબડે,
ગણી તેવો જૂઠી પણ જરૂર 'હાહા' જ કરજે.
૨૪-૪-૯૭