સાકીને ઠપકો
સાકી, જે શરાબ મ્હને દીધો દિલદારને દીધો નહીં;
સાકી, જે નશો મુજને ચડ્યો દિલદારને ય ચડ્યો નહીં!
મુજ ચશ્મમાં ચરખો ફરે, કદમે બદન લથડી પડે;
દિલદાર તો મલક્યા કરે, નકી યારને પાયો નહીં!
આશક અને માશૂકને, પાવો એક જામે ને સીસે;
પાવો એક હાથે સાકીએ, ઇન્સાફ તેં કીધો નહીં!
મ્હારી ગઈ શરમે બધી, દિલદાર હુજ મહીં હજી;
ત્હારી બની ખાલી સીસી, પાવા ય ત્હેં રાખ્યો નહીં!
સરખાં બને બન્ને જરા, ત્યાં તો શરાબીની મઝા;
ઉલટી કરી ત્હેં તો સજા, નયને સનમ ખેલી નહીં!
મુજ ખૂન આ કૂદી રહે, દિલદારનું થંડું બને;
મુજને ચડે ત્યાં ઊતરે, કાંઈ મઝા આવી નહીં!
આ રાત પહેલી વસલની, માશૂકના ઇનકારની;
ત્યાં બેવકૂફી ત્હેં કરી, તુજ જામ કાં ફૂટ્યું નહીં!
ના રોશની ગાલે ચડી, જરી ના લબે સુરખી પડી;
ઘેરી બની ના આંખડી, દિલ યારનું જામ્યું નહીં!
આ પ્હોર ચાર જ રાતના, કંઈ વાયદા વીત્યે મળ્યા;
કંઈ હોંશથી જીગરે જડ્યા, તેની કદર તુંને નહીં!
ના ખેંચ આશક તો કરે, માશૂકને પાવો પડે;
ના સાકીએ પીવો ઘટે, ત્હેં કાયદો પાળ્યો નહીં!
જોઈ સનમને રૂબરૂ, ઘેલો હતો પૂરો જ હું;
પાયો ફરી, પીતોય તું, પણ યારને પાયો નહીં!
આ વાય ફજ્ર તણી હવા, મુજ રાત ફીતી મુફતમાં;
દિલદાર આ ઉઠે જવા, એ બે શુકન બોલી નહીં!
જે આવશે કો દી સનમ; તો લાવશે આહીં કદમ;
તું રાખજે ભાઈ! રહમ, ગફલત ઘટે આવી નહીં!
૪-૮-૧૮૯૯