૯-ખૂની વ્હાલા!
શિખરિણી
ખૂની વ્હાલા ! ના ના કહીશ મુજને 'માફ કરજે,'
ફરી આવી રીતે મુજ પદ મહીં તું નમીશ ના;
સખે! આવી રીતે અડ નહીં બુરાઈ નસીબની,
હશે ત્હારા ભાગ્યે જખમ કરવો નિર્મિત થયો.
'ખૂની' ને 'વ્હાલા' એ - સુખદ સૌ સંબોધન મ્હને,
નથી દેતું કૈં આ હ્રદય ઠપકો એમ વદતાં;
ખૂની તું થાતાં તો વધુ પ્રિય ત્હને હું થઈ શકું.
સખે ! એથી તો તો જરૂર વધતી કૈં નિકટતા.
મ્હને જે માર્યો તે જખમ તુજને શું નવ થયો?
ખૂની માયાળુ એ નયન તુજ ભૂલી નવ હજુ;
નકી હું જાણું છું તુજ હ્રદય જે ભાર વહતું,
અને ત્યારે એ જે ઉર તુજ થયું છેક ટૂકડા.
અરે! જોને! પ્યારા! તુજ મુખ ફર્યું આમ સઘળું!
પડી મીઠે ચ્હેરે સહન કરનારી કરચલી!
ભુલાવો દેનારૂં તુજ મુખ થયું આપ્ત જનને!
પિછાની તુંને લે કમનસીબ તો આજ નયનો!
પિછાની તુંને લે ! કંઈ પણ નવઈ નહિ જ એ,
હતાં મ્હારી સાથે પ્રભુ તરફનાં દિવ્ય સ્વપનાં;
હતી ત્હારાં અંગો સહુય કરમતાં નિરખતી,
વધુ હું જાણું છું તુજ જીગરની લ્હાય તુજથી.
સખે! બાલાઓને પૂછીશ જગમાં હું ભમી ભમી -
'ખૂની વ્હાલો તુંને હજુ સુધી મળ્યો કે નવ મળ્યો?
મળ્યો જેને એ ના -પ્રણય પણ તેણે નવ દીઠો,
ખૂની કેવું ચ્હાયે - સમજી નવ એ વિશ્વ શકતું.
વને સીતાને તું જઈ પૂછ પ્રીતિ રામઉરની,
મઝા એ પૂછી જો જખમ કરતાં ખંજર તણી;
અરે! ભોળાં! ત્હારા ઝૂલમ મહીં જે માર્દવ ભર્યો-
અજાણી તેથી તો ભગિની તુજ આ ના રહી શકે.
સદા ત્હારી બંધુ! ફરજ કરજે પૂર્ણ સઘળી,
સખે! જ્યાં વેચાયો તહીં તુજ હલાલી ભજવજે;
અરે! મ્હારા વ્હાલા! ફરજ તુજ જો એ જ હજુ એ,
રહી આ છાતી - જો! તુજ કર મહીં ખંજર રહ્યું.
ઘટે આ મ્હોં સામે નહીં નહીં જરા યે નિરખવું,
નકી આનંદે હું સહન સઘળું એ કરી શકું;
સખે ! ત્હારાં પેલાં મધુર સહુ એ ચુમ્બન હતાં,
પરંતુ આ ત્હારું મધુતર મળ્યું ખંજર હવે.
ઉછેરી જે હાથે કુસુમકલીઓ જે મહકતી,
ચુંટી તે હાથે તે કુસુમકલી માળી લઈ શકે;
પરોવી માલા તે પ્રભુઉર તણી તું પણ સખે!
અરે ! ત્રોફી દેને મુજ શિર ઉપાડી શરીરથી.
અહો ! યજ્ઞે, પ્યારા ! બલિ થઈ શક્યું તે અમર છે,
અને હોમી દેતાં પ્રભુકર મળી બાંય પકડે;
અહીં વ્હાલાંઓનો વધુ ન ઉપભોગે મધુર કો,
હસી હોમી દેને તુજ બલિ ઠર્યું હું અગર કો
હશે ત્હારા ભાગ્યે જખમ કરવો નિર્મિત થયો,
અરે! ગા હું સાથે ઉપકૃતિ હરિની મુજ ભણી;
કૃપા એની કે ના મુજ કર મહીં ખંજર ઠર્યું,
નકી બાલાઓનો પ્રભુ ય ઉપયોગે સમજતો.
વિધિની કીર્તિ તો જગત પર છે એવી જ બધે,
તહીં યોગ્યાયોગ્યે નવી જ નકી કો થાય તુલના;
મ્હને તુંને ભાસે અઘટિત અને ક્રૂર સઘળું,
તહીંની તો પ્યારા, જરૂર સહુ તે યોગ્ય કરૂણા!
સખે ! આવી રીતે રડ નહીં બુરાઈ નસીબની,
ઘટે આ રીતે ના જીવિત વહતાં કાયર થવું;
અહીં તો ખેતી છે જરૂર ફલ તો ઉપર રહ્યાં,
સુખે ના સ્હેશું કાં ક્ષણિક સહુ આ તાઢ તડકા?
ફરી આવી રીતે મુજ પદ મહીં તું નમીશ ના,
અરે! સાંભરી જો નમન તુજ તે તે દિવસનું;
અહો! એવી લ્હેરી મધુ સમયની અન્ય નવ કો,
સ્મૃતિ એ વેલાની જીવિત ધરવા શું બસ નહીં ?
હતાં કેવાં ગાત્રો ! તુજ સહુ ય આધીનમયતા
સખે! ચુંબીનાં એ તુજ નયન શાં યાચક હતાં !
હતું ત્હારૂં હૈયું પ્રથમ જ શીખ્યું પાદ નમવા !
હતી પેલી કેવી મધુર મગરૂરી ગળી જતી!
નથી ભૂલી મીઠા તુજ અધર પેલા ફરકતા,
નથી ભૂલી તે જે સમજણ પડી કંથની મને;
અહો! હું ભીરુ જે ચડી ગઈ હતી સ્વર્ગ દશમે -
નથી એ ભૂલી ને સ્મરણ તુજને ના ક્યમ દઉં?
ખૂની વ્હાલા ! ના ના કહીશ મુજને 'માફ કરજે,'
નવી છે આ વેળા તુજ કર મહીં લાડ રમવા;
રમાડી ત્યાં લેવી હજુ પણ રમાડી અહીં ય લે,
ફુલો ને ખડ્ગોમાં ફરક બહુ તો, બંધુ! નવ છે.
૧૮૯૮