નિદ્રાને
ત્હારા કૃપાઝરણમાં ગૃહ આ સૂતાં સૌ,
ત્હારી કૃપા જ ગગને શશી રેડતો આ;
જ્યાં ત્યાં રચ્યાં શયન છે પ્રભુએ ય હાવાં,
ડોલે સરો, ઉદધિ કોઈ મહાન સ્વપ્ને.
ત્હારી કૃપા મુજ પરે ય હતી જ એવી,
ના આ હતાં નયન સ્વપ્નથી ઓળખીતાં;
ત્હારૂં કર્યું નવ કર્યું સ્મરણે હજુ, ત્યાં
એ પાંખ શાન્ત મુજ ઉપર ફેલતી'તી !
ને એ મહાન વિરહી સમયો મહીં એ
તું સ્વપ્ન દેઈ વધુ કૈં મધુરી બની'તી;
તું એ મીઠાશ સહ આ ઉર જોડનારી
સ્વપ્નો લઈ અને ગઈ તું ય, રે રે !
રેતી ભરી ખરખરે મુજ નેત્ર માંહીં
એ તો કણું તું વિણ કોઈ ન કાઢનારૂં;
આ અગ્નિથી ઉર હવે મુજ ખાક થાતું;
છેલ્લેય આવીશ ન શું જલ છાંટવાને ?
જ્યારે મ્હને નયન ઊઘડતાં રુચે ના,
જ્યારે વહે જગત દાહ સમું દિસે આ,
તુંમાં જ આખર હવે મુજ આશ જ્યારે,
ત્યારે જ તું ત્યજી ગઈ તુજ યાચનારો !
તું એકથી જ જગ આ કંઈ ગોઠતું'તું,
તું એકથી જ ઉર દર્દ ન ગાંઠતું'તું;
તું એકલી જ નયનો હતી લૂછનારી !
તે તું ગઈ વ્રણ સહુય સમારનારી !
ત્યારે પ્રભાત મુજને કવિતા ધરીને
કોઈ મૃદુ રુદનમાં ગવરાવતું 'તું;
એ એકલો પ્રહર મિત્ર હતો ઉરે આ,
તેને ય ત્હેં દિવસના વિષમાં મિલાવ્યો !
હાવાં શુકો, અનિલ, પુષ્પ, ઝરા, ફુવારા,
જે ગાય ગાન તુજ સોડથી નિકળીને;
ત્હારી કૃપા વગર તે સમજી શકું ના,
ત્હારી કૃપા વગર તે બસુરૂં તમામ !
જ્યારે બધા જખમીઓ જખમો વિસારી
નેત્રો મીચી મલમની પરવા કરે ના,
ત્યારે હું ઔષધ બધાં ઠલવી ય દેતાં
આ એકલો અહીં તહીં તડફ્યા કરૂં છું !
જે સૌ ગયાં પ્રણયી એક જ પાઠ આપી
તેને જ પૂર્ણ શિખવી ગઈ તું ય કે શું ?
'દાવા ન હોય જગમાં કશી એ કૃપાના.
'પ્રીતિ, દયા, ક્ષણિક એ સહુ મહેરબાની.'
૨-૧-૯૮