સનમને
યારી ગુલામી શું કરું તારી? સનમ!
ગાલે ચૂમું કે પ્હાનીએ તુંને? સનમ!
તું આવતાં ચશ્મે જિગર મારું ભરે,
જાતાં મગર શું શું કરી રોકું? સનમ!
તું ઇશ્ક છે, યા મહેરબાની, યા રહમ?
હસતાં ઝરે મોતી લબે તે શું? સનમ!
મેંદી કદમની જોઈ ના પૂરી કદી;
આવી ન આવી એમ શું થાતી? સનમ!
તારી સવારી ફૂલની ક્યાં ક્યાં ફરે?
તેનો બનું ભમરો બની શું શું? સનમ!
જાણે વિંટાઈ ઝુલ્ફમાં છૂપી રહું!
તાકાત ના દીદારમાં રહેતી, સનમ!
છે દિલ્લગીનો શોખ કે તુંને નહીં?
તો આમ કાં? કાં બોલ ના આવી? સનમ!
જોઈ ત્હને આંખો નકામી આ બધે,
ફોડી દઉં પૂરી ત્હને આંખે? સનમ!
આ ચશ્મની તુંને ચદર ખૂંચે નકી,
કોને બિછાને તું સદા પોઢે? સનમ!
આપું જિગર ત્હોયે ન તું ત્યાં શું ત્હને?
માલેક આલમના જિગરની તું, સનમ!
તુંને કહું હું યાર તો ગુસ્સે નહીં;
ત્હોયે હસે છે દૂરની દૂરે! સનમ!
તુંને કહું ખાવિન્દ તો રીઝે નહીં!
ત્યાંયે હસે તું દૂરની દૂરે! સનમ!
૪-૮-૧૮૯૯