કોણ પરવાર્યું
અહીં દરવિશ બધા બુઝરગ ખુદાના ઇશ્કખાનામાં
મગર એવી સફેદીથી જુવાની કોણ પરવાર્યું ?
અહીં બદલી બધું જાતું : જિગરનાં ચશ્મ ને ચશ્માં !
મગર છે વસ્લ એ, રે રે ! સનમથી કોણ પરવાર્યું ?
અહીં માશૂક ના દેતી, કદી દે તે નહીં પૂરું !
મગર એ ભીખ માગીને ભીખારી કોણ પરવાર્યું ?
અહીંના આશકો સુરમે કરે છે ગાલને કાળા !
મગર માશૂકની સુરખી રડીને કોણ પરવાર્યું ?
અહીં પ્રત્યેક દાણા પર છુપ્યાં ખાનારનાં નામો !
મગર પરવા પરાઈથી, અરેરે ! કોણ પરવાર્યું ?
અહીં હરગિઝ છે દર્દે પરેશાની પરેશાની !
અગર દર્દી જિગર દર્દે લઈ દમ કોણ પરવાર્યું ?
અહીં ખ્વાબો મળે રાતે: બધાં અન્ધારમાં જાતાં !
મગર અફસોસ દી આખો કરીને કોણ પરવાર્યું ?
અહીં અડતું નહીં સીધું દિલે કો એક પણ ખંજર !
મગર નીચોવતાં લોહી તડફતાં કોણ પરવાર્યું ?
અહીં સઘળા ખતમ થાતા નશા બેચેનીમાં નાખી !
મગર એવા શરાબોને ભરી પી કોણ પરવાર્યું ?
અહીં દાનાઈનું પ્યાલું રહ્યું બસ મોતને હાથે !
મગર આ ઝિન્દગાનીની મુરાદે કોણ પરવાર્યું ?
અહીંના આ ફકીરોની કદી ઝોળી નહીં થંડી !
મગર એ ખાકમાં દાઝી ફકીરી કોણ પરવાર્યું ?
અહીં ફિટકાર છે લાઝિમ બધી આ પાયમાલીને !
મગર લાનત સદા હિઝરાઈ લેતાં કોણ પરવાર્યું ?
૧૭-૧૧-૯૭