ભાવના અને વિશ્વ
ઉર ઠલવવા શોધી કાઢ્યાં સખા, લલના, અને
ઉર ઠલવવા શોધ્યાં પુષ્પો ઝરા, તરુઓ વને;
ઉર ઠલવવા પાળ્યાં પંખી, સુણ્યાં મૃદુ ગાયનો,
ઉર ઠલવવું એ તો ક્યાંયે બન્યું જ નહીં, અહો !
અહીં તહીં બધી લીલા લૂખી જહીં નવ એ બન્યું,
જગત સઘળું નીલું ના ના વસન્ત મહીં ગમ્યું;
રમણીયપણું આ સંસારે અતૃપ્ત બધું દિસે,
જગત ઉપરે સ્વપ્ને કોઈ ઠર્યું ન ખરૂં દિસે.
કમલકલીએ ભોગી ભૃંગો લપી શમણે ઢળ્યા,
કમલદલના મીઠાં સ્વપ્ને અનેક રમી રહ્યા;
કમલવનમાં ઉગ્યે ભાનુ ફરી ફરતા બન્યા,
પણ ગણગણી રોવાથી ત્યાં અધિક નથી ઠર્યા.
રવિ નવ ઉગે દ્હાડે જે ત્યાં હતો રજની મહીં,
ઝરણ ધરતાં લાલી સ્વપ્ને ધરે નવ તે અહીં;
હૃદય ઠલવ્યું ઝીલી લેવા હતો કર કોઈ ત્યાં,
નયન ઉઘડ્યું, ખોવાયો એ ભળી જઈ વ્યોમમાં.
જગત સઘળું ઘૂમી શોધ્યું, ફરી ન કદી મળે !
મધુર કર એ વિશ્વે પાછો ફરી ન કદી ઢળે !
નયન ઉઘડ્યું, ને બેતાલું બસૂર બધું બન્યું !
નયન ઉઘડ્યું, વંઠ્યું મીઠું રહ્યું કટુ આંસુડું !
નયન નિરખી રોવા લાગે અહીં સહુ સ્થૂલતા,
રમત રમતાં લાવણ્યે એ સુસૌષ્ઠવહીનતા;
અમર રસનાં બીબાં આવાં બધાં વરવાં, અરે !
ઝળહળ થતું તેની છાપો મલિન અહીં પડે !
અધર લલના મીઠો મીઠો ધરે અધર ભલે,
કુમકુમ ભરી હાથેલીથી જડે ઉરથી ભલે;
સ્તનતટ પરે રોમાંચોનાં ભલે વન ઊગતાં,
પરિશ્રમભર્યા સ્વેદે છિદ્રો ભલે સહુ ઉઘડ્યાં.
પણ રસ મહીં એવાંથી એ પ્રવેશ નહીં મળે,
કંઈક રડવું મ્હારે, તેને, રહ્યું જ રહ્યું ખરે;
હૃદય ધડક્યાં, બોલ્યાં, ગાયાં, રડ્યાં, બથમાં ભર્યાં,
પણ રસ તણાં ખુલ્લાં નેત્રે ન દર્શન સાંપડ્યાં !
શરીરપટનાં આત્મા માટે ન આવરણો ઘટે,
રસમય થતા આડા સ્થૂલો તણા પડદા ચડે;
જગત સઘળું ન્હાનું ન્હાનું અનન્ત વિહારને,
પણ રમતમાં ટૂંકી વાડે દડા અટકી પડે.
સ્થલસમયને છોડી ક્યાં એ ન દેહ ઉડી શકે,
ફડફડ થતી પાંખો માટે ન દ્વાર મળી શકે;
અમર રસને એથી બીજો ન વાહક વા મળે,
નવ અહીં મળે સ્વપ્ને છે તે અખંડિત ના રહે.
હૃદય ઠલવી ત્હોયે ક્યાં ક્યાં જતાં જન બાપડાં,
હૃદય ઠલવ્યું ત્યાં ત્યાં ભાસે બન્યાં સપનાં ખરાં;
હૃદય રમતું આહ્લાદોમાં ઘડી વિષમાં ચડી,
અમર રસની જાણે લ્હેરી તહીં જ થતી ખડી.
અધર લલના દે ત્યાં ભાસે અનન્ત સુવાસ કો,
સ્તનતટ તણી ગાદી ભાસે અભંગ કુમાસ કો;
નયનઝરણે જાદુ ભાસે અખંડ નવીનતા,
અલક અલકે ઝાંખી દેતાં પ્રભુત્વ નવાં નવાં.
કલમ લઈને જાણે એને સદા ચિતર્યા કરૂં,
કવિત લવતાં જાણે એને સદા ય કથ્યા કરૂં;
પણ ત્રુટિત એ ! ત્હોયે મીઠી તહીં રસધાર છે,
અમર રસનાં એવાં બિન્દુ અહીં ઉપકાર છે.
પણ અમરતા વિશ્વે સ્થૂલે કદી નવ સમ્ભવે,
ચપલ પલમાં આત્માને ના કશીય મજા મળે;
સ્મિત અહીં કરો તો તો જૂની સ્મૃતિ વિસરી જશો,
સ્મરણ ધરતાં રોવું એમાં ન અન્ય ઇલાજ કો.
ભ્રમર કમલે બીડાતા છો અને ઉડતા ભલે
અનિલલહરી પુષ્પોનું કૈં ભલે ગ્રહવા મથે;
ક્ષણિક શમણે લે સૌ લ્હેરો ભલે ઉપભોગની,
રસમય થવું શારીરીને બને જ બને નહીં.
ઉર ઠલવવા ખાલી ઢુંઢ્યાં સખા, લલના, અને
ઉર ઠલવવા ખાલી શોધ્યાં ઝરા, તરુઓ વને;
ઉર ઠલવવા પાળ્યાં પંખી - બધાં જ વૃથા નકી,
ઉર ઠલવવું - એ તો ક્યાંયે મળે જ મળે નહીં !
૨૭-૧૨-૯૭