પ્રથમ નિરાશા
આશાની પીડા વીતી છે !
અશ્રુધારા ના વીતી છે !
કાળમુખે જાવા પ્રીતિ છે !
વીતી છે તે વીતી છે !
આશાના વ્રણ હાવાં ભાવે !
ક્ણ ફરી ક્યાંથી એ લાવે !
આશા કોણે કાં લૂંટી'તી ?
કોણ જાણતું, શું વીતી'તી ?
આશા તો આ ઉરને નડતી !
કોઈ અન્યને એ તો રડતી !
કોઈ કોઈ દી તમ પદમાં તો !
વ્હાલાં ! પુષ્પ બની પડતી'તી !
પીડા તો પીડા એ મ્હારી !
કાંઈ નથી તેથી તો સારી !
વીતી છે વીતી છે એ તો
મીઠી લાચારી !
હાવાં આંસુ એ ના ઉન્હાં !
રોવાનાં ગીતો એ સૂનાં !
ઉષ્મા જીવનની વીતી છે !
મોત તણી ઠંડી જીતી છે !
હૈયે શ્વાસો ત્હોયે ફરે આ !
કંઠ મહીં નિશ્વાસ તરે આ
વ્હાલાં ! કાષ્ટ બળ્યું આ જીવે !
શું વીતી ? શું ના વીતી છે ?
૧-૫-૯૮