છેલ્લી જફા
જફાથી ક્યાં સુધી આખર જિગર આ ન્હાસશે દૂરે ?
જફા કાજે જિગર છે આ ! જિગર કાજે જફા છે એ !
જફા આ એકમાં જાતાં જફા લાખો ઉડી જાશે !
મગર કો બેજફા બિલકુલ જહાંમાં ના થયું થાશે !
મુસાફર ઝિન્દગાનીનો જફાના નાવમાં ચાલે !
પ્રતિ પગ સાહસે ભરવો, રદી વ્હે યા ભલે મ્હાલે !
જફા છેલ્લી, જવું ડૂબી ! મગર દરિયાવ ખારો છે !
થવાને બેજફા કિન્તુ મ્હને એ દાવ પ્યારો છે !
જફા દુનિયા ! જફા પ્રીતિ ! જફા આ મોતનું પ્યાલું !
જફાની તો જફાના કાં હવે ના પન્થમાં ચાલુ !
જફા ન્હાની તણાં ઝુંડો સહેતાં શી બડાઈ છે ?
મગર આ મોતની છેલ્લી જફા તો કો હવાઈ છે !
લઈ સમશેર ઊભું ? યા દઉં સમશેર સીનામાં ?
સમારૂં નાવ તૂટેલું ? અરે ! તેને ડુબાવું યા ?
સમારૂં તો નથી સાંધો ! નથી દરિયાવનો આરો !
ડૂબી જાતાં તળું છે ક્યાં ? કહીં મીઠાશનો ક્યારો ?
સમારૂં ના ડુબાવું ના ! જહીં ખેંચાઉ ત્યાં જાવું !
નહીં જ્યાં નાવ ચાલે ત્યાં જતાં ડૂબી નથી ગાવું !
ડુબાવાનો ય કો કાલે જશે એ વખ્ત આવી જો,
બહુ એ વાત ટૂંકી છે ! સુખે દેશું ડુબાવી તો ?
હશે બંદૂકના પડઘા થયા ના શાન્ત આકાશે;
જિગરના આ બધા ધડકા તહીં પૂરા થઈ જાશે !
જફા ને, ને સનમ ને, ને સનમની ક્રૂરતા ને, ને
જહાંને આપતા જાશું સલામી આંસુની છેલ્લી !
૨૮-૯-૯૭