પ્રભુ-અનાલાપી ગાન
પ્રભુ શું તે આંહી જગત પર છે કોણ કથવા?
કહીં છે જે તેનું સમજી સ્ફુટ નામે દઈ શકે?
'મ્હને તેમાં શ્રદ્ધા,' સમજી નિજ એ બોલ વદવા
કહી ના જ્ઞાની એ કદિ પણ હશે હિમ્મત કરી ?
પરન્તુ પોતાના ઉર પર બલાત્કાર કરતો -
દબાવી મારીને કચરી નિજ અંત:કરણને -
કુહાડીથી હૈયું , રુધિર સઘળું પત્થર કરી -
હશે ક્યાં ક્હેનારો જગત પર, 'શ્રદ્ધા નહિ મ્હને'?
સદા ધાતા, દાતા, સહુમય અને એક જ સદા -
કહે - તે શું તુંને, મુજ ગરીબને ના ધરી રહ્યો?
કહે - તે શું તુંમાં મુજ ગરીબમાં ના રમી રહ્યો?
અને સૌનો તેવો નિજ પણ ન શું એ બની રહ્યો?
અહો! પેલું ભૂરૂં ગગન નથી શું ગોળ સરખું ?
ન શું હું ઉભો તે સહનશીલ અક્ષુબ્ધ ધરતી?
સ્મિતાળા તે કેવા ચકમક થતા આપણ પરે
નિશાની ક્રીડાના ચકર ફરવા રક્ષક રમે!
ન શું હું ત્હારાં આ નયનઅરવિન્દે નયનને
મિલાવી ઉભો રહું ને નહિ શું રસનો દોર વણતો?
ન શું મ્હારૂં હૈયું કબૂલ કરતું આ પ્રતિ પલે -
'મ્હને હું જેવામાં દર્શન થતું કો ગહનનું'?
અને દૃશ્યાદૃશ્ય પ્રતિ અણુ નિગૂઢાર્થ સઘળું,
બધું પાસે તુંમાં શ્રમરહિત કો કારણ સમું,
નથી શું એ તુંને, તુજ હ્રદય, આત્મા, જીવિતને,
ચડાવી વંટોળે અગર દબવી કાંઈ કરતું ?
સુખભિજ્ઞામાં કો અવર સઘળું ભાન વિસરી
ભરી તેથી લેને તુજ જીગર પૂરૂં છલકતું:
પછી તેને ક્હેજે, 'પ્રણય'! 'પ્રભુ' ! 'હૈયું'! 'સુખ'! અને
ક્હેજે ઇચ્છે તે અગર મુખમાં જે ચડી ગયું.
નથી તેને માટે મુજ મગજમાં નામ વદવા,
અનાલાપી ગાણું, જગત! પ્રભુ! એ લાગણી બધું !
ધ્વનિ, નામો, ગાણાં - અવર સઘળાં ધૂમ્ર સરખાં
દ્યુતિ તેનીને સૌ મલિન નિમિતે ઝાંખપ ધરે.
અભિવ્યાપ્તિમાં આ પ્રતિ ઉર અને તે પ્રતિ સ્થળે
રુચે તે ઉક્તિમાં પલ જ પલ તેની કથી રહ્યાં;
કહે મ્હારી ભાષા પછી ક્યમ કવે ના નિજ રુચ્યું?
વિના ક્હેતાં ક્હેવા અગર નવ કાં મૌન જ રહું?
૧૨-૨-૧૮૯૯