દિલને દિલાસો
વનેથી એ સીતા તુજ તરફ પાછી જ ફરશે
અરે ! જેનો ચ્હેરો ઘડીક છુપી ચાલ્યો ! રડીશ ના !
હવે ના રોજે-હો ! સહુ દુઃખ તણા વાસ મહીં એ-
સૂકેલી ભૂમિથી હજુ પણ ફુલો એ નિકળશે.
અને છૂપા દર્દે હૃદય વ્રણમાં જે ઢળી પડ્યું -
તૂટેલા હૈયા રે ! સુખ ફરી ત્હને હાથ ધરશે !
પ્રભુ ! શાન્તિ હોજો ક્ષુભિત ઉરને ! તું રડીશ ના !
રડે તો કોને ના ! તુજ સમ બહુ ના ગત થયું !
હવે ના રોજે તું ! મધુ સમય ત્હારા જીવિતનો
હજુ ફૂટી નીલો તુજ ગૃહ તણો બાગ રચશે !
અને પાળેલાં એ તુજ ચમનનાં પંખી સઘળાં
શિરે પુષ્પોનાં એ પડ પર પડો કૈંક ધરશે !
નહીં છૂપી ચાવી પ્રભુકર તણી તું લઈ શકે,
છતાં પ્રીતિથી છો ઝગમગ થતી એ જવનિકા !
પ્રભુ રોનારાંને રુદન કરવાનું જ ધરતો !
અરે ! રો ના ! આશા તુજ જિગરમાં છો પ્રકટતી !
જશે આ દ્હાડો ને ગત પણ થશે કાલ, અથવા !
હશે ત્હારો વારો હજુ પણ જરા દૂર અધિકો !
ફરન્તા ચક્રે આ તુજ ઉરરચ્યું પ્રાપ્ત બનશે !
અરે ! રો ના, હૈયા ! તુજ સહુ અધીરાઈ અમથી !
સુવર્ણી થાશે એ રવિ તુજ કદિ કિસ્મત તણો,
બધાં કાળાં પાનાં ઉપર નવ બાજી હરિ તણી;
ધરે ધીમે ધીમે ઝુલમગરના ઝુલ્મ સ્થિરતા,
બધા નીલા કાંટા કુસુમ ધરતા ! તું રડીશ ના !
અહો ! યાત્રાલુ ! તું ક્ષિતિજ પર તો દૃષ્ટિ કરજે !
રડે છે શાને તું ? મૃગજલ બધે હોય નહિ - હો !
સુનેરી રેતીની મધુર ખુશબો માનસરની
નથી શું ત્હારૂં આ મગજ તર આખુંય કરતી !
વૃથા કાંટા ત્હારા ઉર પર કરે છે ઉઝરડા !
અહો ! હાવાં તો આ ફૂટતી કલી ને મોર ટહુકે !
પ્રભુ ઠારો ત્હારૂં ધગધગ થતું રક્ત સઘળું !
બહુ છે જોવાનું ! નયન નવ ફોડીશ રડતાં !
બધી વેળા જો કે તુજ જીવિતનો મ્હેલ ડગતો
અને ચોપાસે આ મરણનદ મોટો ઘુઘવતો;
રહે છાનું રો ના ! જલ ઉપર નૌકા તરી શકે,
કિનારે ઉચ્છેલે અનિલ શઢ ત્હારો લઈ જશે.
ખરૂં છે કે - પાસે નહિ નહિ જ કો બન્દર દિસે,
ખરૂં છે કે - જંગી ગડગડ થતા લોઢ ઉછળે;
બધી લ્હેરી કિન્તુ ઘસડી વહતી એક જ સ્થળે,
જહીં બોજો ફેંકી થઈશ તું હલકું તું રડીશ ના !
ખરૂં ! ત્હારાં મિત્રો તુજ જિગરની કાતર બન્યાં !
ખરૂં ! ત્હારી સૂકી રસહીણ થઈ આ ઝૂંપડી એ !
ખરૂં ! તું વંટોળે ગગન ચડવા તત્પર થયું !
પડ્યું વારે વારે શિથિલ સઘળા આ અવયવો !
રહે છાનું ! એ તો વિભુઉર તણું ઇચ્છિત બન્યું !
રહે છાનું ! ના ના ઘટિત નબળાઈ પ્રકટવી !
જનોને જૂઠું આ રુદન તુજ ભાસી હસવતું !
ખરૂં તો ના ફાટે ક્યમ હજુ સુધી ? તું રડીશ ના !
બધાં પ્રેમી અશ્રુ પ્રભુ ઉપર બેઠો ગણી રહ્યો !
ન રો ! એને દર્દી સહુ જિગરની જાણ સઘળી !
સુણાઈ ત્હારી એ કતલ દિલની માંદગી બધી !
દવા દેશે ! રો ના ! અકસીર તહીં ઔષધિ બને !
હવે દે ગીતાનું તુજ હૃદયને ગાન કરવા !
ઘડી લે એનાથી સહુય તુજ સંસાર સવળો !
ન રોજે ! મ્હારૂં તું પણ કદિ મ્હને પૂછીશ નહીં !
પરન્તુ રોતાં તું મુજ મન તણી વાત કરતું !
'સુવર્ણે આજે તો રુદન કરતાં પત્થર જડું !
'કયે દ્હાડે કિન્તુ જરૂર જડશે કોણ હિરલા ?'
કહું છું હું એ તે સુખથી કથજે તું પણ ભલે !
છતાં રોઈ શાને કવન કરવું ? તું રડીશ ના.
૨૬-૪-૯૮