શરાબનો ઇનકાર
આવું, કહો ! ક્યાં એકલો ? આશક જહાં થાતી નથી;
પ્યાલું ભર્યું આ : ના કદર ! પીવા જહાં પ્યાસી નથી.
છે પ્યાસ, છે શોખે અને છે આ જિગરને મહોબતે;
મીઠું ભર્યુંજામે, મગર હા ! સોબતી પીવા નથી,
નૂરે જુદાઈમાં તમે, સાકી, શરાબી ને સનમ;
સોબતે હમારી આલમે, આલમ ચડી ઇશ્કે નથી.
બેઇશ્ક શું જાણે શરાબી યા શરાબીની મઝા?
બેઇશ્કથી જૂની મહોબત તૂટતી આજે નથી.
આલમ, પિદર, માદર, બિરાદર, દોસ્તો ને શું શું નહીં?
ગફલતે તેને સુવારી જામ પીવાતું નથી.
આ જામ પર લાખો જહાં કુરબાન તો કરવી ઘટે;
તો યે સગાઈના હકે એ પેશકદમી ના થતી.
પીવાડવું જો ના બને, પીવું પછી ચોરી કરી;
આલમ રડે, હું ક્યાંહસું? એ ખૂન જોવાતું નથી.
સોબત વિના કેવી શરાબી? શી ખુમારી એકલાં?
આ જામ પ્યારું ઝિન્દગીથી તો ય ચૂમાતું નથી.
પ્યાલું જરી પીતાં જિગરથી આ જહાં છૂટો પડે;
પીનાર પી પી જાય તો આલમ તણું કોઈ નથી.
પ્યાલું ધરૂં જ્યાં હું લબે, આલમ પુકારી ઊઠતી,
ઝાડો, ઝરા, ફૂલો રડે, આંસુ સહાતાં એ નથી.
છો પ્યારથી આવ્યાં અહીં, આફત ન આ ધારી હશે;
નાઉમેદીની હવે માફી મગાતી એ નથી.
સાકી ! સનમ ! પાછાં ફરો, ઠેલું તમારા હાથને;
ઇશ્કે જહાંમાં ઇશ્કનું આ જામ લેવાતું નથી?
તો યે, સનમ ! સાકી !હમારી રાહ તો જોજો જરૂર:
પીધા વિના આ જામને, રાહત નથી, ચેને નથી.
તાઝિમોથી, ઇશ્કથી, લાખો ખુશામદથી અગર-
જાઉં જહાંને લાવવા, તો ત્યાં મઝા એને નથી.
આશક થઈ પ્યાસી હશે આલમ તમારી એક દી:
સાથે લઈ પીશું શરાબી, હુજ ત્યાં પીવા નથી.