પ્રેમમાં ક્રૂર દોરો
જગતમાં બદલો સમજ્યા વિના
પ્રણય ના ચિરકાલ ટકી શકે !
પ્રણયમાં બદલો સમજ્યા વિના
હૃદય ક્રૂર જ ક્રૂર બની શકે !
અને આ પ્રીતિને તુજ નયન જોઇ નવ શક્યા,
જરા સ્પર્શી હૈયે નયન મુજ આ દૂર જ પળ્યાં;
ન જાણે તું કેવું મુજ જિગર આ છે સળગતું,
કદાપિ તેં માન્યું મુજ હૃદયને વજ્ર સરખું.
અરેરે ! ક્યાં સુધી રુદન કરતી તું રહી શકે ?
અરેરે ! ક્યાં સુધી મુજ તરફ હૈયું ઢળી શકે ?
યુગો કૈં કષ્ટોના - મદદ તુજને ત્યાં નવ મળી !
વૃથા ત્હારી આંખો મુજ તરફ આશામય મળી ?
હવે ઊંચા શ્વાસો તુજ ઉર મહીં દાહ ભરતા,
હશે તેની ઝાળે શશીરવિ તહીં એ થરરતાઃ
હશે એવાં એવાં તુજ ઉર મહીં કૈં થઇ ગયાં;
હશે અંગે અંગો મદદ મુજ માગી ઢળી રહ્યાં;
હશે ઊંચે નીચે સહુ ય દિશ ત્હારૂં મુખ ફર્યું,
અરેરે ! કો વાક્યે મદદ કરનારૂં નવ સુણ્યું;
છૂરી ઉપાડીને તુજ કર હશે ત્યાં વિરમતો,
હજી મ્હારે માટે જીવિત ધરવા તું મથી હશે.
કેવો મ્હને મધુર ત્યાં ઠપકો દઇને
છૂરી હશે મરણની દૂર ફેંકતી તું !
શ્રધ્ધા હશે અડગ ત્યાં ઉછળી રહી શી,
એ દૂર દૂર દિસતા પ્રણયી મહીં આ !
કેવો ત્હને જ મધુરો ઠપકો દઇ તું
રોઈ હશે અરર ! એ નબળાઈ માટે !
કેવું હશે, અરર ! એ તલફી રહેવું !
ના જીવ જાય ! નવ જીવ રહી શકે વા !
વીણાસ્વરે રસ મહીં મૃગલી ચડેલી,
રે પારધીશર વતી જખમી બનેલી,
ચાટી જતાં ય નિજ શોણિત કાળજાનું,
ત્હારા સમી તૃષિત એ તલફી હશે ના !
ત્યારે ફરી ફરી વળી ઉર બૂમ પાડી
ધાર્યું હશે શિથિલ આશ બધી ઉપાડી;
ઉડી ઉડી કબૂતરી કદી એક પાંખે -
રે રે ! પ્રભુ ઉઝરડાઈ હશે પડેલી!
અરે ! અરેરે ! મુજ ક્લ્પનાઓ
એવી હતી ને જળતો હતો હું;
અરે ! અરેરે ! મુજ પાસ કાંઈ
કિન્તુ હતું ના તુજ દાહ માટે.
ત્હેં તો અરે ! વારિ જ વારિ યાચ્યું,
સુધા હતું મ્હેં તુજ કાજ શોધ્યું !
સુધા ઢળ્યું વારિ મળ્યું ન તુંને,
તું પોલ રૂનો થઇ ભસ્મ રે રે !
સુધા ઢળ્યું તે કર કોઈનાથી,
એ હસ્ત કો પામર માનવીનો;
'હોજો હરિ તું પર, બાપુ ! રાજી.'
એથી બીજું પામરને જહું શું ?
એ હસ્તની વાત હવે કરૂં ના,
એ ક્રૂરતાને પણ વિસરૂં ના;
ભૂલું, ન ભૂલું, થઈ તો ગયું એ,
ફીટી પડ્યા સુન્દર સૌ બગીચા !
હવે નવું કૈં દિલ માનતું થયું,
વિચારતાં શું ય છતાં થઈ જતું !
અરે ! અરે ! ક્રૂર વધુ બનું રખે !
ત્હને હજુ દાહ વધુ દઉં રખે !
હતી ન એ સૌ પણ માત્ર કલ્પના,
સદાય જોઈ તુજ ઉર હું શક્યો;
સદૈવ સાક્ષી મન પૂરતું મ્હને,
હજુય શ્રદ્ધા મુજને તહીં રહે.
ધિક્કારન્તી મધુર લલના ! આજ છે શું મ્હને તું ?
ઓહો ! એથી ઘટિત અધિકું હોય શું વિશ્વમાં આ ?
ધિક્કારોને પ્રણયથી વધુ યોગ્ય હૈયું નકી આ,
ધિક્કારે તું ! નહિ નહિ કશું ન્યાયથી એ વિશેષ.
ધિક્કારે તું ! પ્રણયરસમાં ન્યાયની વાત કેવી ?
ધિક્કારે તું ઉચિત સહુ એ પ્રેમને એ નહીં કાં ?
થાકી થાકી પ્રણય કટુથી શાન્ત કાંઈક થાવા
ધિક્કારોમાં તુજ જિગરને યોગ્ય આરામ લેવો.
એ ધિક્કારો તુજ હૃદયનાં દર્દ કેવાં પવિત્ર ?
એ ધિક્કારો મુજ હૃદયની ક્રૂરતાનું જ ગાન !
એ મ્હોં ! એ મ્હોં ! મધુર કુમળું આજ કેવું ફરેલું !
ઓહો ! એવો હૃદયપલટો દર્દ લાખો પુકારે !
ઓહો ! એવો હૃદયપલટો સ્હેલ ના વાત કાંઈ,
ઘીમે ધીમે મૃદુ કુસુમ જ્યાં વજ્રનું વજ્ર થાતું;
ધીમે ધીમે નયન કુમળાં આગ રોવા શીખે જ્યાં;
ધીમે ધીમે અસુર બનવું દેવને જ્યાં ગમે છે !
આ હૈયાને અનુભવ નહીં પ્રેમમાં એ નશાનો,
એ સીમાની ઉપર ઉર આ કોઇ કાલે ન પ્હોંચ્યું;
વ્હાલી ! વ્હાલી ! તુજ દરદને કલ્પવા હું અશક્ત,
તું છે ત્યાં ત્યાં આ ઉર ફડફડી પ્હોંચવાને અશક્ત.
ત્હારા જેવી મુજ હૃદયની ઉગ્ર પ્રીતિ હશે ના,
ત્હારા જેવું સહન કરવું તીવ્ર પામ્યો ન હું વા,
ત્હારા જેવું જિગર કુમળું ન્હોય મ્હારૂં, નહીં તો
ધિક્કારોમાં મુજ હૃદયને ડૂબવ્યું હોત મેં એ !
ઓહો ! કેવું મધુ સુખ હશે પ્રેમ ધિક્કાર થાતાં !
ઓહો કેવું મધુ સુખ હશે ત્યાગતાં સર્વ આશા !
પ્રીતિ અન્તે મરણ અથવા ક્રૂરતા કે નિરાશા;
એથી બીજી જગત ઉપરે હોય તે લ્હાણ કેવી!
એ ધિક્કારે તુજ હૃદયને લેઇ જાનાર પ્રાણી,
એ છૂરીને ગરદન ધરી શીર્ષ સોંપી દઉં હુઃ
જાણું છું હું પણ નકી નકી કાલ એ આવતાં તો
એ છૂરી, એ હૃદય, કર એ ચાલ્શે નીર થાતાં!
કતલ જે કરવા કર ઉપડ્યો,
કુસુમ તે લઇને જ સદા ઢળ્યો !
જગતમાં પ્રણયી પ્રણયી સદા,
પ્રણયમાં ટકતી નવ ક્રૂરતા.
૧-૧-૯૮