આ દિવસ ની વાત કરીયે તો આજે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે એટલે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ છે. દુનિયાના દરેક વ્યક્તિને પુરતુ ભોજન મળે અને ખાદ્ય ચીજોના બગાડને રોકવા અને સુરક્ષા માટે વર્ષ 2019થી આ દિવસ ઉજવાય છે.
યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 20 ડિસેમ્બર 2018 ના રોજ ફૂડ સેફ્ટી ડે ઉજવવાનું નક્કી કર્યું, તારીખ 7 જૂન નક્કી કરી. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને સલામત ખોરાક ના વિવિધ ફાયદાઓ સમજાવી શકાય તેવો છે. 7 જૂન 2019 ના રોજ વિશ્વભરમાં પ્રથમ વખ ત વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી, દર વર્ષે આ દિવસની ઉજવણીની પ્રક્રિયા શરૂ થઈ.
આ વર્ષની થીમ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દર વર્ષે આ ખાસ દિવસની થીમ નક્કી કરે છે. વર્ષ 2023ની થીમ એટલે કે વર્તમાન વર્ષ માટે, 'ફૂડ સ્ટાન્ડર્ડ્સ સેવ લાઈફ' છે. આ થીમ દ્વારા લોકોએ ખોરાક માટે નક્કી કરેલા ધોરણોનું મહત્વ સમજવું પડશે. ગયા વર્ષે એટલે કે વર્ષ 2022 માટે આ થીમ સેફ ફૂડ બેટર હેલ્થ હતી.
શા માટે જરૂર હતી ?
આ દિવસની ઉજવણી કરીને લોકોને જણાવવું જરૂરી માનવામાં આવ્યું હતું કે ખોરાકજન્ય રોગો લોકો માટે કેવી રીતે ખતરો બની રહ્યા છે. દર વર્ષે ખોરાકજન્ય રોગોના 600 મિલિયન કેસ છે. જેમાંથી લગભગ 420000 લોકો મોતનો શિકાર પણ બને છે. દૂષિત અથવા અસુરક્ષિત ખોરાકના વધતા જોખમને ધ્યાનમાં રાખીને, વિશ્વ આરોગ્ય સંસ્થા, ખાદ્ય અને કૃષિ સંગઠન અને સંયુક્ત રાષ્ટ્રએ આ દિવસની ઉજવણી કરવાનો સંયુક્ત નિર્ણય લીધો.
હેતુ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અનુસાર, દૂષિત ખોરાકને કારણે દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે. સૌથી મોટી તકલીફ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઊભી થાય છે કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ ખૂબ નબળી હોય છે. આવી સ્થિતિમાં લોકોને ખાદ્યપદાર્થો વિશે જાગૃત કરવું ખૂબ જ જરૂરી છે. આ હેતુ સાથે, દર વર્ષે WHO અને ખાદ્ય અને કૃષિ સંગઠન સાથે મળીને આ દિવસની ઉજવણી કરે છે.
પડકાર
વાસ્તવિકતા એ છે કે આપણે વિકાસના અન્ય પાસાઓમાં એટલા બધા ગુંચવાઈ ગયા છીએ કે આપણે આપણી મૂળભૂત જરૂરિયાતો પ્રત્યે ગંભીર નથી. પીવાના પાણીના વ્યવસ્થાપનની વાત હોય કે ખાદ્ય પુરવઠાની કે તેની સુરક્ષાની વાત હોય, આપણે ક્યારેય એ વાત પર ભાર મૂક્યો નથી કે આ પડકારો સાથે આપણું વિકાસ કાર્ય ચાલવું જોઈએ. આપણે બધાએ સમજવું પડશે કે ખાદ્ય સુરક્ષા એ સરકાર, ઉત્પાદકો અને ગ્રાહકોની સહિયારી જવાબદારી છે. ખેતરોમાંથી ઘરના ટેબલ સુધી પહોંચતા ખોરાકમાં દરેક વ્યક્તિની કેટલીક ભૂમિકા હોય છે.