ભારતની સમાન નાગરિક સંહિતા એ ભારતમાં બહુચર્ચિત નાગરિક કાયદા સંહિતાના ખ્યાલનો ઉલ્લેખ કરતો શબ્દ છે. સમાન નાગરિક સંહિતામાં ધર્મ, જાતિ અને સમુદાયના પરિબળોને ધ્યાનમાં રાખ્યા વગર તમામ લોકો માટે બિનસાંપ્રદાયિક નાગરિક કાયદાઓના સમાન માળખાનો સમાવેશ થાય છે. આ સંહિતા ધર્મ અને જાતિ અને સમુદાયના આધારે વિવિધ વ્યક્તિગત કાયદાઓ હેઠળના નાગરિકોના હકનું સ્થાન લે છે. આવી સંહિતાઓ મોટાભાગના આધુનિક દેશોમાં અસ્તિત્વ ધરાવે છે.
નાગરિક સંહિતા હેઠળ આવરી લેવાયેલા સમાન ક્ષેત્રોમાં મિલકતના અધિગ્રહણ અને સંચાલન, લગ્ન, છૂટાછેડા અને દત્તક લેવાનાં સંબંધિત કાયદાઓનો સમાવેશ થાય છે.
ભારતમાં આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યાં ભારતના બંધારણ દ્વારા તેના નાગરિકો માટે નિર્દેશક સિદ્ધાંત અથવા સિદ્ધ કરવાના ધ્યેય તરીકે સમાન નાગરિક સંહિતા નિર્ધારિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
તાજેતરમાં ગુજરાત સરકારની કેબિનેટ દ્વારા ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code – UCC)ના અમલીકરણ માટેની આવશ્યકતા ચકાસવા તથા આ સંહિતા માટેનો મુસદ્દો તૈયાર કરવા એક ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
- નાગરિક સંહિતામાં લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર, દત્તક લેવાના અને વારસદાર અંગેના કાયદાઓનો સમાવેશ થાય છે.
- UCC મુદ્દે આવી સમિતિની રચના કરનાર ગુજરાત, ઉત્તરાખંડ પછી બીજું રાજ્ય બન્યું છે.
સમિતિને લગતી મહત્ત્વની બાબતો
- આ સમિતિનું નેતૃત્વ હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કરશે અને તેમાં ત્રણ કે ચાર સભ્યોનો સમાવેશ કરવામાં આવશે.
- સૂચિત સમિતિ બંધારણ હેઠળ સુનિશ્ચિત કરવામાં આવેલ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ન થાય તેવી રીતે સમાન નાગરિક સંહિતા બાબતે વિવિધ પાસા (ઉ.દા. હિંદુ મેરેજ એક્ટ અને મુસ્લિમ પર્સનલ લૉને UCC હેઠળ સમાવી લેવા)નું મૂલ્યાંકન કર્યા પછી તેનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરશે અને ત્યારબાદ તેના અમલીકરણ અંગે નિર્ણય લેવામાં આવશે.
- આ સમિતિને પોતાનો અહેવાલ સુપરત કરવા માટેની કોઇ સમયમર્યાદા નિર્ધારિત કરવામાં આવી નથી.
સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code) શું છે?
- ‘સમાન નાગરિક સંહિતા’ એટલે દરેક ધર્મના વ્યક્તિગત કાયદામાંથી સર્વશ્રેષ્ઠ બાબતો પસંદ કરીને પ્રત્યેક ધર્મના વ્યક્તિ માટે એકસમાન કાયદાઓનું ઘડતર કરવું કે જેમાં સમાવેશિપણું અને સમતાનો સમાવેશ થાય. જ્યારે ‘સામાન્ય નાગરિક સંહિતા’ એટલે બીજા પર બહુમતીની સંહિતા થોપવી. આથી, બંધારણમાં Uniform એટલે કે સમાન શબ્દનો ઉપયોગ કરવામાં આવેલ છે.
- UCCએ તમામ નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, દત્તક લેવા સંબંધિત બાબતો અને ઉત્તરાધિકાર જેવી વિવિધ બાબતો અંગે વૈવિધ્યપૂર્ણ કાયદાઓના સ્થાને દેશના દરેક નાગરિક માટે એકસમાન કાયદાની જોગવાઇ દર્શાવે છે.
UCCની પૃષ્ઠભૂમિ
- 1840ના લેક્સ લોકી રિપોર્ટમાં ગુનાઓ, પુરાવા અને કરાર સંબંધિત ભારતીય કાયદાના સંહિતાકરણમાં એકરૂપતાનાં મહત્ત્વ અને આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પરંતુ તેણે એવી ભલામણ પણ કરી હતી કે હિન્દુઓ અને મુસ્લિમોના અંગત કાયદાઓને આવી સંહિતાની બહાર રાખવા જોઇએ.
- 1859માં ‘રાણીના ઘોષણાપત્ર’ હેઠળ ભારતની ધાર્મિક બાબતોમાં સંપૂર્ણ બિન-દખલગીરીનું વચન આપવામાં આવ્યું હતું.
- તેથી જ્યારે ફોજદારી કાયદાઓ સંહિતાબદ્ધ કરવામાં આવ્યા, ત્યારે સમગ્ર દેશ માટે એક સમાન બનાવવામાં આવ્યા હતા. પરંતુ વ્યક્તિગત કાયદાઓ સમુદાયોની પોતાની અલગ સંહિતા દ્વારા જ લાગુ કરવાની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી.
- સ્વતંત્રતા બાદ બંધારણના ઘડતર સમયે UCCને બંધારણના ભાગ ચારમાં અનુચ્છેદ 44 સ્વરૂપે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ સમાવવામાં આવ્યા.
Personal law (વ્યક્તિગત કાયદા) એટલે શું?
- સમાજના વિવિધ ધર્મોના અને સંપ્રદાયના નાગરિકો મિલકત અને વૈવાહિક પ્રશ્નોને લગતી બાબતોના નિરાકરણ માટે જે પ્રકારના કાયદાનું પાલન કરે છે, તેને ‘પર્સનલ લૉ’ કહે છે.
- ‘પર્સનલ લૉ’ વિષયને બંધારણની સમવર્તી સૂચિ હેઠળ મૂકવામાં આવ્યો છે.
- ઉત્તર-પૂર્વ ભારતમાં અંદાજે 200થી વધુ જાતિઓ તેમના પોતાના વૈવિધ્યસભર પરંપરાગત કાયદાઓનું અનુપાલન કરે છે.
UCCને લગતી બંધારણીય જોગવાઇઓ
- (i) અનુચ્છેદ 44 : બંધારણનો આ અનુચ્છેદ UCCના સંદર્ભમાં ભારતના દરેક રાજ્યને નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો પ્રયાસો કરવા નિર્દેશ આપે છે. આ જોગવાઇ બંધારણના ભાગ 4માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ મૂકવામાં આવી છે.
- (ii) અનુચ્છેદ 37 : આ અનુચ્છેદ દર્શાવે છે કે એક સમાન નાગરિક સંહિતાની દૃષ્ટિ (અન્ય નીતિ-નિર્દેશક સિદ્ધાંતો સાથે) ભારતીય બંધારણમાં એક ધ્યેય તરીકે સમાવિષ્ટ છે. જેના માટે કેન્દ્ર અને રાજ્યોએ પ્રયત્ન કરવા જોઇએ. પરંતુ તે મૂળભૂત અધિકાર અથવા બંધારણીય ગેરંટી પ્રદાન કરતું નથી. UCC લાગુ કરવા અદાલત આદેશ આપી શકી નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે અદાલત આ બાબતે અભિપ્રાય પણ ન આપી શકે. (સમયાંતરે સર્વોચ્ચ અદાલત દ્વારા પણ UCCને અમલીકૃત કરવા અંગે સરકારને સૂચનો આપવામાં આવ્યાં છે)
UCC વિરુદ્ધ ધર્મની સ્વતંત્રતાનો અધિકાર
- અનુચ્છેદ-25 : કોઇ પણ ધર્મમાં અંત:કરણથી માનવું,તેનું પાલન કરવું અને તેનો પ્રચાર કરવાનો મૂળભૂત અધિકાર પ્રદાન કરે છે.
- અનુચ્છેદ-26(B) : દરેક ધાર્મિક સંપ્રદાય અથવા તેના કોઇપણ વિભાગને તેમના ધર્મની બાબતોમાં પોતાની રીતે સંચાલન કરવાના અધિકારને સમર્થન આપે છે.
- અનુચ્છેદ-29 : વિશિષ્ટ સંસ્કૃતિના સંરક્ષણના અધિકારને વ્યાખ્યાયિત કરે છે.
- બંધારણ સભામાં મૂળભૂત અધિકારોનાં પ્રકરણમાં UCC મૂકવાનાં મુદ્દે સહમતિ બની શકી ન હતી. બાદમાં આ મામલો મતદાન થકી થાળે પાડવામાં આવ્યો હતો. 5:4 બહુમતીથી સરદાર પટેલની આગેવાની હેઠળની મૂળભૂત અધિકારોની પેટા સમિતિએ જણાવ્યું હતું કે, UCCની જોગવાઇઓ મૂળભૂત અધિકારોના અવકાશની બહાર હતી અને તેથી UCCને ઓછું મહત્ત્વ આપવામાં આવ્યું અને UCCને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવવામાં આવ્યું.
UCC લાગુ કરવાના પક્ષમાં દલીલો
- દરેક નાગરિકને સમાનતા : જો દેશના તમામ નાગરિકો સમાન કાયદાઓનું પાલન કરવાનું શરૂ કરશે, તો તેનાથી ભારતીય સમાજમાં વધુ શાંતિ આવશે અને ધાર્મિક વિવાદો ઘટશે. જે રીતે એક સામાન્ય અપરાધિક કાયદો હોય છે તે જ રીતે એકસમાન નાગરિક સંહિતા પણ હોવી જોઈએ.
- સમાજમાં લિંગ સમાનતાને પ્રોત્સાહન : UCC લાગુ થવાથી મહિલાઓ અને સંવેદનશીલ વર્ગોને તેમના હિતોનું રક્ષણ પ્રદાન થશે. આમ, સંવેદનશીલ જૂથો વિરુદ્ધનાં ભેદભાવો નાબૂદ થવાથી સાંસ્કૃતિક સામંજસ્ય વધશે.
- ઉદાર વિચારધારાનો ઉદય : UCC એ દેશની યુવા વસતીની આકાંક્ષાઓને સમાયોજિત કરીને તેમને ઉદાર વિચારધારાને આત્મસાત કરવા પ્રેરિત કરશે.
- રાષ્ટ્રીય એકીકરણને વધુ બળ મળશે : સમગ્ર દેશમાં સમાન કાયદો હોવાથી દેશના વહીવટમાં અને સામાજિક માળખામાં એકરૂપતા જોવા મળશે. પરિણામે રાષ્ટ્રના એકીકરણને મજબૂતી પ્રદાન થશે.
- બિનસાંપ્રદાયિકતાને પ્રોત્સાહન : દરેક ધાર્મિક માન્યતા ધરાવતા સમુદાય માટે સમગ્ર દેશમાં સમાન કાયદો હોવાથી સામાજિક સૌહાર્દમાં વધારો થશે અને દેશમાં બિનસાંપ્રદાયિકતાના માળખાને વધુ મજબૂતી પ્રાપ્ત થશે.
- વોટ બેંકની રાજનીતિમાં ઘટાડો થશે : દેશમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા ધાર્મિક મુદ્દાને આધાર બનાવી ચૂંટણીમા મત માંગવામાં આવે છે, જ્યારે UCC જેવા કાયદાઓ ધાર્મિક સમાનતા લાવવામાં મદદ કરી શકે છે. જેથી આ પ્રકારની વોટબેંકની રાજનીતિમાં ઘટાડો આવશે.
- વહીવટી સરળતા : UCC ભારતનાં વિશાળ વસ્તી આધારને કાયદાકીય વ્ય્વસ્થા દ્વારા સંચાલિત કરવાનું સરળ માળખું ઊભું કરવાં આધાર પૂરો પાડશે.
- તર્કસંગત અને એકીકૃત કાયદો વિવિધ સમુદાયોમાં પ્રચલિત ઘણાં દૂષણો, અન્યાયી અને અતાર્કિક રિવાજો અને પરંપરાઓને નાબૂદ કરવામાં મદદ કરશે.
- ધર્મ, જાતિ, લિંગ, વંશ વગેરેના આધારે થતા ભેદભાવનું નિવારણ થવાથી મહિલાઓને પણ દત્તક લેવા, ઉત્તરાધિકાર અને મિલકતના વારસા વગેરેના ક્ષેત્રમાં સમાનતા મળશે.
- સમાન નાગરિક સંહિતાના અમલીકરણથી અમુક ધાર્મિક સંપ્રદાયોના વ્યક્તિગત કાયદા દ્વારા ‘પ્રેફરેન્શિયલ ટ્રીટમેન્ટ’થી ઊભી થયેલી ઘણીબધી આંતરિક દુશ્મનાવટો ટાળીને ભારતને ખરા અર્થમાં એકીકૃત કરવામાં સફળતા મળશે.
UCC અમલીકરણમાં અવરોધો
- ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતાને કારણે વ્યવહારિક મુશ્કેલીઓ ઊભી થઇ શકે તેવી સંભાવનાઓ ખૂબ વધારે છે.
- વિવિધ વિશેષજ્ઞો UCCને ઘણીવાર ધાર્મિક સ્વતંત્રતામાં અતિક્રમણ તરીકે જુએ છે. આ ઉપરાંત બદલાવનો સ્વીકાર કરવા ધાર્મિક સમુદાયોમાં પણ મત-મતાંતરો છે.
- UCCને લઘુમતીઓની અંગત બાબતોમાં રાજ્યની વધુ પડતી દખલ તરીકે જોવામાં આવે છે, જે દેશમાં અશાંતિ ફેલાવાનું કારણ પણ બની શકે.
- એક મત મુજબ UCC એ વિવિધતા અને બહુસાંસ્કૃતિક ભારતીય માળખાને અવરોધે છે કે જે ભારતીય સમાજની મુખ્ય વિશેષતા છે. UCCના કારણે સાંસ્કૃતિક વૈવિધ્યતાનો નાશ થઇ જશે તેવી આશંકાઓથી સામાજિક સૌહાર્દ જોખમમાં મૂકાવવાની સંભાવનાઓ રહે છે.
- આઝાદીના 75 વર્ષ પછી પણ સમગ્ર દેશમાં UCC લાગુ ન થવા પાછળનું મુખ્ય કારણ રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ છે.
- UCCને સીધી રીતે ધાર્મિક બાબતોમાં દખલગીરી તરીકે જોવામાં આવે છે, જે બંધારણના અનુચ્છેદ 25 હેઠળ આપવામાં આવેલા ધાર્મિકતા સંબંધિત મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે એમ વિવિધ ધાર્મિક સંસ્થાઓ દલીલ કરે છે.
- 21માં કાયદાપંચે પણ પોતાના રિપોર્ટમાં સૂચન કર્યું હતું કે હાલના તબક્કે UCCનું અમલીકરણ ઈચ્છનીય પણ નથી કે યોગ્ય પણ નથી. વિવિધ નિષ્ણાતોએ એવી દલીલ કરી છે કે વર્તમાન પરિસ્થિતિઓમાં UCCનો સ્વીકાર એ ભારતીય સમાજ પ્રમાણે યોગ્ય નથી.
- ગોવામાં સમાન નાગરિક સંહિતા સફળતાપૂર્વક લાગુ થતી હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ ત્યાંની UCCમાં ખ્રિસ્તી પરંપરાઓને વધુ મહત્ત્વ અને હિંદુઓને અતાર્કિક છૂટો આપવામાં આવે છે. જેમકે, જે હિંદુ પુરુષની પત્ની 21 વર્ષની ઊંમર પછી બાળક પેદા કરવા સક્ષમ ન હોય તો પુરુષને બીજા લગ્ન કરવાનો અધિકાર છે. આવો અધિકાર અન્ય ધર્મના લોકો પાસે નથી.
- UCC હેઠળ પોતાની પરંપરાઓ છોડવાની કિંમત ચૂકવવા સમુદાયોને રાજી કરવા ખૂબ પડકારજનક છે તથા પશ્ચિમી દેશો દ્વારા UCC લાગુ કરવાના અનુભવો બતાવે છે કે UCC લાવવા માત્રથી દેશમાં એકતા સ્થાપિત થઇ જશે તેમ માનવું મૂર્ખતાભર્યું છે
- દરેક પર્સનલ લૉ પાછળનો સ્રોત ધાર્મિક જ હોય છે, તેથી UCCમાં કઇ બાબતો સમાવવી એ વિશેની ચર્ચા ધર્મનિરપેક્ષ રીતે થશે તેવું કેવી રીતે માની શકાય? આથી જ પોતની ધાર્મિક પરંપરા છોડવા લોકોને તૈયાર કરવા મુશ્કેલ છે.
આગળનો માર્ગ
- બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતો પોતે જ વિવિધતાની કલ્પના રજૂ કરી સમાજના વિવિધ સંપ્રદાયોના લોકોમાં એકરૂપતાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે, ત્યારે કોઇપણ કાયદો ઘડતાં પહેલાં બધા ધાર્મિક સમુદાયો વચ્ચે સામંજસ્ય સ્થાપીને કાયદાની રૂપરેખા ઘડવી જોઇએ. આમ, UCC લાગુ કરતાં પહેલાં બધા નાગરિકોને વિશ્વાસમાં લેવા પ્રયાસ કરવો જોઇએ.
- સામાજિક સુધાર એક ક્રમિક ઘટના છે, પરંતુ UCC એ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે પ્રતિકૂળ હોઇ શકે, ખાસ કરીને જો ઉતાવળમાં લાગુ કરવામાં આવે તો.
- આથી UCC હેઠળ શરૂઆતમાં માત્ર રિવાજો અને પરંપરાઓનાં એવા તત્ત્વો કે ભાગને એકીકૃત કાયદામાં લાવવા જોઇએ જે વ્યવહારુ રીતે વ્યક્તિઓને અન્યાય કરે છે.
- કાયદા પંચના સૂચવ્યા મુજબ વિવિધ વ્યક્તિગત કાયદાઓના સંહિતાકરણથી એક સમાનતાદર્શક ચોક્કસ સાર્વત્રિક સિદ્ધાંતો પર પહોંચી શકાય છે, જે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાને બદલે સમાનતાને પ્રાથમિકતા આપે છે.
- રાષ્ટ્રની સમરસતા અને સાંસ્કૃતિક ઘડતર હંમેશા પ્રાથમિકતા હોવી જોઇએ.
- ધાર્મિક સંગઠનો અને આગેવાનોએ તેમના અનુયાયીઓને આધુનિક ઉદાર મત મુજબનું શિક્ષણ આપી જરૂરી બદલાવોનો સ્વીકાર કરવા પ્રેરણા આપવી જોઇએ.
- સૌપ્રથમ વિવિધ ધર્મોમાં રહેલી આંતરિક અસમાનતાઓ દૂર કરીને ધર્મમાં એકસમાન કાયદો લાગુ કરવા પ્રયાસ કરવો જોઇએ. આની સફળતા બાદ જ વિવિધ ધર્મો વચ્ચેની સમાન નાગરિક સંહિતા બનાવવા તરફ પ્રયાણ કરવું જોઇએ.
નિષ્કર્ષ
- UCCનો ઉદ્દેશ્ય બંધારણની પ્રસ્તાવનામાં સમાવિષ્ટ ‘સેક્યુલર, ડેમોક્રેટિક, રિપબ્લિક’ની અવધારણાને મજબૂત કરવાનો છે. આ જોગવાઇ હાલમાં વિવિધ અંગત કાયદાઓ દ્વારા સંચાલિત બાબતો પર સમુદાયોને એક સમાન કાયદા હેઠળ લાવીને ભારતના સામાજિક અને ધાર્મિક એકીકરણને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરશે. આથી ભારતીય સમાજના તમામ વર્ગોને વિશ્વાસમાં લઇને UCC લાગુ થવો જોઇએ.મુસ્લિમ પર્સનલ લો (શરિયત) એપ્લિકેશન એક્ટ, 1937
- લગ્ન, ભરણપોષણ, દહેજ, છૂટાછેડા અને વારસા જેવા મુદ્દાઓ તેના કાર્યક્ષેત્રમાં આવે છે. આમાંના ઘણાને સમવર્તી સૂચિની પાંચમી જોગવાઇમાં પણ સ્થાન મળેલ છે.
હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956
- આ અધિનિયમ મૂળ રીતે દીકરીઓને પૈતૃક મિલકતમાં વારસાગત હક આપવાના પક્ષમાં ન હતું. આ કાયદા હેઠળ સંયુક્ત હિંદુ પરિવાર પાસેથી જ ભરણપોષણનો અધિકાર માંગી શકાય છે. આ પ્રકારની અસમાનતા 2005માં કાયદામાં સુધાર કરી દૂર કરવામાં આવી હતી.
હિન્દુ કોડ બિલ
- આ બિલ દ્વારા હિંદુ કાયદાઓમાં સુધાર કરી છુટાછેડાને કાયદેસરતા, બહુપત્નીત્વનો વિરોધ અને દીકરીઓને વારસાના અધિકાર વગેરેને લગતા બદલાવ કરવામાં આવ્યા. આ બિલનો મુસદ્દો ડૉ. બી.આર. આંબેડકરે તૈયાર કર્યો હતો.