ભોપાલ: મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં આદિવાસી દશમત રાવત પર ભાજપના કાર્યકર્તાએ નિર્લજ્જતાથી પેશાબ કર્યાની ઘટના અંગે દેશભરમાંથી ધિક્કાર વછૂટી રહ્યો છે. આજે ગુરૂવારે પીડિત દશમત રાવત મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન આવાસ પર પહોંચ્યા હતા. અહીં મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે દશમત રાવતના પગ ધોઈને અને શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું હતું. સીએમ શિવરાજે કહ્યું કે મારું મન દુઃખી છે. મારા માટે જનતા જ ભગવાન છે.
મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે પીડિત સાથે વાત કરી. CMએ પૂછ્યું કે બાળકો ભણે છે? શિષ્યવૃત્તિ મળે છે? જો કોઈ સમસ્યા હોય તો મને જણાવો. શું પત્નીને ‘લાડલી બહેના’નો લાભ મળી રહ્યો છે? આવાસ યોજનાનો લાભ મળ્યો છે? સીએમએ કહ્યું કે દીકરીને ભણાવવાની છે. દીકરીઓઓ આગળ વધી રહી છે. મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું કે હું દિલગીર છું, મારા માટે જનતા જ ભગવાન સમાન છે. દશમતને ‘સુદામા’ કહીને મુખ્ય પ્રધાને કહ્યું કે હવે તમે મારા મિત્ર છો.
ઘટનાની જાણકારી મુજબ ભાજપ નેતા પ્રવેશ શુક્લાનો દશમત રાવત પર પેશાબ કરવાનો વીડિયો વાયરલ થયો હતો. આ પછી રાજકારણ ગરમાયું હતું. આ મામલાની તપાસ માટે ભાજપ અને કોંગ્રેસ બંનેએ તપાસ સમિતિઓની રચના કરી છે. સીધીના ભાજપ વિધાનસભ્ય પંડિત કેદારનાથ શુક્લાના પ્રતિનિધિ પ્રવેશ શુક્લાની મંગળવારે રાત્રે લગભગ 2 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી.
રાજ્યના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ બુધવારે આ ઘટના અંગે કહ્યું કે આ કૃત્ય ખૂબ જ ઘૃણાસ્પદ અને નિંદનીય છે. કાયદો તેનું કામ કરી રહ્યો છે. આ ભાજપની સરકાર છે, કાયદાનું શાસન છે. આ ઘટનાનો વીડિયો સામે આવતાં જ મુખ્ય પ્રધાનના આદેશ પર NSA અતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપીને રીવા જેલમાં રાખવામાં આવ્યો છે. પ્રશાસને બુલડોઝર વડે આરોપીનું ઘર પણ તોડી પાડ્યું છે.