શિક્ષણ-વિમર્શ
બુદ્ધિના શિક્ષણનો વિચાર કરતાં એક ભ્રામક ખ્યાલ દૂર કરવો જરૂરી છે. આજે આપણે ત્યાં મોટે ભાગે એમ માનીને ચલાય છે કે બાળકના મગજમાં જેટલી માહિતી ઠોસી તેટલું તે વધુ પ્રશિક્ષિત થયું. આપણી પરીક્ષાઓ પણ જાણે કે સ્મરણશક્તિની કસોટી લેવાની હોય એવી જ હોય છે. અને પાઠ્યક્રમ પણ એવો ગોઠવાય છે કે જેને લીધે બાળકો પોતાની પીઠ પર પુસ્તકો અને નોટબુકોનો ભાર ઉપાડતાં થાય છે, સહેજે પર્વતારોહક શ્રમિકોની યાદ આપે તેવા. મેકોલેને તો એવું જ શિક્ષણ ખપતું હતું કે જેમાં એના વિદ્યાર્થીઓનાં મગજમાં ઠાંસી ઠાંસીને માહિતી ભરી હોય.
આજના બદલાયેલા સંદર્ભમાં જરા આનો વિચાર કરી જોઈએ. એક જમાનો હતો કે જ્યારે ‘બાપથી બેટા સવાયા’ કહેવાથી બેટો ગર્વ લઈ શકતો. બાપે જે જ્ઞાન મેળવ્યું હોય તેમાંથી થોડું ઘણું ઘસાઈ પણ જાય એટલે આગલી પેઢીની સાથે કદમ મિલાવીને ચાલવું હોય તો પચ્ચીસ ટકા વધારે માહિતી મેળવીને ઘસારાની પૂર્તિ કરી લેવાય. એટલે સમાજ વ્યવસ્થિત રીતે ચાલતો રહે. પણ હવે વિજ્ઞાન અને ટેકનૉલોજી એટલાં ઝડપથી વધે છે કે પાછલી પેઢીવાળાને આગલી પેઢી કરતાં ઘણું વધારે સામાન્ય જ્ઞાન તો વાતાવરણમાંથી જ મળી રહે છે. મારો નાનો દીકરો બાલવાડીમાં જતો હતો, ત્યારે તેની શિક્ષિકાએ તેની મા આગળ ફરિયાદ કરી કે તમારો દીકરો લખવાનું શીખવાનો રીતસર પ્રતિકાર કરે છે. તેથી મારી પત્નીએ કહ્યું કે પ્રશ્ન શો છે, એ તમે જરા ખોળી કાઢો. મેં દીકરાને પૂછ્યું, ‘તને લખવું ગમતું નથી ?’ તો કહે, ‘ના.’ મેં પૂછ્યું : ‘કેમ ?’ તો કહે, ‘આપણા ઘરમાં ટાઈપરાઈટર છે. લખવાનું શીખવાની શી જરૂર છે ? ટાઈપિંગ જ કેમ શીખવતા નથી ? જમાનાના ફેરફાર સાથે ટેકનૉલોજીનો ફેરફાર એટલો ઝડપથી થયો છે કે હવે બેટો બાપથી સવાયો થાય તે ચાલશે નહીં. એણે તો ઘણી વધારે આગેકૂચ કરવી પડશે. હવે મગજમાં માહિતીનો સંગ્રહ વધારતા જવાને બદલે ઢગલાબંધ માહિતી ઉપલબ્ધ છે, એમાંથી કેવી રીતે ખપની માહિતી મેળવી લેવી, એ શીખવવું એ જ શિક્ષકનું મોટું કામ થઈ જશે. વળી આગળ જતાં એને શીખવા જેવું અને ન શીખવા જેવું એ બે વચ્ચે વિવેક કરતાં પણ શીખવું પડશે.
આત્માનો વિકાસ એ કોઈ પાઠ્યપુસ્તક કે ઉપદેશથી કરી શકાશે નહીં. આત્માનો વિકાસ તો શિક્ષકના ચારિત્ર્ય પરથી જ થઈ શકશે. અને તેથી શિક્ષકે આ બાબતમાં પાઠ્યપુસ્તકોનો આધાર શોધવાને બદલે આત્મશોધનનો જ પ્રયાસ કરવો રહ્યો. ઉદ્યોગોના શિક્ષણનો વિચાર કરીએ ત્યારે નયી તાલીમના શિક્ષકોને પોતાના પાઠ્યક્રમ સાંભરે એ સ્વાભાવિક છે. હમણાં હમણાં વા.ના. ચિતળેનું ‘સંસ્મરણોનો મધપુડો’ નામનું પુસ્તક યજ્ઞ પ્રકાશને છાપ્યું છે. મૂળ મરાઠીનો એ ગુજરાતી અનુવાદ છે. સેવાગ્રામ આશ્રમમાં ગાંધીજીએ અમારા ખાદી વિદ્યાલય પાસેથી કોઈ એવા શિક્ષકની માગણી કરી કે જે તેમને રૂની તુનાઈ કરીને પૂણી બનાવતાં શીખવી શકે. અમે અમારા સૌથી હોંશિયાર સાથી વાસુદેવ ચિતળેને એ કામ સોંપ્યું. ઉપરોક્ત પુસ્તકમાં ગાંધીજી તુનાઈ કરતા કેવી રીતે શીખ્યા તેનું ખૂબ રોચક વર્ણન કર્યું છે. સિત્તેરની આસપાસના ગાંધીજીની જિજ્ઞાસુ વૃત્તિ કોઈ નાના બાળક કરતાં જરાયે ઊતરે તેવી નહોતી. રૂના રેસા અંગે, તુનાઈનાં સાધનો અંગે, કપાસની ખેતી અંગે અને આખા કામના અર્થશાસ્ત્ર અંગે તેમણે એટલા પ્રશ્નો પૂછ્યા કે ચિતળે તો આશ્ચર્યચકિત જ થઈ ગયો. ઉદ્યોગ દ્વારા શિક્ષણનો એક નમૂનાનો પાઠ થઈ શકે તેવું તે પ્રકરણ છે, પણ ત્યાં જ્ઞાન અને ઉદ્યોગ બે અલાયદા વિષયો રહેતા નથી, એકબીજા સાથે અવિચ્છિન્ન રીતે સંકળાઈ જાય છે.
પચાસ વર્ષ પહેલાં નાનાં બાળકોને જેટલી માહિતી રહેતી તેના કરતાં આજનાં બાળકોને એમની આસપાસના વાતાવરણને લીધે પુષ્કળ માહિતી સહજ ઉપલબ્ધ હોય છે. પરંતુ જોવામાં આવે છે કે પચાસ વર્ષ પહેલાં બાળકોને સમાજ અંગે જેટલી નિસ્બત હતી તેટલી નિસ્બત આજે તેમનામાં દેખાતી નથી. તેઓ પોતપોતાનામાં મશગૂલ હોય છે. સમાજની તેમને ખાસ ફિકર કે પડી હોતી નથી. આજના આપણા સમાજમાં બે એવા ભાગલા પડી ગયા છે કે જેને હું ફાવેલા અને રહી ગયેલા લોકો કહું છું. સંપન્ન વર્ગને આખો ને આખો વંચિત વર્ગ જાણે હયાતીમાં જ ન હોય એમ લાગે છે. આ વિષમ પરિસ્થિતિના મૂળમાં પણ આપણી આજની શિક્ષણ વ્યવસ્થા છે એ ભૂલવું ન જોઈએ. આપણું શિક્ષણ સ્પર્ધા શીખવે છે, મહત્વાકાંક્ષા શીખવે છે, સ્વાર્થલોલુપતા શીખવે છે અને પરિણામે આપણે સમાજના એક વિશાળ ભાગને આંખ સામે હોવા છતાં દેખી શકતા નથી. દેશના ઉત્તરપૂર્વના પ્રદેશોમાં આજે આપણને માઓવાદી વિરુદ્ધ જે કારમી હિંસા દેખાય છે તેની ભીતરમાં ડોકિયું કરીશું તો આપણને દેખાશે કે ઘણે ઠેકાણે આજે સંઘર્ષ, ખનિજ વિરુદ્ધ મનુજનો છે. અને સંપન્ન વ્યવસ્થા ખનિજની ખાતર મનુજને બેદખલ કરવા કોઈ પણ હદ સુધી જઈ શકે તેમ છે. પ્રકૃતિની વચ્ચે ઊછરતાં બાળકોને આપણે વર્ગખંડની ચાર દીવાલોની વચ્ચે ગોંધી રાખીએ છીએ. પરિણામે બાળકોને શિક્ષણ મેળવવાની ઉત્તમ ઉંમરે ખરા શિક્ષણથી વંચિત રાખીએ છીએ. મારા ગામનો એક વિદ્યાર્થી ભણવાની ઉંમર હોવા છતાં શાળાએ જવાનું નાપસંદ કરતો હતો. એક વાર અમારી સાથે રમતાં રમતાં મેં એને કહ્યું કે, ‘તું કંઈક ઘાસ લઈ આવ.’ એ પૂછે, ‘કયું ઘાસ ?’ મેં કહ્યું, ‘તને ગમે તે.’ તે એકાદ કલાક ફરીને અઠ્ઠાવીસ પ્રકારના ઘાસ લઈ આવ્યો ! અને આપણી શિક્ષણ વ્યવસ્થા તો આવા બાળકને ઠોઠ વિદ્યાર્થી જ ગણે. મને તો એણે આભો જ કરી મૂકેલો.
આપણે આઝાદી મળી ત્યારે જ એક મોટી તક ગુમાવી. તે શિક્ષણમાં આમૂલ પરિવર્તન કરવાની તક. ખરું જોતાં તો આઝાદી પછી આપણા દેશ પાસે જાણે કે કોઈ ઉદ્દેશ જ નથી રહ્યો. 1942માં ગાંધીજીને પકડવા આવનાર અધિકારી ગાંધીજી પ્રાર્થના કરતા હતા ત્યારે માથું નીચું રાખીને ઊભા હતા. મેં એમને પૂછ્યું, ‘તમે કેમ ઉદાસ દેખાઓ છો ?’ એમણે કહ્યું, ‘શું કરીએ ? પેટની ખાતર ચાકરી કરીએ છીએ. બાકી અમને કાંઈ સ્વરાજ નથી જોઈતું એમ નથી.’ આઝાદી પહેલાં અંગ્રેજ સરકારના હિન્દુસ્તાની ચાકરોનો પણ એક ઉદ્દેશ હતો – સ્વરાજનો. આઝાદી પછી આખા દેશનો એવો કોઈ એક ઉદ્દેશ રહ્યો નથી. તેથી કૂતરું ખેંચે ગામ ભણી અને શિયાળ ખેંચે સીમ ભણી, એવા આપણા હાલ છે. આપણા વડવાઓએ આપણા દેશના બંધારણમાં ચોક્કસ ભાષામાં ઉદ્દેશો આપેલા છે : સ્વતંત્રતા, સમાનતા, બંધુતા અને ન્યાયના. પણ એ ચાર માર્ગદર્શક સિદ્ધાંતોને આજે કોણ યાદ કરે છે ? વિકાસની વાત થાય છે, કલ્યાણ રાજ્યની વાત થાય છે, પણ સમાનતા ક્યાં ? સ્વતંત્રતા ક્યાં ? ન્યાય ક્યાં ? અને પરિણામે બંધુતા તો સાવ અલુપ્ત. શિક્ષણક્ષેત્રે જો આપણે આપણા ઘોષિત ઉદ્દેશો તરફ આગળ વધવું હશે તો વ્યક્તિ, સમષ્ટિ અને સૃષ્ટિ ત્રણે અંગે પાયામાંથી વિચાર કરવો પડશે. વ્યક્તિનો સમતોલ વિકાસ, સમાજની સમત્વ આધારિત ઉન્નતિ અને પ્રકૃતિ સાથે સંવાદિતા સાધતા શિક્ષણ તરફ ચોક્કસ પગલાં માંડવાં પડશે. એને માટેના શિક્ષણનાં બાહ્ય માધ્યમો જો ઉદ્યોગ, સામાજિક પ્રવૃત્તિ અને પ્રકૃતિ વચ્ચે કામ હશે તો તેની સાથે જ શિક્ષક અને બાળક વચ્ચેના સંબંધોમાં મુક્તિ, પ્રીતિ અને અભિવ્યક્તિના આંતરિક સમવાય સાધવા પડશે.
દુનિયાના સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ પર બે વ્યક્તિઓ એક સાથે ચઢી, બંનેએ નક્કી કર્યું હતું કે અમારામાંથી કોઈ પહેલો અને બીજો નહિ. બંને સાથે. એ ખૂબ ડહાપણભરેલો નિર્ણય હતો. નહિ તો આ સ્પર્ધાત્મક દુનિયામાં હિલેરી અને તેનસિંગ વચ્ચે પણ લોકો સ્પર્ધા ખડી કરત ! પણ આ બંને વ્યક્તિઓએ પોતપોતાની મનોભાવનાઓ તે દિવસે જે રીતે પ્રદર્શિત કરી તે પ્રકૃતિ અને મનુષ્યના સંબંધો વિશે બે વલણો દેખાડી આપે છે એ ભૂલવું જોઈએ નહીં. હિલેરીએ માઉન્ટ એવરેસ્ટ પર ઝંડો ફરકાવ્યો. તેનસિંગે એવરેસ્ટની ચપટીક માટી ઉપાડી પોતાના મસ્તક પર ચઢાવી. આપણે એ નક્કી કરવાનો સમય આવી પહોંચ્યો છે કે મનુષ્યે પ્રકૃતિના સ્વામી બનવું છે કે સંતાન ?