ભારતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે આમ તો અનેક રાજ્યોમાં નીકળે છે. પરંતુ બે સ્થાનની રથયાત્રા ખૂબ જ જાણીતી છે અને એ છે એક ઓરિસ્સામાં આવેલા જગન્નાથપુરીની રથયાત્રા અને ગુજરાતના અમદાવાદમાં નીકળતી રથયાત્રા. રથયાત્રા દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે. હિન્દુ ધર્મનું પ્રતીક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે. ભગવાન જગન્નાથની આ રથયાત્રા વિશે કેટલીક રસપ્રદ વાતો જે ખરેખર જાણવા જેવી છે.
જગન્નાથજીની રથયાત્રાનુ મહત્ત્વ
ભારતની ભૂમિ ૫ર ઓડિશા રાજ્યમાં પુરી ખાતે આવેલ જગન્નાથજી ભગવાનનું મંદિર સમગ્ર વિશ્વમાં જગપ્રસિદ્ધ છે. આ મંદિરનો હિન્દુઓના ચારધામનાં તીર્થસ્થાનોમાં ૫ણ સમાવેશ થાય છે. હિન્દુ ઘર્મની માન્યતા મુજબ, મૃત્યુ પહેલાં દરેક હિન્દુએ ચારધામની યાત્રા અવશ્ય કરવી જોઈએ, તેનાથી મોક્ષ મળે છે. જગન્નાથપુરી ખાતે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર આવેલું છે. આ મંદિરમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ભગવાનનાં દર્શન કરવા માટે આવે છે. એમાંય ખાસ કરીને આ મંદિરનું મુખ્ય આકર્ષણનુ કેન્દ્ર જગન્નાથપુરીની રથયાત્રા છે. અહીં દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે જગન્નાથ ભગવાનની રથયાત્રા કાઢવામાં આવે છે. રથયાત્રાનો મહોત્સવ 10 દિવસ સુધી ચાલે છે.
જગન્નાથ રથયાત્રાનો ઇતિહાસ
પુરી ખાતે જગન્નાથ ભગવાનની રથયાત્રા કાઢવા પાછળના ઇતિહાસની વાત કરીએ તો તે પાછળ ઘણી બઘી પૌરાણિક કથા અને લોકવાયકાઓ જોડાયેલી છે. એક કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણનાં બહેન સુભદ્રાજી પિયર આવે છે. તેઓ શ્રીકૃષ્ણ અને ભાઇ બલરામ સમક્ષ નગરભ્રમણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે, તેથી ભગવાન કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બેસીને નગર જોવા નીકળે છે. એ સમયથી દર વર્ષે રથયાત્રાના કાઢવાના પર્વની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે.
તો વળી એક એવી ૫ણ લોકવાયકા છે કે, ગુંડીચા મંદિરમાં સ્થિત દેવી ભગવાન કૃષ્ણનાં માસી થાય છે, તેઓ ત્રણેય ભાઈ-બહેનને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે. એટલે ભગવાન શ્રીકૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બેસીને માસીનાં ઘરે 10 દિવસ રહેવા માટે જાય છે, અને ત્યાં 7 દિવસ રોકાઇ ૫રત ફરે છે. તેથી દર વર્ષ રથયાત્રા કાઢવામાં આવે છે.
પુરાણોમાં વર્ણન
આ રથયાત્રા વિશે સ્કંદ પુરાણ, નારદ પુરાણ, પદ્મ પુરાણ અને બ્રહ્મ પુરાણમાં ૫ણ ઉલ્લેખ છે. એટલા માટે હિન્દુ ઘર્મમાં તેનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન જગન્નાથ અષાઢ સુદ બીજથી અગિયારસ સુઘી લોકોની વચ્ચે રહે છે. આ સમયે તેમની પૂજા-અર્ચના વિશેષ ફળદાયી માનવામાં આવે છે. જો કોઇ રથયાત્રામાં સામેલ ન થઇ શકે તો ઘરે ૫ણ પૂજા-અર્ચના કરી શકે છે.
માત્ર મસ્તકની મૂર્તિઓનું કારણ
ઓડિશાના પુરીની યાત્રાનો ઈતિહાસ પૌરાણિક છે અને તેની સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે. સુભદ્રા પિયર દ્વારિકા આવ્યાં અને નગરચર્યાએ જવાની ઇચ્છા દર્શાવી. બંને ભાઈ શ્રીકૃષ્ણ અને બલરામે ત્રણ રથ તૈયાર કરાવ્યા અને બહેન સુભદ્રાનો રથ વચ્ચે રાખી નગરમાં ફર્યાં. આ મૂળ પરંપરા અને તેની યાદમાં પુરીમાં ત્રણ વિશાળ રથ સાથે યાત્રા નીકળે છે. તે પછી તો કથાઓ જોડાતી ગઈ.
પુરીનું જૂનું નામ નીલાંચલ છે. નીલાંચલના રાજા ઇન્દ્રદ્યુમ્નને ત્રણેય દેવસ્વરૂપોને મૂર્તિ સ્વરૂપ આપવાની ઈચ્છા થઈ. સમુદ્રમાંથી તરતાં મળેલાં કાષ્ટમાંથી મૂર્તિઓ બનાવવાની તેમની ઈચ્છા પાર પડે તે માટે વિશ્વકર્મા શિલ્પી બનીને હાજર થયા.
શિલ્પીએ શરત મૂકેલી કે મૂર્તિ પૂર્ણ થાય ત્યાં સુધી રાજાએ કાર્યશાળામાં આવવું નહીં. પરંતુ રાજાની ધીરજ ખૂટી એટલે અંદર આવી ગયા ત્યારે મૂર્તિઓનો ઉપરનો ભાગ જ બન્યો હતો. આજેય એ પરંપરા અનુસારની મૂર્તિઓ બનેલી છે.