જમ્મુ અને કાશ્મીરના કૂપવાડા જિલ્લામાં પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાંથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલાં ચાર આતંકવાદીઓને ઠાર કરાયા છે.
કાશ્મીર પોલીસે ટ્વીટર ઉપર જણાવ્યું છે કે, તેમની પાસે શસ્ત્રો અને વાંધાજનક સામગ્રી મળી આવી હતી. અગાઉ કુપવાડા જિલ્લામાં 16 જૂને ભારતમાં પ્રવેશ કરનાર પાંચ વિદેશી આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા જવાનોએ એક આતંકીને ઠાર માર્યો છે. સુરક્ષા જવાનોને આ વિસ્તારમાં આતંકવાદી છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.
આ દરમિયાન સુરક્ષાકર્મીઓએ આતંકીને આત્મસમર્પણ કરવાનું કહ્યું પરંતુ આતંકીએ ગોળીબાર કર્યો. જેના જવાબમાં સુરક્ષા જવાનોએ જવાબી કાર્યવાહી કરી અને આતંકવાદી માર્યો ગયો. હજુ સુધી હુમલાખોરની ઓળખ થઈ શકી નથી.
કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે આતંકવાદી પાસેથી ઘણી વાંધાજનક વસ્તુઓ મળી આવી છે, તેની પાસેથી હથિયારો, કારતૂસ વગેરે મળી આવ્યા છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, આ એન્કાઉન્ટર કુલગામ જિલ્લાના હુવડા ગામમાં થયું હતું. આ એન્કાઉન્ટરમાં પોલીસ અને સેનાના જવાનો સામેલ હતા. એન્કાઉન્ટરમાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન ઘાયલ થયો છે. આ પહેલા સેના સરહદ પારથી સતત ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે. સેનાએ કુપવાડા જિલ્લામાં ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. કુપવાડાના મચ્છલ સેક્ટરમાં સેનાએ 5 આતંકીઓને ઠાર કર્યા છે.
આ અંગે માહિતી આપતાં કાશ્મીર ઝોન પોલીસે કહ્યું હતું કે, સેના અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં કુપવાડાના માછલ સેક્ટરમાં PoK બાજુથી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. આ દરમિયાન પાંચ આતંકવાદીઓ માર્યા ગયા છે. ઘટનાસ્થળેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.
રાજૌરીમાં પણ અથડામણ ચાલુ છે
ઉલ્લેખનીય છે કે કાલે રાજૌરીના કંડી જંગલમાં આતંકવાદવિરોધી અભિયાન હેઠળ એક એન્કાઉન્ટરમાં સૈન્યના 5 જવાનો શહીદ થઈ ગયા હતા. સૈન્યના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યું હતું કે આતંકવાદીઓ સાથે શનિવારે પણ એન્કાઉન્ટરની સ્થિતિ ચાલુ રહી હતી.
અગાઉ 5 જવાન શહીદ થયા હતા
શુક્રવારે સવારે કંડીના જંગલોમાં થયેલી અથડામણમાં 5 ભારતીય જવાનો શહીદ થઈ ગયા હતા. આ એન્કાઉન્ટરમાં એક અધિકારી પણ ઘવાયા હતા. અધિકારીઓએ કહ્યું કે ત્રણ સૈનિકો જે પહેલાથી ઘવાયા હતા દુર્ભાગ્યથી તે મૃત્યુ પામી ગયા. જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સંયુક્ત અભિયાન હેઠળ કુલ 5 સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા. શુક્રવારે શહીદ થનારા સૈનિકોમાંથી 4 તો 9 પેરા (સ્પેશિયલ ફોર્સ) ના કમાન્ડો હતા. જોકે 5માં રાષ્ટ્રીય રાઈફલ્સ બટાલિયનથી હતા. આ મામલે વાકેફ લોકોએ આ માહિતી આપી હતી.