યુનિફોર્મ સિવિલ કોડ: ભારતમાં સમાન નાગરિક સંહિતાનો અમલ વાસ્તવમાં શક્ય છે?
ભારતને આઝાદી મળ્યા પછી યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) અથવા સમાન નાગરિક સંહિતાના અમલની માગણી સતત થતી રહી છે. યુસીસી એક એવો કાયદો હશે કે જેમાં કોઈ ધર્મ, જાતિ અને જાતીય અભિગમની દરકાર કરશે નહીં. દેશના બંધારણમાં પણ જણાવવામાં આવ્યું છે કે દેશે તેના નાગરિકો માટે આવો કાયદો ઉપલબ્ધ કરાવવાના 'પ્રયાસ' કરવા જોઈએ. અલબત, એકસમાન કાયદાની ટીકા દેશના બહુમતી હિન્દુઓ અને લઘુમતી મુસ્લિમો બન્ને સમાજ કરતા રહ્યા છે. સુપ્રીમ કોર્ટના શબ્દોમાં કહીએ તો આ એક 'ડેડ લેટર' છે.
જમણેરી હિન્દુત્વવાદી સંગઠનો, મુસ્લિમ પર્સનલ લૉના કથિત 'પછાત' કાયદાઓને આગળ ધરીને યુસીસીના અમલની માગણી કરતા રહ્યાં છે. મુસ્લિમ પર્સનલ લૉની જોગવાઈ મુજબ ત્રણ તલાક કાયદેસર હતા અને એ કાયદા મારફત મુસલમાનો તેમની પત્નીઓને તત્કાળ છૂટાછેડા આપી શકતા હતા, પરંતુ મોદી સરકારે 2019માં તે કાયદાને દંડપાત્ર બનાવી દીધો હતો.
ભારત જેવા પારાવાર વૈવિધ્ય ધરાવતા, વિશાળ દેશમાં યુસીસીને એકીકૃત કરવાનું અત્યંત મુશ્કેલ છે. દાખલા તરીકે, હિન્દુઓ ભલે વ્યક્તિગત કાયદાઓનું પાલન કરતા હોય, પરંતુ તેઓ જુદાં-જુદાં રાજ્યોમાં અલગ-અલગ સમુદાયોની પ્રથાઓ તથા રીત-રિવાજોનું પાલન પણ કરે છે. બીજી તરફ મુસ્લિમ પર્સનલ લૉ તમામ મુસલમાનો માટે સંપૂર્ણપણે સમાન નથી. દાખલા તરીકે કેટલાક વોહરા મુસલમાનો ઉત્તરાધિકારની બાબતમાં હિન્દુ કાયદાઓના સિદ્ધાંતોનું પાલન કરે છે.
સમાન નાગરિક ધારો (યુનિફૉર્મ સિવિલ કોડ) : ભારતમાં વસતા બધા નાગરિકોના કૌટુંબિક સંબંધોનું નિયમન કરતા કાયદા કોમી તફાવતો વગર સમાન ધોરણે અમલી બનાવવાનું લક્ષ્ય ધરાવતો ધારો.
ધર્મ (સંપ્રદાય) અથવા કોમ-આધારિત વૈયક્તિક કાયદાઓ(પર્સનલ લૉઝ)ને બદલે ભારતમાં વસતી બધી કોમો માટે સમાન નાગરિક ધારો ઘડવાનો અને તેને અમલમાં મૂકવાનો રાજ્ય પ્રયાસ કરે, એવો માર્ગદર્શક આદેશ બંધારણની કલમ 44 હેઠળ આપવામાં આવ્યો છે. ભારતમાં બધા જ નાગરિકો માટે મોટાભાગના કાયદા (ફોજદારી અને દીવાની) સરખા છે, જે તફાવત છે તે માત્ર કૌટુંબિક કાયદાઓ (દીવાની કાયદાઓનો એક ભાગ) પૂરતો જ છે. લગ્ન, લગ્નવિચ્છેદ, ભરણપોષણ, વારસાઈ હકો, દત્તક-વિધાન, વાલીપણા અથવા બાળકોના કબજા વગેરે સંબંધી કાયદા અથવા નિયમો અથવા રીતરિવાજો જુદા જુદા ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓમાં અલગ અલગ છે. ટૂંકમાં, કૌટુંબિક સંબંધોનું નિયમન કરતા કાયદાઓ બધી કોમો માટે સમાન હોવા જોઈએ, એ સમાન નાગરિક ધારાનો સંદર્ભ છે.
અગાઉ આપણે ત્યાં ફોજદારી કાયદાઓ જુદી જુદી કોમો માટે અલગ હતા. એક જ ગુનાઇત કૃત્ય માટે કરવામાં આવતી સજા પણ કોમે કોમે જુદી જુદી હતી. બ્રિટિશ સરકારે 1861માં ‘હિન્દી ફોજદારી કાયદો’ (‘ઇન્ડિયન પીનલ કોડ’) અને 1898માં ‘ફોજદારી કાર્યવહીને લગતો’ (‘ક્રિમિનલ પ્રોસિજર કોડ’) કાયદો ઘડ્યો અને બધી કોમોને લાગુ પાડવામાં આવ્યો. 1857ના વિપ્લવ પછી દેશના લોકોની ‘ધાર્મિક’ લાગણીઓને ઠેસ પહોંચે એવું કશું નહિ કરવાની નીતિ બ્રિટિશ સરકારે અપનાવી, એટલે સમાજસુધારાને લગતો કોઈ પણ કાયદો ઘડવાની અને લાગુ પાડવાની કોઈ દિલચસ્પી બ્રિટિશ સરકારે દાખવી નહિ. આઝાદી બાદ, લગભગ સાડા પાંચ દાયકા પછી પણ દેશની ચૂંટાયેલી (કેન્દ્ર અને રાજ્યોની) સરકારોએ એ દિશામાં કશાં નક્કર પગલાં ભર્યાં નથી.
ભારતમાં વૈયક્તિક કાનૂનોમાં ઘણા તફાવતો છે; જેમ કે, હિન્દુ પુરુષ એક જ સ્ત્રી સાથે લગ્ન કરી શકે. જો પહેલી પત્ની હયાત હોય અને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે તો તે ગેરકાયદે અને ગુનો બને છે; જ્યારે મુસ્લિમ પુરુષ વધુમાં વધુ ચાર સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકે છે અને આવાં લગ્ન કાયદેસર ગણાય છે.
હિન્દુ લગ્નવિચ્છેદ અથવા છૂટાછેડા હિન્દુ લગ્નધારા અનુસાર અથવા પરસ્પર સંમતિથી કે જ્ઞાતિના રિવાજ અનુસાર થઈ શકે છે; જ્યારે મુસ્લિમ લગ્નવિચ્છેદમાં પુરુષોનો અધિકાર ચઢિયાતો છે. મુસ્લિમ પુરુષ ત્રણ વખત ‘તલ્લાક, તલ્લાક, તલ્લાક’ બોલીને પોતાની પત્નીને છૂટાછેડા આપી શકે છે.
ખ્રિસ્તી ધર્મમાં લગ્ન એક પવિત્ર બંધન ગણાય છે. સામાન્ય રીતે ખ્રિસ્તી ધર્મમાં લગ્નવિચ્છેદ માન્ય ગણાતો નથી. જો ખ્રિસ્તી પુરુષ લગ્નવિચ્છેદ ઇચ્છતો હોય તો તેની પત્ની વ્યભિચારી છે, એ પુરવાર કરવું પડે; પણ ખ્રિસ્તી સ્ત્રી લગ્નવિચ્છેદ ઇચ્છતી હોય તો પતિના વ્યભિચાર ઉપરાંત તે પોતાની સાથે ક્રૂર વર્તન કરે છે અથવા પતિએ તેને તરછોડી દીધી છે, એ પુરવાર કરવું પડે.
એ જ રીતે વારસાઈ હકો, ભરણપોષણ, વાલીપણાને લગતા કાયદાઓમાં પણ ઘણા તફાવત છે. આ તફાવતોને કારણે ઘણીબધી વિસંગતિઓ અને વિરોધાભાસ ઊભા થાય છે. બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા માટે હિન્દુ પુરુષ અને સ્ત્રી ધર્માંતર કરે એવા કિસ્સાઓ પણ બને છે.
ભારતનું બંધારણ અને સમાન નાગરિક ધારો : બંધારણની કલમ 14 અને 15 ભારતમાં સમાનતા અને ‘કાયદાના શાસન’ના ખ્યાલને ચરિતાર્થ કરે છે. આ કલમો દરેક નાગરિકને ધર્મ (સંપ્રદાય), જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થળ કે એવા કોઈ પણ જાતના ભેદભાવ વિના ‘કાયદા સમક્ષની સમાનતા’ અને ‘કાયદાના સમાન રક્ષણ’ની ખાતરી આપે છે. કલમ 13માં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે બંધારણના આરંભ અગાઉ અથવા તે સમયે પ્રવર્તમાન કાયદા મૂળભૂત હકો સાથે જેટલા પ્રમાણમાં અસંગત હશે તેટલા પ્રમાણમાં તે વ્યર્થ (‘વૉઇડ’) ગણાશે. બંધારણના ચોથા ભાગ ‘રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો’માં કલમ 44માં જણાવવામાં આવ્યું છે કે (રાજ્ય) ભારતના સમગ્ર વિસ્તારમાં રહેતા બધા નાગરિકો માટે સમાન નાગરિક ધારો ઘડવાનો પ્રયાસ કરશે. અલબત્ત, ‘રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો’નું સ્વરૂપ ‘બિનન્યાયપાત્ર’ (‘નૉન-જસ્ટિશિયેબલ’) છે, મતલબ કે તેના અમલ માટે કાયદાની અદાલતોનો આશરો લઈ શકાતો નથી; એટલે કે અદાલતો દ્વારા તેના અમલ માટે રાજ્યને ફરજ પાડી શકાય નહિ. આમ છતાં, આ માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્ત્વ જરાય ઓછું નથી. બંધારણની કલમ 37 અનુસાર આ સિદ્ધાંતો દેશના શાસનમાં પાયાનું સ્થાન ધરાવે છે અને કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ થાય એ જોવાની રાજ્યની ફરજ રહે છે. બંધારણની કલમ 12માં ભારતમાં ‘રાજ્ય’ કોને કહેવાય એની વિસ્તૃત વ્યાખ્યા આપવામાં આવી છે, તે અનુસાર તેમાં સંઘ સરકાર, રાજ્ય તેમજ સંઘશાસિત વિસ્તારોની સરકારો અને સ્થાનિક સ્વરાજ્યની સરકારો વગેરેનો સમાવેશ થાય છે.
ઉપરાંત, બંધારણના પરિશિષ્ટ 8માં સંયુક્ત યાદીની એન્ટ્રી પાંચ અનુસાર લગ્ન અને છૂટાછેડા, બાળકો અને સગીરો દત્તકવિધાન, મિલકતના ભાગલા તેમજ વારસાઈ હકો સંબંધે કાયદા ઘડવાની સત્તા સંઘની સંસદ અને રાજ્યોની ધારાસભાઓ બેઉને છે.
કોમ(સંપ્રદાય)-આધારિત અંગત અથવા વૈયક્તિક કાનૂનો-(‘પર્સનલ લૉઝ’)ને બંધારણનું સમર્થન છે એવી દલીલ કરવામાં આવે છે. એ વિશે એટલી સ્પષ્ટતા કરવી જોઈએ કે બંધારણની કલમ 372 હેઠળ એક સામાન્ય જોગવાઈ કરવામાં આવી છે કે બંધારણનો અમલ (26 જાન્યુઆરી, 1950) શરૂ થયો ત્યારે જે કાયદા અમલમાં હતા તેમાં જ્યાં સુધી ફેરફાર કરવામાં ન આવે ત્યાં સુધી તે અમલમાં રહેશે. સત્તાનું હસ્તાંતરણ થતાં કોઈ કાનૂની મુશ્કેલી ઊભી ન થાય, એ માટે સામાન્ય સ્વરૂપની આ જોગવાઈ કરવામાં આવેલી, તેને વૈયક્તિક કાનૂનોના સમર્થન તરીકે ઘટાવી શકાય નહિ.
સમાન નાગરિક ધારાની તરફેણમાં સૌથી મહત્ત્વની દલીલ એ છે કે ભારત એક ધર્મનિરપેક્ષ (‘સેક્યુલર’) પ્રજાસત્તાક રાજ્ય છે. બંધારણ અનુસાર ધર્મનિરપેક્ષતાનો અર્થ થાય કે રાજ્ય કોઈ ધર્મ કે સંપ્રદાય પ્રત્યે વફાદારી ધરાવતું નથી, રાજ્યનો પોતાનો કે આગવો કોઈ ધર્મ કે સંપ્રદાય નથી. બંધારણ બધા ધર્મ પાળનારાઓને સરખું સ્વાતંત્ર્ય બક્ષે છે. દરેક નાગરિકને મનપસંદ ધર્મ પાળવાનો, અનુસરવાનો, તેનો પ્રસાર-પ્રચાર કરવાનો અધિકાર છે. વ્યક્તિ(કે તેના સમૂહ)ના ધર્મ કે સંપ્રદાયને રાજ્યના સામાજિક-આર્થિક કાયદાઓ સાથે કોઈ લેવાદેવા ન હોવી જોઈએ.
જેમ વ્યક્તિને ધર્મ કે સંપ્રદાયમાં માનવાની સ્વતંત્રતા છે તેમ કોઈ પણ ધર્મ કે ઈશ્વરમાં નહિ માનવાની પણ સ્વતંત્રતા છે. કોઈ પણ વ્યક્તિ આ કે તે ધર્મ કે સંપ્રદાયમાં માને છે કે કોઈ પણ ધર્મમાં માનતી નથી, એ આધારે રાજ્ય કોઈ પણ ભેદભાવ નહિ કરે અથવા પક્ષપાત નહિ કરે, એવી ખાતરી પણ બંધારણ દ્વારા આપવામાં આવી છે. રાજ્ય કોઈ ધર્મ કે સંપ્રદાયની આંતરિક બાબતોમાં દખલગીરી નહિ કરે. સાથેસાથે એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ધર્મ કે સંપ્રદાય સાથે સંકળાયેલી ઐહિક અથવા સાંસારિક પ્રવૃત્તિઓનું યોગ્ય નિયમન કરી શકે. આમ, વ્યક્તિ કે સમૂહની ધાર્મિક સ્વતંત્રતા અને ભારતીય રાજ્યના બિનસાંપ્રદાયિક (‘સેક્યુલર’) સ્વરૂપ વચ્ચે સામંજસ્ય સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આથી કૌટુંબિક કાયદાઓ સંબંધે રાજ્ય તમામ નાગરિકો સાથે ભેદભાવ વિના સમાન વ્યવહાર રાખે તે આવશ્યક અને અનિવાર્ય બને છે.
કોઈ પણ આધુનિક સભ્યસમાજમાં ધર્મ અથવા સંપ્રદાય અને વૈયક્તિક કાનૂન વચ્ચે અનિવાર્ય સંબંધ હોય એ જરૂરી નથી, એ તર્ક ઉપર કલમ 44 આધારિત છે. લગ્ન, લગ્નવિચ્છેદ, ભરણપોષણ વગેરે વિષયો ઐહિક અથવા સાંસારિક (‘સેક્યુલર’) છે, જેનું નિયમન રાજ્ય દ્વારા ઘડાયેલા કાયદા દ્વારા થવું જોઈએ અને આવા કાયદા ભારત જેવા લોકશાહી, ધર્મનિરપેક્ષ રાજ્યના પાયાના સિદ્ધાંતો – સમાનતા, સ્વતંત્રતા, બંધુતા, સામાજિક ન્યાય, વ્યક્તિની ગરિમા વગેરે સાથે સુસંગત હોવા જોઈએ; એમનો ભંગ કરનારાઓ તો ન જ હોવા જોઈએ. મોટાભાગના અંગત અથવા વૈયક્તિક કાનૂનો સ્ત્રીઓને અન્યાય કરનારા, સમાનતાના સિદ્ધાંતનો ભંગ કરનારા અને તેમની ગરિમાને હાનિ પહોંચાડનારા છે.
ભારતની સર્વોચ્ચ અદાલતે એકથી વધુ વખત કેન્દ્ર સરકારને ટકોર કરી છે, સરકારે આ દિશામાં નક્કર પગલાં ભરવાં. ‘‘અન્યાય અને શોષણનો ભોગ બનતી સ્ત્રીઓના રક્ષણ માટે અને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના જતન માટે આવો સમાન નાગરિક ધારો ઘડવો અત્યંત જરૂરી છે.’’
સમાન નાગરિક ધારો અને રાજકારણ : સમાન નાગરિક ધારો છેલ્લા બે-ત્રણ દાયકાથી ભારતીય રાજકારણમાં રાજકીય વાદવિવાદનો એક મુદ્દો બન્યો છે. ભારતીય જનતા પાર્ટીએ તેના હાર્દરૂપ મુદ્દાઓમાં તેને સ્થાન આપ્યું છે. ચૂંટણી-ઢંઢેરા અને પ્રચારમાં તે આ મુદ્દા ઉપર વિશેષ ભાર મૂકે છે. બીજી બાજુ કૉંગ્રેસ પક્ષનું વલણ દ્વિધાભર્યું છે. ‘જ્યાં સુધી જે તે કોમમાંથી તે સંબંધી માગણી ન ઊઠે ત્યાં સુધી એ દિશામાં આગળ ન વધવું’ એવું વલણ તેણે અખત્યાર કર્યું છે. કૉંગ્રેસ ઉપરાંત બીજા પોતાને ‘સેક્યુલર’ કહેવડાવતા પક્ષો પણ દૂધ અને દહીં બંનેમાં પોતાનો પગ રાખવાનો પ્રયાસ કરે છે; જ્યારે ભાજપ તરફથી આ મુદ્દો ઉઠાવવામાં આવે છે ત્યારે મુસ્લિમ સમુદાયનાં રૂઢિચુસ્ત તત્ત્વો (‘મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડ’) તેનો જોરદાર વિરોધ કરે છે અને તેને ઇસ્લામ ધર્મમાં દખલગીરી તરીકે ઘટાવે છે. તો બીજી બાજુ ભારતીય જનતા પક્ષ સમાન નાગરિક ધારા વિશે કશું સ્પષ્ટ વલણ નહિ લેનારા પક્ષો ‘મુસ્લિમોને ખુશ કરવાની નીતિ’ અપનાવે છે, એવી ટીકા કરે છે. આ પક્ષો એકબીજા ઉપર પોતપોતાની મતબૅંક ઊભી કરવાના આક્ષેપો કરે છે.
દેશના કેટલાક અગ્રણી કાનૂનવિદો, ન્યાયમૂર્તિઓ, સમાજવિજ્ઞાનીઓ, ચિંતકો જૂના-પુરાણા, કાલગ્રસ્ત થઈ ગયેલા વૈયક્તિક કાનૂનોમાં ધરમૂળથી ફેરફાર કરવાની અને એ માટે સમાન નાગરિક ધારો ઘડવાની હિમાયત કરે છે તો કેટલાક વિવેચકો એક ઝાટકે આવો કાયદો ઘડવાની તરફેણ કરતા નથી. આવો કાયદો ઘડતા પહેલાં તેની તરફેણમાં લોકમત તૈયાર કરવા ઉપર ભાર મૂકે છે. આ એક સંવેદનશીલ મુદ્દો છે, તે વિશે બિનજરૂરી ઉતાવળ ન કરવી જોઈએ, એવો એમનો અભિપ્રાય છે.
એકવીસમી સદીમાં પ્રવેશેલ ભારત, જે એક આધુનિક મહાસત્તા તરીકે ઊભરી રહ્યું છે તેનો મોટાભાગનો સમાજ જર્જરિત, કાલાતીત એવા અને આધુનિક, ઉદારમતવાદી, માનવમૂલ્યોથી વિપરીત એવા વૈયક્તિક કાનૂનોથી જકડાયેલો રહે, એ યોગ્ય નથી. સમાજની લગભગ અડધો-અડધ વસ્તી સ્ત્રીઓ, જૂના-પુરાણા રૂઢિચુસ્ત કૌટુંબિક કાયદાઓની બેડીઓમાં જકડાયેલી રહે તે પણ યોગ્ય નથી. આથી આવનારાં વર્ષોમાં આ પરત્વે સરકાર કોઈ ચોક્કસ નીતિ ઘડે તે જરૂરી છે.