આ વખતે એશિયા કપ પાકિસ્તાન અને શ્રીલંકામાં હાઇબ્રિડ મોડલમાં રમાશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ ગુરુવારે ટૂર્નામેન્ટની વર્તમાન સીઝનના સ્થળની જાહેરાત કરી છે. 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ શ્રીલંકામાં યોજાશે. ACCએ જાહેર કરેલા સ્થળ યાદીમાં શહેરોના નામનો ઉલ્લેખ નથી.
પાકિસ્તાન અને શ્રીલંકા 4 મેચની યજમાની કરશે
આ એશિયા કપની 4 મેચ પાકિસ્તાનમાં યોજાશે, જ્યારે શ્રીલંકામાં 9 મેચનું આયોજન કરાયું છે. આ મેચ માટે ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી 6 ટીમને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી બે ટીમ સુપર-4 રાઉન્ડમાં પ્રવેશ કરશે. સુપર-4 રાઉન્ડની ટોચની ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાશે.
કઈ મેચ પાકિસ્તાનમાં રમાશે?
એશિયા કપમાં શરૂઆતના ગ્રુપ સ્ટેજની ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે, જેમાં એક ગ્રુપમાંથી પાકિસ્તાન Vs નેપાળની મેચ અને બીજા ગ્રુપમાંથી અફઘાનિસ્તાન Vs બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન Vs શ્રીલંકા અને બાંગ્લાદેશ Vs શ્રીલંકા મેચનો સમાવેશ થાય છે.
શ્રીલંકામાં કઇ મેચ યોજાશે
શ્રીલંકામાં ગ્રુપ સ્ટેજથી ભારત Vs પાકિસ્તાન અને ભારત Vs નેપાળની મેચ રમાશે. આ પછી બંને ગ્રુપમાંથી ટોપ-2 ક્રમાંકિત ટીમ સુપર-4માં પહોંચશે. સુપર-4ની તમામ મેચ અને ફાઈનલ પણ શ્રીલંકામાં રમાશે.
વિવાદોથી ઘેરાયેલું રહ્યું આ આયોજન
એશિયા કપની વર્તમાન સીઝનનું આયોજન વિવાદોમાં ઘેરાયેલું છે. ACCએ તેના આયોજનની જવાબદારી પાકિસ્તાનને આપી હતી, પરંતુ ACC પ્રમુખ અને BCCI સેક્રેટરી જય શાહે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાની ના પાડી દીધી હતી. આવી સ્થિતિમાં પાકિસ્તાને વર્લ્ડ કપમાં ટીમ મોકલવાનો ઈનકાર કરી દીધો હતો.
જાણો એશિયા કપને લઈને કેમ થયો વિવાદ?
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ કેલેન્ડરે 2023માં યોજાનારા એશિયા કપની યજમાની પાકિસ્તાનને આપી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ કેલેન્ડર જાહેર થતાં જ સ્પષ્ટ કહી દીધું હતું કે ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં મેચ રમવા માટે પાકિસ્તાન નહીં જાય. BCCIએ એશિયા કપનું આયોજન તટસ્થ સ્થળે કરાવવાનું કહ્યું હતું, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સંમત નહોતું.
જોકે પાકિસ્તાને ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ પર યોજવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. હાઇબ્રિડ મોડલ મુજબ ભારતની મેચ પાકિસ્તાન સિવાય અન્ય દેશમાં યોજાશે. ટૂર્નામેન્ટની બાકીની મેચ પાકિસ્તાનમાં યોજાશે. જો ભારત ફાઈનલમાં પહોંચશે તો ફાઈનલ પણ પાકિસ્તાનની બહાર રહેશે.