ક્લાઇમેટ ચેન્જ શું છે અને આપણા માટે ખતરો કેમ? સમજો સરળ રીતે
વિશ્વમાં કૃત્રિમ રીતે (મનુષ્યો દ્વારા થતી ગતિવિધિઓ-પ્રવૃત્તિઓને કારણે) તાપમાન વધી રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જ સમગ્ર માનવજાતના તમામ મોરચે તોળાઈ રહેલું એક સંકટ છે.
કેટલાંક વર્ષો દરમિયાન એક સ્થળના સરેરાશ હવામાનને ક્લાઇમેટ કહેવામાં આવે છે. આ સરેરાશ હવામાનોમાં બદલાવને ક્લાઇમેટ ચેન્જ કહેવાય છે.
પણ હવે જે ઝડપે ક્લાઇમેટ ચેન્જ જોવા મળે છે તેની પાછળ માનવજાત દ્વારા ઑઇલ (ઈંધણ તેલ)નો ઉપયોગ, ઘરો, ફૅક્ટરી, વાહન-વ્યવહારમાં ગૅસ અને કોલસાનો ઉપયોગ કારણભૂત છે.
જ્યારે આ અશ્મિગત બળતણો બળે છે ત્યારે તે કેટલાક ગ્રીનહાઉસ ગૅસનું ઉત્સર્જન કરે છે. તેમાં મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ (CO2) છે. આ બધા ગૅસ સૂર્યની ગરમીને ઘેરી લે છે, જેથી ગ્રહનું તાપમાન વધે છે.
19મી સદી કરતાં હાલ વિશ્વ 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ છે. એટલે કે તેનું તામપાન 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. વળી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 50 ટકા વધ્યું છે.
વૈજ્ઞાનિકો કહે છે કે જો આપણે ક્લાઇમેટ ચેન્જનાં દૂરગામી ગંભીર પરિણામોથી બચવું હોય તો તાપમાનમાં થતા વધારાને ફરજિયાત ધીમો પાડવો પડશે. તેઓ કહે છે કે ગ્લોબલ વૉર્મિંગ (જળવાયુ પરિવર્તન) 2100 સુધી 1.5 સેલ્સિયસ જ રાખવું પડશે.
જોકે, ભાવિ પગલાં નહીં લેવામાં આવે તો પૃથ્વીનું તાપમાન આ સદીના અંત સુધીમાં વધુ 2 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે.
જો કંઈ જ નહીં કરવામાં આવે તો વૈજ્ઞાનિકો માને છે કે જળવાયુ પરિવર્તન 4 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી શકે છે.
- COP26 શિખર પરિષદ શું છે અને આપણા માટે કેમ મહત્ત્વની છે?
- ત્રણ દેશોને પાણી આપતી એ નદી જે ધીરેધીરે મરી રહી છે
- અનાજ, શાકભાજીની કિંમતો કાબૂમાં આવશે કે મોંઘવારી સાથે જીવવાની ટેવ પાડવી પડશે?
આપણાં સમુદ્રો અને રહેણાકો પણ ખતરામાં છે. ઑસ્ટ્રેલિયાની ‘ધ ગ્રેટ બેરિયર રિફ’ વર્ષ 1995થી અત્યાર સુધી લગભગ તેની અડધાથી વધુ કોરલ્સ ગુમાવી ચૂકી છે, જેનું કારણ ક્લાઇમેટ ચેન્જને કારણે ગરમ થયેલો સમુદ્ર છે.
દાવાનળ પણ વારંવાર ફાટી રહ્યા છે, કેમ કે ક્લાઇમેટ ચેન્જને કારણે વાતાવરણ ગરમ અને શુષ્ક બની રહ્યું છે.
સાઇબીરિયા જેવાં સ્થળોમાં જામેલો બરફ પીગળી રહ્યો છે. વર્ષોથી ઘેરાયેલા (બર્ફીલા ખડકોમાં રહેલા) ગ્રીનહાઉસ ગૅસ હવામાંથી વાતાવરણમાં ભળશે તો ક્લાઇમેટ ચેન્જ વધારે તીવ્ર બનશે.
વધુ ગરમ વિશ્વમાં પશુઓ માટે ખોરાક-પાણીની સમસ્યા સર્જાશે અને તેમનું અસ્તિત્વ પણ જોખમમાં આવી જશે.
જેમ કે ઉદાહરણ તરીકે ધ્રુવ પ્રદેશના સફેદ રીંછ બરફ પીગળી જવાથી મૃત્યુ પામી શકે છે. હાથીઓને દરરોજ 150-300 લિટર પાણી જોઈએ, આથી તેમની મુશ્કેલી વધી જશે.
વૈજ્ઞાનિકો માને છે કે જો યોગ્ય પગલાં ન લેવાયાં તો આ સદીના અંત સુધીમાં 550 પ્રજાતિઓનો નાશ થઈ શકે છે.